IND vs ENG: સ્પિનર સામે ઈંગ્લેન્ડ ઘૂંટણિયે, અમદાવાદમાં ભારતનો 10 વિકેટે ભવ્ય વિજય

Narendra Modi Stadium: ભારતે સ્પિનરોના શાનદાર પ્રદર્શનની મદદથી અમદાવાદમાં રમાયેલી ડે-નાઇટ ટેસ્ટ મેચના બીજા દિવસે શાનદાર વિજય મેળવી સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. હવે સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ 4 માર્ચથી રમાશે. 
 

IND vs ENG: સ્પિનર સામે ઈંગ્લેન્ડ ઘૂંટણિયે, અમદાવાદમાં ભારતનો 10 વિકેટે ભવ્ય વિજય

અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ભારતીય ટીમે 10 વિકેટે ધમાકેદાર વિજય મેળવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝના ત્રીજા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ વિકેટે વિજય મેળવી સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. આ જીત સાથે ભારતીય ટીમની આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનો માર્ગ મોકળો થઈ ગયો છે. ઈંગ્લેન્ડે ભારતને જીત માટે 49 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ભારતીય ટીમે 7.4 ઓવરમાં વિના વિકેટે હાસિલ કરી લીધો હતો. હવે 4 માર્ચથી શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ રમાશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતનું સ્થાન પાક્કુ!
ભારતીય ટીમે આ ટેસ્ટ સિરીઝ પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે 2-1થી સિરીઝ જીતવી જરૂરી હતી. ભારતે પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ શાનદાર વાપસી કરી ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ જીતી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં પિંક બોલ ટેસ્ટ જીતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની ટિકિટ પાક્કી કરી લીધી છે. હવે ભારતે 4 માર્ચથી રમાનારી ચોથી ટેસ્ટ મેચ જીતે અથવા તે મેચ ડ્રો રહે તો પણ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે. 

બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડનો ધબડકો
ભારતને 145 રનમાં ઓલઆઉટ કર્યા બાદ બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પ્રથમ ઓવરના પ્રથમ બોલ પર અક્ષર પટેલે ઝટકો આપ્યો હતો. ઝેક ક્રાઉલી (0) રન બનાવી બોલ્ડ થયો હતો. ત્યારબાદ અક્ષરે જોની બેયરસ્ટો (0)ને બોલ્ડ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. ડોમ સિબલી (7)ને આઉટ કરી અક્ષરે ત્રીજી સફળતા મેળવી હતી. 

ઈંગ્લેન્ડની ટીમે 19 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ જો રૂટ અને સ્ટોક્સે ટીમનો સ્કોર 50 રન પર પહોંચાડ્યો હતો. બેન સ્ટોક્સ (25)ને અશ્વિને આઉટ કરીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિને 11મી વખત સ્ટોક્સને આઉટ કર્યો છે. ત્યારબાદ જો રૂટ (19)ને અક્ષરે LBW આઉટ કરી ઈંગ્લેન્ડને પાંચમો ઝટકો આપ્યો હતો. 

ઓલી પોપ (12)ને અશ્વિને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ જોફ્રા આર્ચરને અશ્વિને LBW આઉટ કર્યો હતો. જેક લીચ 9 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. અંતમાં જેમ્સ એન્ડરસનને સુંદરે આઉટ કરી ઈંગ્લેન્ડની ઈનિંગનો અંત કર્યો હતો. 

અક્ષર પટેલની મેચમાં 11 વિકેટ
લોકલ બોય અક્ષર પટેલે ઘરઆંગણે દમદાર પ્રદર્શન કર્યું છે. તેણે 15 ઓવરમાં 32 રન આપી 5 વિકેટ ઝડપી હતી. આ સાથે અક્ષરે મેચમાં કુલ 11 વિકેટ ઝડપી છે. પ્રથમ ઈનિંગમાં પણ તેને છ સફળતા મળી હતી. 

ભારતના સ્પિનરો સામે ઈંગ્લેન્ડ ફેલ
ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં તમામ વિકેટ સ્પિનરો સામે ગુમાવી હતી. ભારત તરફથી અશ્વિને ચાર, અક્ષરે પાંચ અને સુંદરે એક વિકેટ ઝડપી હતી. પિંક બોલ ટેસ્ટમાં એક ઈનિંગમાં તમામ 10 વિકેટ સ્પિનરોએ ઝડપી હોય તેવું પ્રથમ વખત બન્યું છે. 

ભારતની ઈનિંગ
ઈંગ્લેન્ડની ટીમ 112 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારત માટે રોહિત શર્મા અને શુભમન ગિલે ઈનિંગની શરૂઆત કરી હતી. બન્નેએ ધીમી પરંતુ મક્કમ શરૂઆત કરતા 33 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ જોફ્રા આર્ચરે ગિલ (11)ને કેચઆઉટ કરાવી ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. ચેતેશ્વર પૂજારા (0) રન બનાવી જેક લીચની ઓવરમાં LBW આઉટ થયો હતો. 

રોહિત શર્માની અડધી સદી
ભારત તરફથી રોહિત શર્માએ દમદાર બેટિંગ કરી હતી. રોહિતે 63 બોલમાં 8 ચોગ્ગા સાથે પોતાના 50 રન પૂરા કર્યા હતા. રોહિતના ટેસ્ટ કરિયરની આ 12મી અડધી સદી છે. રોહિતે વિરાટ કોહલી સાથે મળી ત્રીજી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 98 રન હતો ત્યારે વિરાટ કોહલી (27)ને જેક લીચે બોલ્ડ કરીને ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો. 

ભારતે બીજા દિવસે 3 વિકેટે 99 રનના સ્કોરથી પોતાની ઈનિંગની શરૂઆત કરી હતી. રહાણે અને રોહિતે ભારતને ઈંગ્લેન્ડના સ્કોરથી આગળ પહોંચાડી બે રનની લીડ અપાવી હતી. ત્યારબાદ ટીમનો સ્કોર 114 રન હતો ત્યારે રહાણે (7) રન બનાવી જેક લીચનો શિકાર બન્યો હતો. ત્યારપછીની ઓવરમાં લીચે રોહિત શર્મા (66)ને આઉટ કરી ભારતને મોટો ઝટકો આપ્યો હતો. રોહિતે 96 બોલમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. 

જો રૂટનો તરખાટ
ઈંગ્લેન્ડ માટે કેપ્ટન જો રૂટે બીજા સ્પિનરની ભૂમિકા ભજવી હતી. તેણે પહેલા રિષભ પંત (1)ને વિકેટકીપર બેન ફોકસના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ અક્ષર પટેલ (1) અને વોશિંગટન સુંદર (0)ને એક ઓવરમાં આઉટ કરી ભારતને બેકફૂટ પર ધકેલી દીધુ હતું. ત્યારબાદ રૂટે અશ્વિન (17)ને આઉટ કરી ચોથી વિકેટ ઝડપી હતી. ત્યારબાદ રૂટે જસપ્રીત બુમરાહ (1) ને આઉટ કરી રૂપે પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. જો રૂટે 6.2 ઓવરમાં ત્રણ મેડન સાથે માત્ર 8 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news