ગુજરાતમાં એક જ દિવસમાં ચમક્યું હજારો યુવકોનું કિસ્મત; શિક્ષણ સહિત આ ક્ષેત્રોમાં મળશે 70 હજાર નોકરી
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત વિવિધ ક્ષેત્રે એક જ દિવસમાં રૂ. ૧ લાખ કરોડના સંભવિત રોકાણ સાથે ૨૩ MoU સંપન્ન, ૭૦ હજાર રોજગાર સર્જન થશે. જેમાં પોર્ટ અને પોર્ટ સંબંધિત, પાવર, એન્જિનિયરિંગ ઓટો ઇન્ડસ્ટ્રીઝ, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ, શિક્ષણ તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના ઉદ્યોગો માટેના MoU કરવામાં આવ્યા છે.
- રાજ્યમાં 70 હજાર રોજગાર સર્જન કરવા MOU કરાયા
- શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં 1 લાખ કરોડના કરાર
- અત્યાર સુધીમાં રૂ.૧.૩૫ લાખ કરોડના સંભવિત રોકાણો
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં વધુ 23 MoU કરવામાં આવ્યા છે. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે રૂ. ૧ લાખ કરોડના સંભવિત રોકાણ કર્યા છે, તેની સાથે જ આ રોકાણથી ૭૦ હજાર રોજગાર સર્જન થવાની સંભાવના છે.
રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ વિવિધ ઉદ્યોગો સાથે MoU કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં યોજાઇ ગયેલી એમ.ઓ.યુ. હસ્તાક્ષરની ૧૩ શ્રુંખલાઓમાં ૭૭ MoU સાથે રૂ. ૩૫ હજાર કરોડના સંભવિત રોકાણો થયા છે. તે ઉપરાંત આજે એમ.ઓ.યુ. હસ્તાક્ષરની ૧૪મી શ્રુંખલામાં ૨૩ MoU સાથે રૂ. ૧ લાખ કરોડના સંભવિત રોકાણ થયા છે. એટલે કે આજ દિન સુધી ૧૦૦ MoU સાથે રૂ. ૧.૩૫ લાખ કરોડથી વધુના સંભવિત રોકાણો થયા છે.
આજે કરવામાં આવેલા એમઓયુ અંતર્ગત પોર્ટ અને પોર્ટ સંબંધિત ક્ષેત્રમાં રૂ.૨૭,૨૭૧ કરોડના અંદાજિત રોકાણ સાથે ૧૦,૧૦૦ રોજગારનું સર્જન થશે. તે ઉપરાંત પાવર ક્ષેત્રમાં રૂ.૪૫,૬૦૦ કરોડના અંદાજિત રોકાણ સાથે ૫,૫૦૦ રોજગારનું સર્જન, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ ક્ષેત્રમાં રૂ.૪,૦૦૦ કરોડના અંદાજિત રોકાણ સાથે ૨,૦૦૦ રોજગારનું સર્જન, એન્જિનિયરિંગ ઓટો અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં રૂ.૧૩,૦૭૦ કરોડના અંદાજિત રોકાણ સાથે ૮,૧૫૦ રોજગારનું સર્જન, ઔધોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ તથા કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં રૂ.૪,૪૬૯ કરોડના અંદાજિત રોકાણ સાથે ૩૪,૬૫૦ રોજગારનું સર્જન, શિક્ષણ ક્ષેત્રમાં રૂ.૩૧૦૦ કરોડથી વધુના અંદાજિત રોકાણ સાથે ૮,૨૦૦ રોજગારનું સર્જન તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રૂ.૩૫૦૦ કરોડના અંદાજિત રોકાણ સાથે ૧૨૯૦ રોજગારનું સર્જન થશે.
ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થયેલા આ એમ.ઓ.યુ. અંતર્ગત ઉદ્યોગો પોતાના એકમો સંભવતઃ ૨૦૨૫ થી ૨૦૩૦ વચ્ચે શરૂ કરશે. અમરેલી, વલસાડ, હજીરા, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, સલાયા, મોરબી, જામનગર, ધોળકા, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ, મહેસાણા સહિતના વિવિધ જિલ્લાઓના વિસ્તારોમાં આ ઉદ્યોગો શરૂ થવાના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે