ગુજરાતમાં ભાજપ નેતાના સહારે હવામાં 'ઉડતા મહંત'! યોગી ધર્મનાથ ભરાયા એક મોટા વિવાદમાં

રાજકોટના વાગુદળ ગામે સરકારી ખરાબાની જમીન પર દબાણ કરી આશ્રમ બનાવનાર મહંત યોગી ધર્મનાથે રાજકોટનો કાલાવડ રોડ સોમવારે બાનમાં લીધો અને પછી એક પછી એક વિવાદો સામે આવતા ગયા. આશ્રમમાં અંધશ્રદ્ધા અને નશાનો ખેલ ચાલતો હોવાનો પણ ખુલાસો થયો છે.

ગુજરાતમાં ભાજપ નેતાના સહારે હવામાં 'ઉડતા મહંત'! યોગી ધર્મનાથ ભરાયા એક મોટા વિવાદમાં

ગૌરવ દવે/રાજકોટ: છેલ્લા ઘણા સમય થી સંતો-મહંતો વિવાદોમાં ફસાઈ રહ્યા છે. અમદાવાદના ભારતી આશ્રમનો વિવાદ હોઈ કે પછી રાજકોટના વાગુદળ ગામના શ્રીનાથજીની મઢી આશ્રમના મહંતનો વિવાદ હોઈ. રાજકોટના વાગુદળ ગામે સરકારી ખરાબાની જમીન પર દબાણ કરી આશ્રમ બનાવનાર મહંત યોગી ધર્મનાથે રાજકોટનો કાલાવડ રોડ સોમવારે બાનમાં લીધો અને પછી એક પછી એક વિવાદો સામે આવતા ગયા. આશ્રમમાં અંધશ્રદ્ધા અને નશાનો ખેલ ચાલતો હોવાનો પણ ખુલાસો થયો છે. જેની પોલીસે તપાસ શરૂ કરી છે. કોણ છે મહંત યોગી ધર્મનાથ અને કેવી રીતે ફસાયા વિવાદમાં..

સોમવારે રાત્રે રાજકોટના હાર્દસમા કાલાવડ રોડ પર એક મહંતે હંગામો મચાવી દીધો. તેમની કાર રોંગ સાઇડમાં હતી અને સામે આવતી GST અધિકારી કાર ડ્રાઇવરે પાછી ન લીધી તો મહંતે કારના કાચ તોડી નાખ્યા. ફરસી અને લાકડી હાથમાં લઈને છડેચોક એવો આતંક મચાવ્યો કે લોકો જોતા જ રહી ગયા. અંતે, રાજકોટ ગ્રામ્ય એસપીના કમાન્ડોએ મહંત અને તેમના શિષ્યોને કાબૂમાં લીધા. મહંતનો તો જેલવાસ શરૂ થઈ ગયો. 

પરંતુ zee 24 કલાકની ટિમ જ્યારે વાગુદળ ખાતે આવેલા મહંતના આશ્રમે પહોંચી ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થયા. મહંત યોગી ધર્મનાથ બે થી અઢી વર્ષ થી સરકારી ખરાબાની જગ્યા પચાવી પાડી હતી અને તેના પર શ્રીનાથજીની મઢી આશ્રમ બનાવ્યો હતો. વાજડી ગઢ ગામના સરપંચે કહ્યું હતું કે, મહંત પહેલા મેલડી માતાજીના મંદિરે દર્શન અને પૂજા પાઠ કરવા માટે જ આવતા હતા. ધીમેધીમે મહંતે અહીં ઓરડી બનાવી અને પછી આશ્રમ ખડકી દીધું. 1 વિધા ખરાબાની સરકારી જમીન પર આશ્રમમાં મહંત પહેલા દોરા, ધાગા કરતા હતા અને દાણા જોઈ દેતા હતા. જોકે પછી આ મહંતે નશો કરવા ગાંજો ઉગાડ્યો હોવાની જાણ થતાં આજે ગ્રામ્ય SOG અને પોલીસે તપાસ શરૂ કરી છે. 

મહંત યોગી ધર્મનાથની કર્મ કુંડળી
વાગુદળ ગામે સરકારી ખરાબાની જગ્યા પર શ્રીનાથજીની મઢી આશ્રમ ખડકી દેનાર મહંત યોગી ધર્મનાથનું મૂળ નામ જીગ્નેશ છે. આ મહંતના લગ્ન થઈ ગયેલા છે અને તેમનાં પત્ની પણ અનેક વખત આશ્રમે આવે છે. તેમનો દીકરો પણ છે. મહંતનો પરિવાર રાજકોટના 80 ફૂટના રોડ પર રહે છે. સંસારિક જીવન જીવે છે અને પોતાને મહંત પણ કહે છે. મહંત વૈભવી લાઇફસ્ટાઇલ ધરાવે છે. જે કારમાં મહંત સવાર હતા અને રાજકોટમાં બબાલ થઈ એ કાર તેમણે બે મહિના પૂર્વે જ લીધી હતી. કારની રજિસ્ટ્રેશન તારીખ 15 જૂન, 2024 હોવાનું જાણવા મળ્યું. પહેલ આ મહંત કોન્ટ્રેક્ટર હતો. મેટોડામાં નાના-મોટા બાંધકામ કરતો હતો. પછી તેણે દાણા જોવાનું શરૂ કર્યું. ભૂતકાળમાં દેશી દવાઓ બનાવતા અને વેચતા હતા તેમજ મહંત ગ્રેજ્યુએટ સુધી ભણેલો હોવાનું જાણવા મળ્યું છે.

ભક્ત પાછળ છરી લઈને દોડ્યા હતા
સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે, બે-ત્રણ દિવસ અગાઉ પણ મેટોડા પોલીસ ચોકીમાં મહંત યોગી ધર્મનાથે તોફાન કર્યા હતા. પોલીસ ચોકીમાં આળોટવા લાગ્યા હતા. ભૂતકાળમાં કોઈ ભક્ત દશર્ન કરવા આવ્યા ત્યારે તેમની પાછળ છરી લઈને દોડ્યા હોવાની વાત સામે આવી રહી છે. પરંતુ સાધુ હોવાથી એ સમયે કોઈએ ફરિયાદ કરી ન હતી.

Zee 24 કલાકની ટીમે વાગુદળ ગામે મહંત યોગી ધર્મનાથના આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમમાં ખુલ્લેઆમ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ છોડની સલામતી માટે આસપાસ જાળી પણ લગાવવામાં આવી છે. જે પુરવાર કરે છે કે આ છોડ આપમેળે જ ઊગી નીકળ્યા હોય એમ નથી છતાં સઘળી હકીકત તો મહંત યોગી ધર્મનાથ જ જણાવી શકે એમ છે. જોકે ગ્રામ્ય SOG અને સ્થાનિક પોલીસે FSLને સાથે રાખી ગાંજાના છોડના સેમ્પલ લઈ લેબોરેટરી કરાવવા મોકલ્યા છે. હાલ પોલીસે પણ જો ગાંજો હોવાનું સામે આવશે તો મહંત સામે NDPS એકટ હેઠળ કાર્યવાહી કરશે. 

આશ્રમમાં ગાંજાના વાવેતર ઉપરાંત બીજી ગેરકાયદે વાત વીજ કનેક્શનની આવી. આશ્રમની પાસે મેલડી માતાનું મંદિર છે, જ્યાં PGVCLનું મીટર છે. ત્યાંથી જ છેડા લાંબા કરીને મહંતે વીજ કનેક્શન પોતાની રીતે લઈ લીધું હોવાનું સામે આવ્યું છે. એટલું ન નહિ આ આશ્રમમાં છેલ્લા થોડા સમય થી અનુયાયીઓ ખૂબ જ આવતા થયા હતા. જેમાં માનસિક અને પારિવારિક પીડાઓ દૂર કરવું મહંત યોગી ધર્મનાથ દાણા જોઈ આપવા અને દોરા ધાગા કરી આપતા હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી હતી.

જોકે હાલ GST અધિકારીની કારના ડ્રાઇવર ભાવિન બેરડિયાએ પોલીસ ફરિયાદ કરી છે અને મહંત અને તેનો ચેલો પોલીસ સકંજામાં છે અને પોલીસે મહંતની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. જોકે મહંતની પોલીસે અટકાયત કરી ત્યારે ભાજપ નેતા નાગદાન ચાવડાના ફોન પોલીસ અધિકારીઓ પર ધણધણવા લાગ્યા હતા. મહંત પણ નાગદાન ચાવડાના જોરે પોલીસ તંત્ર હોઈ કે સામાન્ય માણસ તેને જવાબ આપતા નહિ. જોકે હવે મામલતદાર દ્વારા સરકારી ખરાબાની જગ્યા અંગે તપાસ કરી આશ્રમ ખાલી કરી ડીમોલેશન કરવામાં આવે તેવી શકયતા સેવાઇ રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news