હિન્દી ભાષા વિવાદઃ દક્ષિણના અનેક નેતાઓએ કર્યો વિરોધ, જાણો શું છે સમગ્ર બાબત

બિન-હિન્દી ભાષી રાજ્યોમાં હિન્દી ભાષા ભણાવાનો પ્રસ્તાવ આપનારી શિક્ષણ નીતિના મુસદ્દા પર વિવાદ ચાલુ છે, રવિવારે કેન્દ્ર સરકારે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, કોઈ પણ રાજ્ય પર હિન્દી ભાષા ઠોકી બેસાડવામાં નહીં આવે
 

હિન્દી ભાષા વિવાદઃ દક્ષિણના અનેક નેતાઓએ કર્યો વિરોધ, જાણો શું છે સમગ્ર બાબત

નવી દિલ્હીઃ બિન-હિન્દી ભાષી રાજ્યોમાં હિન્દી ભાષા ભણાવાનો પ્રસ્તાવ આપનારી શિક્ષણ નીતિના મુસદ્દા પર વિવાદ ચાલુ છે, રવિવારે કેન્દ્ર સરકારે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, કોઈ પણ રાજ્ય પર હિન્દી ભાષા ઠોકી બેસાડવામાં નહીં આવે. નાણા મંત્રી નિર્મલા સિતારમણ અને વિદેશ મંત્રી એસ. જયશંકરે આ અંગે ટ્વીટર પર જવાબ આપતા કહ્યું કે, આ ડ્રાફ્ટને અમલમાં મુકતાં પહેલાં તેની સમીક્ષા કરવામાં આવશે. મોદી સરકારના આ બંને મંત્રી તમિલનાડુના છે. 

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાંથી જ આ મુદ્દે સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે. આ કારણે જ મોદી સરકારના આ મંત્રીઓએ તેમની ટ્વીટ પણ તમિલ ભાષામાં કરી છે. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ પણ લોકોને અપીલ કરી હતી કે તેઓ નવી શિક્ષણ નીતિના મુસદ્દાનો અભ્યાસ, વિશ્લેષણ અને ચર્ચા કરે, પરંતુ ઉતાવળે કોઈ નિષ્કર્ષ પર ન પહોંચે. 

જોકે, દક્ષિણ ભારતના નેતાઓ દ્વારા આ મુદ્દા અંગે વિરોધના સુર સતત વધતા જઈ રહ્યા છે. પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમ અને ડીએમકે નેતા એમ.કે. સ્ટાલિનના નિવેદનો પછી હવે કર્ણાટકના મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામી અને કોંગ્રેસના નેતા શશિ થરૂરે દક્ષિણ ભારત પર હિન્દી ભાષા ઠોકી બેસાડવા સામે ચેતવણી ઉચ્ચારી છે. 

ત્યાર પછી નાણામંત્રી સીતારમણે ટ્વીટ કરી કે, "પ્રજાનો અભિપ્રાય જાણ્યા પછી જ ડ્રાફ્ટ પોલિસી લાગુ કરવામાં આવશે. તમામ ભારતીય ભાષાઓને પોષિત કરવા માટે જ વડાપ્રધાને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' યોજના લાગુ કરી હતી. કેન્દ્ર તમિલ ભાષાના સન્માન અને વિકાસ માટે સમર્થન આપશે." વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ ડ્રાફ્ટને અમલમાં મુકતાં પહેલાં તેની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે. 

શશિ થરૂરે જણાવ્યું હતું કે, "દક્ષિણમાં અનેક સ્થળે હિન્દીનો બીજી ભાષા તરીકે ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ઉત્તરમાં કોઈ મલયાલમ કે તમિલ નથી શીખી રહ્યું." આ અંગે ભાજપના નેતા તેજસ્વી સૂર્યાએ જણાવ્યું કે, "આ નીતિથી દક્ષિણના વિદ્યાર્થીઓને હિન્દી ભાષા શીખવાનું પ્રોત્સાહન મળશે. જો એનઈપી લાગુ નહીં થાય તો પણ શાળાઓમાં હિન્દી ભાષા શીખવાડવાને પ્રોત્સાહન મળવું જોઈએ."

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news