મહારાષ્ટ્ર: શિવસેનાના નખરાથી અમિત શાહ ખુબ નારાજ, સરકારનો રોડમેપ તૈયાર કરવા નડ્ડા પહોંચશે મુંબઈ!

શિવસેના તરફથી અઢી અઢી વર્ષ મુખ્યમંત્રી પદની શરત મૂકાતા અમિત શાહ નારાજ જોવા મળી રહ્યાં છે. હાલ બંને પાર્ટીઓ તરફથી અપક્ષોને પોતાનામાં ખેંચવાની હોડ લાગી છે.

મહારાષ્ટ્ર: શિવસેનાના નખરાથી અમિત શાહ ખુબ નારાજ, સરકારનો રોડમેપ તૈયાર કરવા નડ્ડા પહોંચશે મુંબઈ!

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યે 5 દિવસ વીતી ચૂક્યા છે પરંતુ હજુ સુધી સરકાર બનાવવાનો રસ્તો દેખાતો નથી. નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્રની જનતાએ ભાજપ + શિવસેના ગઠબંધનને સરકાર બનાવવાની તક આપી છે. પરંતુ મુખ્યમંત્રીના પદ માટે બંને પાર્ટી વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. મંગળવારે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે. સૂત્રના જણાવ્યાં મુજબ મંગળવારે મોડી રાતે કે પછી બુધવારે સવારે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ અને તેમની સાથે વધુ એક પર્યવેક્ષક મુંબઈ પહોંચી શકે છે. કહેવાય છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહનો પ્રવાસ રદ થયો છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ શિવસેના તરફથી અઢી અઢી વર્ષ મુખ્યમંત્રી પદની શરત મૂકાતા અમિત શાહ નારાજ જોવા મળી રહ્યાં છે. હાલ બંને પાર્ટીઓ તરફથી અપક્ષોને પોતાનામાં ખેંચવાની હોડ લાગી છે. કહેવાય છેકે આવનારી સરકારમાં ભાગીદારીને લઈને શિવસેનાના મોટા નેતાઓની મંગળવારે બપોર બાદ બેઠક યોજાઈ શકે છે. 

આ બાજુ ભાજપના પણ મોટા નેતાઓ બેઠકો યોજી રહ્યાં છે. કહેવાય છે કે આ બેઠકમાં પર્યવેક્ષકોની સામે સરકાર બનાવવાનો રોડમેપ રજુ થઈ શકે છે. ભાજપને અત્યાર સુધી 3 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. જ્યારે શિવસેનાએ પોતાના પક્ષમાં 5 ધારાસભ્યો સાધ્યા છે. જેના કારણે હવે શિવસેના પાસે વિધાયકોનો આંકડો 61 પર પહોંચ્યો છે. 

જુઓ LIVE TV

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું છે કે શિવસેનાની તમામ માગણીઓ પાર્ટીના ધ્યાનમાં છે. પાર્ટી તેના પર યોગ્ય સમયે જવાબ આપશે. જીવીએલ નરસિમ્હા રાવે શિવસેના તરફથી 50-50ના ફોર્મ્યુલા અને મુખ્યમંત્રી પદની શરતો અંગે આઈએએનએસને કહ્યું કે શિવસેના ની જે પણ માગણીઓ અધિકૃત સ્તરે રાખવામાં આવી છે, તે પાર્ટીના ધ્યાનમાં છે. સંબંધિત માગણીઓ પર ભાજપ યોગ્ય સમય જે પગલાં ભરવાની જરૂર હશે તે લેશે. 

તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રનો જનાદેશ ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારના પક્ષમાં છે. વિરોધી કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનની સીટોના મામલે ભાજપ-શિવસેના ગઠબંધન સાથે કોઈ મુકાબલો નથી. તેમણે દાવો કર્યો કે જલદી મહારાષ્ટ્રની જનતાને ભાજપના નેતૃત્વવાળી સરકાર મળશે. 

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી 2019 માટે મતદાન યોજાયું હતું અને 24 ઓક્ટોબરે પરિણામો આવ્યાં હતાં. જેમાં ભાજપને 288 બેઠકોવાળી વિધાનસભામાં 105 બેઠકો, શિવસેનાને 56, કોંગ્રેસને 44, શરદ પવારની એનસીપીને 54 બેઠકો મળી છે. બહુમતીનો આંકડો 145 છે. જો કે ભાજપ-શિવસેનાના ગઠબંધનને બહુમતીના આંકડા કરતા વધુ 161 બેઠકો મળી હોવા છતાં મુખ્યમંત્રી પદની ખેંચતાણના કારણે હજુ મહારાષ્ટ્રમાં સરકાર બની શકી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news