આવું અમે નથી કહેતા...ભયાનક છે આગાહી, ભૂક્કા કાઢશે વરસાદ! ગુજરાતના 65 ટકા વિસ્તારો ઝપેટમાં
Gujarat Heavy To Heavy Rains Updated: ગુજરાતમાં વરસાદની એક નહીં પરંતુ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી દક્ષિણ ગુજરાતના માથે સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
આગામી 48 કલાક સુધી ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદનું જોર યથાવત રહેશે. મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, અને મહેસાણામાં યલો એલર્ટ અપાયું છે. આગામી 48 કલાક પછી વરસાદનું જોર આંશિક ઘટી શકે છે.
આજથી ગુજરાતમાં 9 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. ગુજરાતમાં 9 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસમાં પડનારો વરસાદ ગુજરાતના 65 ટકા વિસ્તારને આવરી લેશે. મહત્વનું છે કે બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર ગુજરાત પહોંચ્યું છે. જેથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સાથે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં મેઘરાજાનું આગમન થઈ શકે છે. જો કે, રાહતની વાત એ છે કે આ રાઉન્ડમાં અતિવૃષ્ટિ થાય અને મોટું નુકસાન થાય તેવી શક્યતા નથી.
ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
અનરાધાર વરસાદે ભરૂચને પાણી-પાણી કરી નાંખ્યું છે. વાલિયા પંથકમાં આકાશી આફતના આકાશી દ્રશ્યો જોઈને તમને અંદાજ આવી જશે કે ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ કેવી બેટિંગ કરી છે. ભારે વરસાદથી ખેડૂતોના પાકને પણ ભારે નુકસાનની શક્યતા દેખાઈ રહી છે. ભરૂચના પાલિયા પંથક અને નેત્રંગમાં અનરાધાર વરસાદથી સર્વત્ર પાણી-પાણી થયું. વાલિયાનું ડહેલી ગામ અને મુખ્ય બજાર જળમગ્ન થયું. તો વાલિયામાંથી પસાર થતાં ટોકરી નદીના કોઝ-વે પર પાણી ફરી વળ્યા છે. તો અંકલેશ્વરના સંજયનગરમાં પાણી ભરાતા હાલાકી ભોગવવી પડી. તો લિંક રોડ નજીક આવેલી શ્રવણ ચોકડી નજીકની સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા. ભરૂચનો કશક વિસ્તાર પણ જળમગ્ન થયો. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. ઝાડેશ્વરથી ભરૂચ શહેરને જોડતો મુખ્ય માર્ગ જળબંબાકાર થયો.
વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો
વલસાડ શહેરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન થયા. એમજી રોડ, છીપવાડ, હનુમાન મંદિર, દાણા બજાર અને બંદર પર પાણી ભરાઈ ગયા...પાલિકાના પાપે જનતાને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદથી વલસાડના મુખ્ય બે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. વલસાડ અને મોગરવાડીને જોડતો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને મુશ્કેલી ભોગવવી પડી...વલસાડમાં વરસાદ વચ્ચે ખરેરા નદી બે કાંઠે વહી. જેથી ખરેરા નદીના લો-લેવલના બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા. વાઘલધરા, ચીમલા, તેજલાવ, બલવાડા ગામને જોડતો બ્રિજ બંધ થતા લોકોને 20 થી 25 કિલોમીટર ફરવાનો વારો આવ્યો.
તો છીપવાડ અંડરપાસમાં ફસાઈ ગયેલી કારને ટેમ્પાની મદદથી બહાર કાઢવામાં આવી હતી. પાણી હોવા છતાં કારચાલકે પાણીની અંદરથી કાર નિકળવાનો જોખમી પ્રયાસ કર્યો હતો. વલસાડના વાપી શહેરનો મુખ્ય અંડર પાસ ભારે વરસાદથી પાણીમાં ગરકાવ થયો, આ અંડરપાસ વાપીના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડે છે. વલસાડમાં ભારે વરસાદથી સર્વત્ર પાણી-પાણી થયું. અરનાલાથી ઉદવાડાના રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ પરેશાન થયા. સ્કૂલ જવાના રસ્તા પર જ પાણી ભરાઈ રહેતા મુશ્કેલી વધી ગઈ.
વલસાડના મોગરાવાડી અંડરપાસમાં કાર ફસાઈ ગઈ. મહિલાને પાણીના લેવલનો અંદાજ ન આવતા પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો. જોકે મહિલાએ બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને જીવના જોખમે મહિલાનું રેસ્ક્યૂ કર્યું હતું. મહિલા ફસાયાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પાણીમાંથી ગાડી નિકળવાનો પ્રયાસ કરતા લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે.
નવસારીની પૂર્ણા નદી ગાંડીતુર બનતા પાણી-પાણી
નવસારીની પૂર્ણા નદી ગાંડીતૂર બનતા ચારે બાજુ પાણી-પાણી થઈ ગયું છે. ભેંસત ખાડા, રામલા મોરા, કાશીવાડી રિંગ રોડ, કમેલા દરવાજા અને શાંતીદેવી રોડ પર પાણી ભરાઈ ગયા. પૂરના પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી. નવસારીના રંગુન નગર વિસ્તાર બેટમાં ફેરવાયું છે. પૂર્ણા નદીના પાણીએ રંગુન નગરને પણ જળમગ્ન કરી નાંખ્યું. નદીના પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. દુકાન અને ઘરમાં પાણી ફરી વળતાં હાલાકી ભોગવવી પડી. નવસારીની પૂર્ણા નદી ગાંડીતુર બનતા પૂર્ણા નદીના બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો થવાની શક્યતાથી લોકોની ચિંતા વધી ગઈ છે.
તાપીના ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા
તાપીમાં પડેલા સતત વરસાદના કારણે ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતાં દરવાજા ખોલીને નદીમાાં પાણી છોડાયું. ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી 1 લાખ 47 હજાર 262 ક્યુસેક પાણીની આવક થઈ હતી, જો કે ડેમમાંથી 1 લાખ 63 હજાર 56 ક્યુસેક પાણી છોડાતા તાપી નદી કિનારાના ગામને સાવચેત કરવામાં આવ્યા છે. અને નદીના પટમાં અવજવર નહીં કરવાની સૂચના અપાઈ છે.
તો નર્મદા ડેમના દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા છે. પાણીની આવક વધતાં દરવાજા ખોલીને પાણી છોડાયું. જેથી નર્મદા નદીના કિનારાના વિસ્તારને સાવચેત કરાયા, સાથે નદીના પટમાં નહીં જવાની સૂચના અપાઈ, નદી-નાળા અને ડેમમાં પાણીની આવક વધતાં ખેડૂતોને વર્ષ દરમિયાન સિંચાઈનું પાણી મળી રહેશે.
બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો
બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના અલગ અલગ તાલુકામાં મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે...બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદથી પાલનપુર-અમદાવાદ હાઈવે પર પાણી ભરાઈ ગયા. ગઠામણ પાટિયા નજીક ઢીંચણસુધીના પાણી ભરાઈ જતાં વાહનચાલકોની મુશ્કેલી વધી ગઈ...વાહનચાલકોની માગ છે કે પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે.
તો પાલનપુર-અંબાજી મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતાં મુશ્કેલી વધી. રસ્તા પાણી પાણી થઈ જતાં અનેક લોકોના વાહન બંધ થઈ ગયા. દર વખતે હાઈવે પર આવી જ સ્થિતિ સર્જાતી હોવાથી લોકોમાં ભાર રોષ છે. ઉપરવાસ અને બનાસકાંઠાામં ભારે વરસાદથી ઉમરદસી નદીમાં પાણી આવ્યા. નદીમાં પાણી આવતા પાલનપુરમાં પાણીના સ્તર ઉંચા આવશે. જેથી ખેડૂતો અને સ્થાનિકોને રાહત થશે. બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદથી ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. પાલનુપરના વોર્ડ નંબર-11માં ગણેશપુરાના આંબાવાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં પાણી ઘૂસી ગયા, જેથી ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું છે. તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોએ માગ કરી છે. ઘરવખરીને નુકસાન થતાં લોકોને ખૂબ જ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો.
Trending Photos