PM નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં 15મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 15મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ધાટન કરશે.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 15મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ધાટન કરશે. તેઓ ઉદ્ધાટન સત્ર બાદ પોતાના મોરીશિયસના સમકક્ષ પ્રવિંદ જગન્નાથ સાથે વાતચીત કરશે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સોમવારે યુવા પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ધાટન કર્યું અને કહ્યું કે પ્રવાસી ભારતીયોએ ભારત અને ભારતીયો વિશે દુનિયાની ધારણાને નાટકીય રીતે બદલી છે.
મોરેશિયસના વડાપ્રધાન જગન્નાથ સોમવારે બપોરે બનારસ પહોંચ્યા અને વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહે તેમનું તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ વિદેશ મંત્રી સ્વરાજે મોરેશિયસના વડાપ્રધાનની મુલાકાત કરી અને દ્વિપક્ષીય સહયોગને ગાઢ કરવા સહિત વિભિન્ન મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું.
આવું પહેલીવાર બનશે કે જ્યારે 3 દિવસનો કાર્યક્રમ 9 જાન્યુઆરીની જગ્યાએ 21થી 23 જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવ્યો છે. જેથી કરીને કાર્યક્રમમાં પહોંચેલા લોકો પ્રયાગરાજ ખાતે કુંભ મેળાનો લાભ લઈ શકે અને અહીં ગણતંત્ર દિવસની પરેડ પણ જોઈ શકે વડાપ્રધાન કાર્યાલયના એક નિવેદન મુજબ આ વર્ષના પ્રવાસી ભારતીય દિવસનો વિષય 'નવા ભારતના નિર્માણમાં પ્રવાસી ભારતીયોની ભૂમિકા' છે.
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ રહેશે. જ્યારે નોર્વેના સાંસદ હિમાશું ગુલાટી વિશેષ અતિથિ હશે. ન્યૂઝિલેન્ડના સાંસદ કંવલજીત સિંહ બક્ષી વિશેષ અતિથિ હશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 23 જાન્યુઆરીના રોજ સમાપન કાર્યક્રમને સંબોધશે.
નોંધનીય છે કે પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનો નિર્ણય 2003માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ લીધો હતો. પહેલો કાર્યક્રમ 2003માં જ 9 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયો હતો. આ કાર્યક્રમ માટે 9 જાન્યુઆરીની પસંદગી એટલા માટે કરવામાં આવી કારણ કે 1915માં આ જ દિવસે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતાં. નિવેદન મુજબ પ્રવાસી ભારતીય દિવસ હવે દર બે વર્ષે ઉજવાય છે. જે પ્રવાસી ભારતીયોને પોતાના મૂળિયા સાથે જોડાવવા માટે એક મંચ પ્રદાન કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે