રાજકોટના પાદરે 25 દિવસથી ફરી રહ્યાં છે સિંહો

રાજકોટના પાદરે 25 દિવસથી ફરી રહ્યાં છે સિંહો
  • ગઈકાલે પડવલાની સીમમાં સિંહ જોવા મળ્યા
  • સિંહની અવરજવર વધતા ખેડૂતોમાં ભયનો માહોલ 
  • વર્ષો પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહ વસવાટ કરતા હતા

રક્ષિત પંડ્યા/રાજકોટ :સોરઠની શાન ગણાતા સાવજ છેલ્લા 25 દિવસથી રાજકોટના મહેમાન બન્યા છે. રાજકોટના સરધાર રેન્જના ગામડાઓમાં ત્રણ સિંહ જોવા મળ્યા છે. સિંહના આગમનને ફોરેસ્ટ વિભાગ નવા વિસ્તાર હોવાનું માનીને વનરાજાની પાછળ પેટ્રોલિંગ કરી રહી છે. જોકે અહીં વસતા ખેડૂતો વનરાજાના આગમનને વઘાવી તો રહ્યા છે, પરંતુ તેની સાથે દિવસે ખેતરમાં વીજળી આપવાની પણ માંગ કરી છે. ગઈકાલે પડવલાની સીમમાં સિંહ જોવા મળ્યા હતા. ત્યારે સિંહના આગમનથી આ વિસ્તારના લોકોમાં એક તરફ ખુશી છવાઈ છે, તો બીજી તરફ ભયનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ‘રમર ભમર’ ગીત કાને પડી રહ્યું છે, તોડ્યા બધા રેકોર્ડ

3 સિંહોનું ગ્રૂપ આંટાફેરા મારી રહ્યું છે 
રાજકોટથી 20 કિલોમીટર દૂર આવેલા સરધાર રેન્જમાં છેલ્લા 20 દિવસથી વનરાજા મહેમાન બન્યા છે. ત્રણ સિંહોનું એક જુથ આ વિસ્તારમાં ફરી રહ્યુ છે અને અત્યાર સુધીમાં 20થી વધારે પશુઓનું મારણ પણ કરી ચૂક્યા છે. આ વિસ્તારના સરધાર, પાડાસણ, લોથળા, ભયાસર અને કથરોટા વિસ્તારમાં આ સિંહોનું જુથ ફરી રહ્યું છે. સિંહના આ વિસ્તારમાં ડેરા હોવાને કારણે ઘરતીપુત્રો રાજીપો વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે ખેડૂતોના કહેવા પ્રમાણે, આ વિસ્તારમાં સિંહ આવવાને કારણે ખેતરમાં રોજડા અને ભૂંડનો ત્રાસ દુર થયો છે. જે વિસ્તારમાંથી સિંહ પસાર થાય ત્યાં આસપાસના ખેતરોમાં ભુંડ અને રોજડા આવતા નથી. જેના કારણે ખેડૂતોનો ઉભો પાક બચી જાય છે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે વીજળી મળતી હોય છે. તેવામાં સિંહની અવરજવર વધતા ખેડૂતોમાં એક ભયનો માહોલ છે. ત્યારે આ વિસ્તારોમાં દિવસના વીજળી આપવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે.

સોરઠના સિંહની ડણક કાઠિયાવાડમાં પણ સંભળાઇ, રાજકોટના પાદરે 20 દિવસથી સિંહના ડેરા

તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યા ઘટતા શિકારની શોધમાં બહાર આવી રહ્યા છે
સિંહની પ્રકૃતિ એવી છે કે તે પોતાનો વિસ્તાર પસંદ કરે છે અને એટલા માટે જ તે નવા વિસ્તારોની શોધમાં જોવા મળે છે. છ મહિના પહેલા કરાયેલી સિંહની વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા 674 સામે આવી હતી, જેમાંથી એક અંદાજ પ્રમાણે 300 જેટલા સિંહ ગીર વિસ્તારમાં રહે છે. બાકીના સિંહ આસપાસના વિસ્તારમાં ફરે છે. જો કે હવે ગીરના જંગલોમાં તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યા ઘટતા શિકારની શોધમાં બહાર આવી રહ્યા છે. સિંહપ્રેમીઓનું માનવું છે કે, સિંહ ખેડૂતોને મદદરૂપ થાય છે ત્યારે તેઓને નવા વિસ્તારમાં અનુકૂળ વાતાવરણ ફોરેસ્ટ વિભાગે પૂરું પાડવું જોઇએ. બીજી તરફ ફોરેસ્ટ વિભાગ પણ આ વાત માની રહ્યા છે કે ગીરમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. એટલા માટે સિંહ નવા વિસ્તારની શોધમાં આવી રહ્યા છે. જો કે સિંહના સંવર્ધન માટે પુરતી સુવિધાઓ ઉભી થવી જરૂરી છે.

સિંહો નવા વિસ્તાર શોધી રહ્યાં છે 
મહત્વનું છે કે, વર્ષો પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહ વસવાટ કરતા હતા. જો કે ત્યાર બાદ સિંહ અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના ગીરના જંગલો પૂરતા સિમીત થઇ ગયા હતા. હવે સિંહોની સંખ્યા વધતા સિંહોનો વિસ્તાર પણ વધી રહ્યો છે. જેના કારણે સિંહો નવા વિસ્તારમાં આગળ આવી રહ્યા છે. જો કે સિંહોની આગમન સાથે ખેડૂતોમાં ભારે ભય જોવા મળી રહ્યા છે ત્યારે સરકારે સિંહો અને સિંહે પસંદ કરેલા વિસ્તારોમાં યોગ્ય સુવિધાઓ ઉભી કરવી એટલી જ જરૂરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news