IPL 2020 Final: દિલ્હીનું સપનું રોળાયું, મુંબઈ ઈન્ડિયન્સ રેકોર્ડ પાંચમી વખત બન્યું ચેમ્પિયન

બોલરોના દમદાર પ્રદર્શન બાદ રોહિત શર્મા (68)ની અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આઈપીએલ (IPL 2020)ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 5 વિકેટે પરાજય આપી રેકોર્ડ પાંચમી વખત આઈપીએલ ટ્રોફી પર કબજે કર્યો છે. 

Updated By: Nov 11, 2020, 12:16 AM IST
IPL 2020 Final: દિલ્હીનું સપનું રોળાયું, મુંબઈ ઈન્ડિયન્સ રેકોર્ડ પાંચમી વખત બન્યું ચેમ્પિયન
ફોટો સાભાર ટ્વિટર (@IPL)

દુબઈઃ બોલરોના દમદાર પ્રદર્શન બાદ રોહિત શર્મા (68)ની અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આઈપીએલ (IPL 2020)ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 5 વિકેટે પરાજય આપી રેકોર્ડ પાંચમી વખત આઈપીએલ ટ્રોફી પર કબજે કર્યો છે. આ સાથે પ્રથમવાર ફાઇનલમાં પહોંચેલી દિલ્હીનું ટાઇટલ જીતવાનું સપનું રોળાયું છે. તો મુંબઈની ટીમ સતત બે સીઝનમાં ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ 2010 અને 2011મા સળંગ બે વખત વિજેતા બની હતી. તો મુંબઈનું આ રેકોર્ડ પાંચમું ટાઇટલ છે. મુંબઈ આ પહેલા 2013, 2015, 2017, 2019 અને 2020માં આઈપીએલ ચેમ્પિયન બની હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 7 વિકેટે 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 18.4 ઓવરમાં 157 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

દિલ્હીનું સપનું રોળાયું, મુંબઈએ બનાવ્યો રેકોર્ડ
મુંબઈ ઈન્ડિયન્સે પોતાનો દબદબો જાળવી રાખ્ચો છે. તેણે પહેલા બોલિંગ કરતા દિલ્હીને માત્ર 156ના સ્કોર પર રોકી દીધું હતું. ત્યારબાદ આ લક્ષ્યને હાસિલ કરીને રેકોર્ડ પાંચમી વખત આઈપીએલની ટ્રોફી ઉઠાવી છે. તો આઈપીએલના ઈતિહાસમાં શ્રેયસ અય્યરની આગેવાનીમાં પ્રથમવાર ફાઇનલ રમી રહેલી દિલ્હી કેપિટલ્સે ખાલી હાથે પરત ફરવું પડ્યું છે. મુંબઈ રોહિતની આગેવાનીમાં આ પહેલા 2013, 2015, 2017 અને 2019મા ચેમ્પિયન બની ચુકી હતી. 

મુંબઈની ધમાકેદાર શરૂઆત
દિલ્હીએ આપેલા 157 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને રોહિત શર્મા અને ડિ કોકે 4 ઓવરમાં 45 રન બનાવી દીધા હતા. ટીમને પ્રથમ ઝટકો ડિ કોક (20)ના રૂપમાં લાગ્યો હતો. તેને માર્કસ સ્ટોયનિસે પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ડિ કોકે 12 બોલનો સામનો કરતા ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 

સીઝનમાં રોહિતની ત્રીજી અડધી સદી
રોહિત શર્માએ ફાઇનલમાં મોટી ઈનિંગ રમી હતી. તેણે 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સીઝનમાં રોહિતની ત્રીજી અડધી સદી છે. રોહિત શર્મા 51 બોલમાં 4 છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે 68 રન બનાવી એનરિચ નોર્ત્જેનો શિકાર બન્યો હતો. 

કીરોન પોલાર્ડ 9 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. હાર્દિક પંડ્યા 3 રન બનાવી નોર્ત્જેનો શિકાર બન્યો હતો. ઈશાન કિશન 19 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 33 રન બનાવી અણનમ રહ્યો હતો. 

ટ્રેન્ટ બોલ્ટનો ધમાકો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પ્રથમ ઓવરના પ્રથમ બોલ પર માર્કસ સ્ટોયનિસના રૂપમાં ઝટકો લાગ્યો હતો. તે શૂન્ય રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઈનિંગની ત્રીજી ઓવરમાં બોલ્ટે અંજ્કિય રહાણે (2)ને ડિ કોકના હાથે કેચઆઉટ કરાવી મુંબઈને બીજી સફળતા અપાવી હતી. દિલ્હીનો સ્કોર 22 રન હતો ત્યારે શિખર ધવન (15) રન બનાવી જયંત યાદવની ઓવરમાં બોલ્ડ થયો હતો. પાવરપ્લેમાં દિલ્હીએ 3 વિકેટ ગુમાવી 41 રન બનાવ્યા હતા. 

રિષભ પંત અને શ્રેયસ અય્યરે સંભાળી કમાન
એક સમયે દિલ્હીની ટીમ મુશ્કેલીમાં હતી. ત્યારબાદ કેપ્ટન શ્રેયસ અય્યર અને રિષભ પંતે ટીમની ઈનિંગને સંભાળી હતી. બંન્ને સામે વિકેટ બચાવી રન બનાવવાની જવાબદારી હતી. બંન્નેએ ચોથી વિકેટ માટે 98 રનની ભાગીદારી કરી ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. રિષભ પંતે શાનદાર બેટિંગ કરતા પોતાની અડધી સદી પૂરી કરી હતી. પરંતુ પંત 56 રન બનાવી કુલ્ટર નાઇલનો શિકાર બન્યો હતો. પંતે 38 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. 

અય્યરે ટીમનો સ્કોર પહોંચાડ્યો 150ને પાર
કેપ્ટન શ્રેયસ અય્યરે મહત્વના સમયે પોતાનું ફોર્મ પરત મેળવ્યું હતું. તેણે પહેલા પંત સાથે મોટી ભાગીદારી કરી ટીમને સ્થિરતા અપાવી હતી. ત્યારબાદ તેણે 40 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેની મદદથી દિલ્હીની ટીમ 156 રન બનાવવામાં સફળ રહી હતી. અય્યર 50 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 65 રન બનાવી અણનમ રહ્યો હતો.

હેટમાયર ફ્લોપ
શિમરોન હેટમાયર માત્ર 5 રન બનાવી ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. અક્ષર પટેલ (9)ને કુલ્ટર નાઇલે કેચઆઉટ કરાવ્યો હતો. કગિસો રબાડા એક રન બનાવી રનઆઉટ થયો હતો. 

ટ્રેન્ટ બોલ્ટનો કમાલ
આ ટૂર્નામેન્ટમાં જસપ્રીત બુમરાહ બાદ ટ્રેન્ટ બોલ્ટ મુંબઈ માટે સૌથી સફળ બોલર રહ્યો છે. તેણે ફાઇનલમાં પણ દમદાર પ્રદર્શન કર્યું હતું. બોલ્ટે પાવરપ્લેમાં બે વિકેટ ઝડપી અને ડેથ ઓવરમાં હેટમાયરને આઉટ કર્યો હતો. તેણે 4 ઓવરમાં 30 રન આપીને ત્રણ સફળતા મેળવી હતી. આ સાથે આઈપીએલ 2020મા બોલ્ટના નામે 25 વિકેટ થઈ ગઈ છે. આ સિવાય મુંબઈ તરફથી કુલ્ટર નાઇલને બે તથા જયંત યાદવને એક વિકેટ મળી હતી. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર