AUSvsNZ: ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા ડ્રાઇવિંગ સીટ પર, ન્યૂઝીલેન્ડ પર પરાજયનું સંકટ

બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. 
 

AUSvsNZ: ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા ડ્રાઇવિંગ સીટ પર, ન્યૂઝીલેન્ડ પર પરાજયનું સંકટ

મેલબોર્નઃ બોક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test) પર ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ (AUS vs NZ) પર પોતાની પક્કડ મજબૂત બનાવી લીધી છે. તેણે હવે 456 રનની વિશાળ સરસાઈ મેળવી લીધી છે. ત્રીજા દિવસની રમતના અંતે મેથ્યૂ વેડ 15 અને ટ્રેવિસ હેડ 12 રન બનાવી ક્રીઝ પર છે. આ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 148 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 467 રન બનાવ્યા હતા. 

ન્યૂઝીલેન્ડે ત્રીજા દિવસે (44/2)ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ત્રીજા દિવસે રમતની શરૂઆત થતાં જ પેટ કમિન્સે રોસ ટેલર (4)ને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ કીવી ટીમની વિકેટ પડવાનો સિલસિલો શરૂ થયો હતો. તેના છ બેટ્સમેનો તો બે આંકડામાં પણ પહોંચવામાં નિષ્ફળ રહ્યાં હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમ (50)એ સૌથી વધુ રન બનાવ્યા હતા. કીવી ટીમ ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલિંગ સામે બેકફૂટ પર જોવા મળી અને માત્ર 148 રનમાં ખખડી ગઈ હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગના આધારે 319 રનની લીડ મળી હતી. પેટ કમિન્સે 28 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય પેટિન્સનને 3 અને સ્ટાર્કને બે સફળતા મળી હતી. 

બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને ડેવિડ વોર્નર (38) અને જો બર્ન્સ (35)એ સારી શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 62 રન જોડ્યા હતા. ત્યારબાદ વધુ બે વિકેટ પડી જેમાં સ્મિથ અને લાબુશેન સામેલ છે. ત્રીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગમાં 4 વિકેટે 137 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા પાસે કુલ 456 રનની લીડ છે. ન્યૂઝીલેન્ડ તરફથી વેગનરે બીજી ઈનિંગમાં બે વિકેટ ઝડપી હતી. 

સંક્ષિપ્ત સ્કોર

ઓસ્ટ્રેલિયાઃ 467/10, 137/4

ન્યૂઝીલેન્ડઃ 148/10

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news