ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1977માં રચાઈ પ્રથમ બિનકોંગ્રેસી સરકાર
યુદ્ધ, ફુગાવો, દેશભરમાં વિરોધ પ્રદર્શનો અને કટોકટી. આ ચાર મુખ્ય મુખ્ય મુદ્દા રહ્યા 1977ની લોકસભા ચૂંટણીના. આ મુદ્દાઓને કારણે જ કોંગ્રેસને પ્રથમ વખત આઝાદી પછી સત્તામાંથી બહાર બેસવાનો વારો આવ્યો. મોરારજી દેસાઈ પ્રથમ બિનકોંગ્રેસી વડા પ્રધાન બન્યા.
Trending Photos
ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ યુદ્ધ, ફુગાવો, દેશભરમાં વિરોધ પ્રદર્શનો અને કટોકટી. આ ચાર મુખ્ય મુખ્ય મુદ્દા રહ્યા 1977ની લોકસભા ચૂંટણીના. આ મુદ્દાઓને કારણે જ કોંગ્રેસને પ્રથમ વખત આઝાદી પછી સત્તામાંથી બહાર બેસવાનો વારો આવ્યો.
ભારતે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના સંપૂર્ણ સત્તાકાળના ત્રણ દાયકા - 1950, 1960 અને 1970ના જોયા હતા. રાજકીય પ્રભુત્વની સાથે જ 1970ના દાયકામાં દેશને 21 મહિના સુધી કટોકટીકાળ પણ જોવાનો વારો આવ્યો હતો. 1975થી 1977 દરમિયાન દેશમાંથી લોકશાહી નાબૂદ કરવા માટે ઈન્દિરા ગાંધી અને કેટલાક અન્ય નેતાઓએ અસંખ્ય કારણો જણાવ્યા હતા. 1977 પછી દેશમાં લોકશાહી પાછી આવી અને તેની સાથે જ કટોકટીના ઘા રીઝવવા માટે દેશમાં ચૂંટણી આપવામાં આવી.
કટોકટી, યુદ્ધ અને ફુગાવો
દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના યુગનો અંત આવ્યા બાદ ઈન્દિરા ગાંધી દેશમાં નવા નેતા તરીકે ઉભર્યા હતા. જોકે, કોંગ્રેસ પાર્ટીની અંદર તેમના વિરુદ્ધ સૂર ફૂંકાતો રહેતો હતો. કોંગ્રેસના અંદર અને બહાર ઈન્દિરા ગાંધીની નેતૃત્વ ક્ષમતા સામે સવાલો ઉઠાવાતા હતા. 1967 અને 1971ની લોકસભા ચૂંટણી જીતીને ઈન્દિરા ગાંધીએ પોતાની ક્ષમતા પૂરવાર કરી હતી. તેમના નેતૃત્વમાં 1967માં કોંગ્રેસને 78 સીટનું નુકસાન થયું હતું તો 1971માં તેમના જ નેતૃત્વમાં પાર્ટીએ 73 સીટ વધુ જીતી અને સાથે જ પૂર્ણ બહુમત મેળવ્યો હતો.
1971માં કોંગ્રેસના આંતરિક વિરોધીઓને પછડાટ આપીને બહુમત સાથે જીત્યા બાદ ઈન્દિરા ગાંધી વધુ મજબૂત થઈને ઉભર્યા હતા. જોકે, 1971ની ચૂંટણી પૂરી થયા બાદ ભારતે પશ્ચિમ પાકિસ્તાન સાથે યુદ્ધ કર્યું. ભારતીય સેનાએ પોતાનું યુદ્ધ કૌશલ્ય દાખવીને પાકિસ્તાનને પરાસ્ત કર્યું અને સ્વતંત્ર બાંગ્લાદેશની રચના થઈ. યુદ્ધમાં વિજય તો થયો, પરંતુ ભારતીય અર્થતંત્ર પર સંકટના વાદળો પણ તેની સાથે જ ઘેરાઈ ગયા હતા.
દેશમાં મોંઘવારીએ માઝા મુકી હતી. દુષ્કાળ અને ખાદ્ય તેલના ભાવો આભને આંબી ગયા હતા. 1971ની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી 'ગરીબી હટાવો'ના નારા સાથે જીત્યા હતા, પંરતુ દેશમાં ગીરીબી દૂર થવાને બદલે મોંઘવારીના રાક્ષસે મોં ફાડ્યું હતું.
જોકે, 1971ની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી રાયબરેલીની બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. આ ચૂંટણીમાં સરકારી મશીનરીનો ઉપયોગ કરવાનો તેમના પર આરોપ લગાવાયો. ઈન્દિરા ગાંધી સામે ચૂંટણીમાં છેતરપીંડી આચરવાનો કેસ થયો અને 1975માં અલાહાબાદ હાઈકોર્ટે તેમને આ કેસમાં દોષિત ઠેરવ્યા.
અલાહાબાદ કોર્ટે 12 જુલાઈ, 1975ના રોજ ચૂકાદો આપતા ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદ્દ જાહેર કરી. સાથે જ ઈન્દિરા ગાંધીના આગામી 6 વર્ષ સુધી લોકસભા ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો. એક તરફ દેશમાં મોંઘવારી અને ઈન્દિરા ગાંધીની નીતિઓ વિરુદ્ધ ઠેર-ઠેર અવાજ ઉઠવા લાગ્યો હતો. એવામાં કોર્ટના આ ચૂકાદાએ ઈન્દિરા ગાંધીને ભડકાવી દીધા.
ઈન્દિરાનો વિરોધ કરવામાં સૌથી આગળ રહેલા જયપ્રકાશ નારાયણે આ ચૂકાદો આવવાની સાથે જ ઈન્દિરા ગાંધીના તાત્કાલિક રાજીનામાની માગણી કરી દીધી. 25 જુનના રોજ રામલીલા મેદાન ખાતેની રેલામાં 1 લાખથી વધુ લોકોની હાજરીમાં જયપ્રકાશ નારાયણે રામધારી સિંઘ દિનકરની પંક્તિઓ દોહરાવી કે, 'સિંહાસન ખાલી કરો કે જનતા આનેવાલી હૈ'. જેપીએ સંપૂર્ણ ક્રાંતિની જાહેરાત કરવાની સાથે જ પોલીસ અને સેનાને પણ તેમાં જોડાવા માટે આહ્વાન કર્યું.
દેશભરમાં પેદા થયેલા જૂવાળને જોતાં ઈન્દિરા ગાંધીએ 25 જાન્યુઆરી, 1975ની રાત્રે જ દેશમાં કટોકટી લાદી દીધી. જેપી સહિત કેટલાક વિરોધ પક્ષના નેતાઓને ઈન્દિરા ગાંધીએ જેલમાં ધકેલી દીધા. બે દિવસ સુધી ન્યૂઝ પેપર પ્રકાશિત થવા ન દેવાયા. આ દરમિયાન ઈન્દિરા ગાંધીએ તેમના મોટાભાગના રાજકીય વિરોધીઓ અને ચળવકર્તાઓને પકડી-પકડીને જેલમાં નાખી દીધા.
ઈન્દિરા ગાંધી પર દેશના બંધારણને ખતરામાં નાખવાનો, સરકારી નીતિઓનો અપપ્રચાર કરવાનો, બળજબરીપૂર્વક નસબંધી કરવાનો, કાયદો હાથમાં લેવાનો સહિતના અસંખ્ય આરોપો લગાવાયા હતા. જોકે, ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદવા અંગે તેમના પર લગાવાયેલા તમામ આરોપો ફગાવી દીધા હતા અને તેમણે જણાવ્યું કે, દેશમાં જે પ્રકારનો માહોલ ઊભો થયો હતો તેને દૂર કરવા માટે કટોકટી લાદવી અનિવાર્ય હતી. ત્વરિત આર્થિક વિકાસ અને વંચિત વર્ગો માટે કલ્યાણકારી કાર્યોને લાગુ કરવા તેમણે કટોકટીનો સહારો લીધો હતો.
લગભગ બે વર્ષથી વધુ સમયના કટોકટીકાળ પછી 23 માર્ચ, 1977ના રોજ દેશમાંથી કટોકટી પાછી ખેંચવામાં આવી. ઈન્દિરા ગાંધીએ દેશમાં નવેસરથી લોકસભા ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.
રાજ્યોની સંખ્યામાં થયો વધારો
1977ની લોકસભા ચૂંટણીમાં દેશમાં 31 રાજ્યો થઈ ગયા હતા અને કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશોની પણ પુનર્રચના કરાઈ હતી.
રાજ્યોઃ આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, દમણ અને દીવ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંદમાન અને નિકોબાર આઈસલેન્ડ્સ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર, લક્ષદ્વીપ, પોન્ડિચેરી.
રાજકીય પક્ષો
1977ની લોકસભા ચૂંટણીમાં 5 રાષ્ટ્રીય પક્ષ હતા, 15 રાજ્ય કક્ષાના પક્ષ હતા અને 14 બિનમાન્યતા પ્રાપ્ત પાર્ટીઓ હતી.
રાષ્ટ્રીય પક્ષોઃ
- ભારતીય લોક દલ
- કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા
- કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કસિસ્ટ)
- ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
- ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (ઓઆરજી)
ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1951-1952ની પ્રથમ ચૂંટણી લડનારા પક્ષો અને સ્થિતિ
રાજ્યકક્ષાના પક્ષોઃ
- ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ(AIADMK)
- દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)
- ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક
- જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ
- કેરળ કોંગ્રેસ (પિલ્લાઈ ગ્રૂપ)
- મહારાષ્ટ્રવાદી ગોમંતક
- મુસ્લીમ લીગ (વિરોધી)
- મુસ્લીમ લીગ
- પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી
- શિરોમણી અકાલી દલ
- યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ
- વિશાલ હરિયાણા
બિનમાન્યતા પ્રાપ્ત પાર્ટીઓ
અખિલ ભારત હિન્દુ મહાસભા, ઓલ ઈન્ડિયા ગોરખા લીગ, ઓલ ઈન્ડિયા લેબર પાર્ટી, ઝારખંડ પાર્ટી, ઓલ ઈન્ડિયા ઝારખંડ પાર્ટી, ઓલ ઈન્ડિયા શિરોમણી બાબા જીવન સિંઘ માઝાભી દલ, બિહાર પ્રાન્ત હલ ઝારખંડ, રિવોલ્યુશનરી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (ખોબરાગડે), અખિલ ભારતીય રામરાજ્ય પરિષદ, શોષિત સમાજ દલ(અખિલ ભારતીય), સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા, ત્રીપુરા ઉપાજિતી જુબા સમિતિ.
1977ની લોકસભા ચૂંટણીઃ
ઈન્દિરા ગાંધીએ પૂર્ણ વિશ્વાસ અને ફરીથી ભારતના વડા પ્રધાન બનવાના સ્વપ્ન સાથે 19 જાન્યુઆરી, 1977ના રોજ દેશની છઠ્ઠી લોકસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાત સાથે જ લોકોને થયું કે હવે દેશમાંથી કટોકટી દૂર થશે. કોંગ્રેસે કહ્યું કે, તેમણે બનાવેલી નીતિઓ અને કાર્યક્રમોને લોકોનું સમર્થન મેળવવા માટે આ ચૂંટણીની જાહેરાત કરાઈ છે.
લોકસભા સીટની સંખ્યા વધી
દેશમાં વસતીમાં થયેલા વધારાની સાથે-સાથે લોકસભા સીટમાં પણ વધારો થયો હતો. 1977ની લોકસભા ચૂંટણી 542 બેઠક માટે લડવામાં આવી. 1971માં 518 બેઠકો હતો. 1977ની ચૂંટણીમાં કુલ 2,439 જેટલા ઉમેવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. દેશમાં 3,73,910 મતદાન મથક ઊભા કરવામાં આવ્યા હતા.
ઈન્દિરા ગાંધી સામે લડાઈ લડવા માટે કોંગ્રેસ(ઓ), જન સંઘ, ભારતીય લોક દલ અને સોશિયાલિસ્ટ પાર્ટીએ ભેગામળીને મોરારજી દેસાઈના નેતૃત્વમાં જનતા પાર્ટી બનાવી. જનતા પાર્ટીએ તેના ઘોષણાપત્રમાં લોકશાહીને વધુ મજબૂત કરવાનું વચન આપવા ઉપરાંત મોંઘવારી ઘટાડવા, અર્થતંત્રમાં સુધારો કરવા, ગરીબી દૂર કરવા, સામાજિક સુધારા લાવવા અને નિરક્ષરતા દૂર કરવા જેવા મોટા-મોટા વચનો આપ્યા.
તેની સામે કોંગ્રેસે કેન્દ્રમાં એક મજબૂત સરકાર આપવાનું વચન આપ્યું. જોકે, તેમનું આ વચન મતદારોને લલચાવી શક્યું નહીં. આ ચૂંટણી હિન્દી ભાષી રાજ્યો વિરુદ્ધ બિન-હિન્દીભાષી રાજ્યો જેવી પણ બની ગઈ હતી.
ચૂંટણીનું પરિણામ કોંગ્રેસને આંચકો આપનારું રહ્યું. કોંગ્રેસનું જે ઉત્તરના હિન્દી રાજ્યોમાં પ્રભુત્વ હતું ત્યાં તેનો સફાયો થઈ ગયો. મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશમાં તેને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો. ઈન્દિરા ગાંધી રાયબરેલી સીટ પરથી 55,000થી વધુ મતથી હાર્યા તો તેમના પુત્ર સંજય પણ અમેઠીમાં રવિન્દ્ર પ્રતાપ સિંહ સામે 75,884 વોટથી હાર્યો. પશ્ચિમ બંગાળમાં જનતા ગઠબંધને 38 સીટ જીતી, જ્યારે કોંગ્રેસને માત્ર 3થી સંતોષ માનવો પડ્યો.
પશ્ચિમના રાજ્યોમાં પણ મિશ્ર પરિણામ જોવા મળ્યું. જોકે, દક્ષિણના રાજ્યોમાં કોંગ્રેસને તેના સાથી પક્ષો સાથે સારું એવું સમર્થન મળ્યું. એ વખતે રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા જે કટોકટી લાદવામાં આવી હતી તેની અસર ઉત્તર ભારતના દક્ષિણ ભારતના રાજ્યો કરતાં વધુ અનુભવાઈ હતી. આ કારણે કોંગ્રેસને ઉત્તર ભારત ગુમાવવું પડ્યું હતું.
કોંગ્રેસે 542માંથી 492 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાં તેના માત્ર 154 ઉમેદવાર જ વિજેતા બન્યા હતા અને કોંગ્રેસને માત્ર 34.52 ટકા વોટ પ્રાપ્ત થયા હતા. જેની સામે જનતા પાર્ટીના ગઠબંધને 405 બેઠકપર ઉમેદવાર ઊભા રાખ્યા હતા અને તેના 295 ઉમેદવાર જીત્યા હતા. જનતા પાર્ટીએ સીપીઆઈ(એમ) અને અન્ય નાના પક્ષોના સમર્થની સરકાર બનાવી હતી.
ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ 21 માર્ચના રોજ ઈન્દિરા ગાંધીએ વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને તેની સાથે જ દેશમાંથી કટોકટી પણ સમાપ્ત થઈ. 1977ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ઈન્દિરા યુગનો અસ્ત થયો હતો. 24 માર્ચ, 1977ના રોજ દેશના પ્રથમ બિનકોંગ્રેસી વડા પ્રધાન તરીકે મોરારજી દેસાઈએ શપથ લીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે