રાજકોટ આગમાં હોમાયેલા સંજય રાઠોડના પરિવારે કહ્યું, ‘4 કરોડ આપે તો પણ ગયેલી વ્યક્તિ પાછી આવવાની નથી’
Trending Photos
- સંજય રાઠોડના મોત બાદ તેનો પરિવાર ભાંગી પડ્યો હતો. તેના પરિવારજનોએ કહ્યું કે, રાત સુધી તો બધુ સારું હતું. સવારે ઓચિંતાનુ જ આવું થયું.
- સિવિલ હોસ્પિટલની બહાર મૃતકોના પરિવારજનોનો ભારે આક્રંદ જોવા મળ્યો હતો. પોતાના સ્વજન ગુમાવ્યાના દુખથી પરિવારજનોએ રોકકળ મચાવી હતી
ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલની આગમાં પાંચ દર્દીઓના મોત નિપજ્યા છે. તે તમામના મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. ત્યારે સિવિલ હોસ્પિટલની બહાર મૃતકોના પરિવારજનોનો ભારે આક્રંદ જોવા મળ્યો હતો. પોતાના સ્વજન ગુમાવ્યાના દુખથી પરિવારજનોએ રોકકળ મચાવી હતી. જે સ્વજનને તેઓએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, તેમના આગ (rajkot fire) થી બળેલા મૃતદેહો મળતા જ પરિવારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ આગમાં સંજય રાઠોડ નામના દર્દીનું પણ મોત નિપજ્યું છે. ત્યારે તેમના પરિવારજનોએ હોસ્પિટલના તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : રાજકોટ હોસ્પિટલની આગમાં 3 દર્દીઓને બેડ પર જ દર્દનાક મોત મળ્યું
સંજય રાઠોડના મોત બાદ તેનો પરિવાર ભાંગી પડ્યો હતો. તેના પરિવારજનોએ કહ્યું કે, રાત સુધી તો બધુ સારું હતું. સવારે ઓચિંતાનુ જ આવું થયું. રાત્રે સાડા આઠ વાગ્યે અમારી સંજય સાથે વાત થઈ હતી, ત્યારે તેણે કહ્યું હતું કે, ‘બધુ સારું છે.’ સવારે અમે હોસ્પિટલમાં ગયા તો અમને મરેલો ફોટો બતાવીને પૂછે છે કે આ તમારા ભાઈ છે. આવું કંઈ હોતુ હોય. આ તો હોસ્પિટલની બેદરકારી જ છે. હોસ્પિટલના સ્ટાફમાંથી તો કોઈને કંઈ જ થયું નથી, માત્ર દર્દીઓના જ મોત થયા છે. એનો મતલબ એ કે આગ લાગતા જ સ્ટાફ ભાગી ગયો હશે.
તો સાથે જ એક સ્વજને રડતા કહ્યું કે, 4 કરોડ આપે તો પણ મારી ગયેલી વ્યક્તિ પાછી આવવાની નથી. રાત્રે સાડા આઠ વાગ્યે મારી સાથે વાત કરી હતી. આગમાં એની હાલત કેવી થઈ હશે, તે કેવો મૂંઝાયો હશે....’
સમગ્ર મામલે સરકાર તપાસ કરશે - નાયબ મુખ્યમંત્રી
તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ ઘટના પર દુખ વ્યક્ત કરતા જણાવ્યું કે, કોરોના મહામારી બાદ ગુજરાતભરની ખાનગી હોસ્પિટલો, ટ્રસ્ટની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. પરંતુ વિપરિત અને કમનસીબ સ્થિતિમાં રાજકોટની હોસ્પિટલમાં આગ લાગી હતી. ત્રણ માળની હોસ્પિટલના પ્રથમ માળ પર આગ લાગી હતી. જેમાં પાંચના મોત નિપજ્યા છે. 3 દર્દીઓના આગમાં જ મોત થયા હતા, તો બાકીના બે દર્દીઓએ અન્ય હોસ્પિટલમાં શિફ્ટીંગ સમયે મોત નિપજ્યા છે. સમગ્ર મામલે સરકાર તપાસ કરશે. પ્રાથમિક દ્રષ્ટિએ વેન્ટીલેન્ટરમાં સ્પાર્ક થયો હોય તેવુ જણાયું છે. જેનાથી શોર્ટસર્કિટ થયો હોય તેવું લાગી રહ્યું છે. બીજા માળ પર કોઈ નુકસાની નથી. માત્ર આઈસીયુ વોર્ડ પર આગની અસર થઈ હતી. અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગ મામલે પણ તપાસ ચાલુ છે. નિવૃત્ત જજને તાપસ સોંપાઈ છે.
તમામ તાપસ રિપોર્ટ જલ્દી સરકાર આપશે. હાલ રાજકોટની આગ પર તપાસ ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે