RCB vs DC: શાનદાર ફોર્મમાં રહેલી બે ટીમો વચ્ચે ટક્કર, દિલ્હી સામે બેંગલોરનો મુકાબલો

અય્યરે જ્યાં ટીમની ચારેય મેચોમાં સારૂ ફોર્મ દેખાડ્યું, તો કોહલીએ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ અડધી સદી ફટકારીને શાનદાર વાપસી કરી. અય્યરે શનિવારે ફરીથી પોતાનું કૌશલ્ય દેખાડ્યું અને 38 બોલમાં 88 રન બનાવ્યા હતા. 

RCB vs DC: શાનદાર ફોર્મમાં રહેલી બે ટીમો વચ્ચે ટક્કર, દિલ્હી સામે બેંગલોરનો મુકાબલો

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)મા અત્યાર સુધી પ્રભાવશાળી પ્રદર્શન કરનારી બે ટીમો રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) આજે અહીં જ્યારે આમને સામને હશે તો શ્રેયસ અય્યરની કુશલ કેપ્ટનશિપની સામે અનુભવી વિરાટ કોહલીની રણનીતિક ચાલોની પણ પરીક્ષા થશે. આરસીબી અને દિલ્હી બંન્ને ટીમો હજુ મજબૂત જોવા મળી રહી છે અને બંન્નેએ ચાર-ચાર મેચોમાં 3-3 જીત મેળવી છે. 

હવે બંન્નેનું લક્ષ્ય પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન જારી રાખવા પર હશે. અય્યરે જ્યાં ટીમની ચારેય મેચોમાં સારૂ ફોર્મ દેખાડ્યું, તો કોહલીએ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ અડધી સદી ફટકારીને શાનદાર વાપસી કરી. અય્યરે શનિવારે ફરીથી પોતાનું કૌશલ્ય દેખાડ્યું અને 38 બોલમાં 88 રન બનાવ્યા હતા. આ સિવાય પૃથ્વી શોએ 66 રનની ઈનિંગ રમી જેથી દિલ્હીએ કોલકત્તાને 18 રને હરાવ્યું હતું. 

કોહલીએ આરસીબીની રોયલ્સ વિરુદ્ધ આઠ વિકેટથી જીતમાં 53 બોલમાં અણનમ 72 રન બનાવીને ફોર્મમાં વાપસી કરી હતી. હવે આ બંન્ને કેપ્ટન સોમવારે આગળ વધીને નેતૃત્વ કરવા ઈચ્છશે અને એકબીજાને પાછળ છોડવામાં કોઈ કસર છોડશે નહીં. તેવામાં આ મુકાબલો રોમાંચક થવાની સંભાવના છે. 

દિલ્હીના ટોપ ઓર્ડરમાં પૃથ્વી સારા ફોર્મમાં છે પરંતુ શિખર ધવનનું ફોર્મ અય્યર માટે ચિંતાનો વિષય હશે. દિલ્હી માટે સારી વાત છે કે રિષભ પંતે કેકેઆર વિરુદ્ધ 17 બોલમાં 38 રન બનાવી પોતાની આક્રમકતાની ઝલક દેખાડી હતી. તો શિમરોન હેટમાયર અને માર્કસ સ્ટોઇનિસ જેવા આક્રમક બેટ્સમેન પણ ટીમમાં છે. 

ફાસ્ટર કગિસો રબાડાએ દિલ્હીની બોલિંગની કમાન સારી રીતે સંભાળી છે, પરંતુ તે કેકેઆર સામે મોંઘો સાબિત થયો હતો. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિક નોર્ત્જેએ શરૂઆતી અને ડેથ ઓવરોમાં દિલ્હી તરફથી શાનદાર ભૂમિકા નિભાવી છે. કેકેઆર વિરુદ્ધ 19મી ઓવરમાં તેણે શાનદાર બોલિંગ કરી હતી. ફાસ્ટ બોલર ઈશાંતના સ્થાને સામેલ કરવામાં આવેલા હર્ષલ પટેલે 4 ઓવરમાં 34 રન આપીને બે વિકેટ ઝડપી હતી પરંતુ ફિટ થઈને ટીમમાં વાપસી કરનાર અશ્વિન અને સ્ટોઇનિસ વધુ પ્રભાવ પાડી શક્યા નહીં. 

આરસીબી તરફથી યુવા ઓપનર દેવદત્ત પડિક્કલે ઓપનિંગમાં દમદાર પ્રદર્શન કર્યું છે. તેણે ચાર મેચોમાં ત્રણ અડધી સદીની મદદથી 174 રન બનાવ્યા છે. જો એરોન ફિન્ચ પણ મોટી ઈનિંગ રમવામાં સફળ રહે તો આરસીબીની ઓપનિંગ જોડીને રોકવી સરળ રહેશે નહીં. કોહલી ફોર્મમાં પરત આવવાથી આરસીબીને રાહત મળી હશે. 

તેનાથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા એબી ડિવિલિયર્સ તથા શિવમ દુબે અને ગુરકીરત સિંહ પર દબાવ ઓછો થશે. ઉસુરૂ ઉડાનાએ આરસીબીના બોલિંગ વિભાગમાં જોડાયા બાદ પ્રભાવિત કર્યાં છે જેમાં નવદીપ સૈની તથા બંન્ને સ્પિનર વોશિંગ્ટન સુંદર અને ચહલ સારી ભૂમિકા નિભાવી રહ્યાં છે. 

ઓસ્ટ્રેલિયાનો એડમ ઝમ્પા હજુ સુધી પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડી શક્યો નથી. આરસીબી ક્રિસ મોરિસ જલદી ફિટ થાય તેવી આશા પણ કરી રહ્યું હશે. આ આફ્રિકી ઓલરાઉન્ડર ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા સ્નાયૂ ખેંચાઈ જતા પરેશાન છે. 

સંભવિત પ્લેઇંગ ઇલેવન
દિલ્હી કેપિટલ્સઃ
પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર, રિષભ પંત, શિમરોન હેટમાયર, માર્કસ સ્ટોઇનિસ, કગિસો રબાડા, રવિચંદ્રન અશ્વિન, એનરિક નોર્ત્જે, અમિત મિશ્રા અને હર્ષલ પટેલ.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરઃ દેવદત્ત પડિક્કલ, એરોન ફિન્ચ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, શિવમ દુબે, ગુરકીરત સિંહ માન, વોશિંગટન સુંદર, ઇસુરુ ઉડાના, નવદીપ સૈની, એડમ ઝમ્પા અને યુજવેન્દ્ર ચહલ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news