આખરે કોરોનાકાળમાં છેડાઈ ગયું યુદ્ધ, અત્યાર સુધીમાં 23 લોકોના મૃત્યુ, 100થી વધુ ઘાયલ
Trending Photos
બાકૂ: આર્મેનિયા અને અઝરબૈજાન(Armenia and Azerbaijan) વચ્ચે વિવાદિત ક્ષેત્ર નાગોર્નો કારબાખ (Nagorno-Karabakh region) મુદ્દે યુદ્ધ ફાટી નીકળ્યું છે. રવિવારે થયેલા ઘર્ષણમાં ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં સૈનિકોની સાથે સાથે નાગરિકો પણ સામેલ છે. બંને દેશોમાં થઈ રહેલા ગોળીબારના કારણે દક્ષિણ કોકસ (South Caucasus) વિસ્તારમાં અસ્થિરતાનું જોખમ પેદા થયું છે. જે દુનિયાના બજારોમાં તેલ અને ગેસ પરિવહનનો કોરિડોર છે.
2016 બાદની સૌથી ભીષણ લડાઈ
2016 બાદથી બંને દેશો વચ્ચે આ સૌથી ભીષણ લડાઈ છે. બંને તરફથી હવાઈ અને ટેન્ક હુમલા થયા છે. સ્થિતિ જોતા બંને દેશોએ માર્શલ લો લાગુ કર્યો છે. અજરબૈજાનમાં રવિવારે કર્ફ્યૂ લાગુ કરાયો હતો. નાગોર્નો-કારબાખ તરફથી કહેવાયું છે કે તેના 16 સૈનિકો માર્યા ગયા જ્યારે અજરબૈજાનની સાથે સાથે સંઘર્ષમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યા
અજરબૈજાનના રાષ્ટ્રપતિનું કહેવું છે કે તેમની સેનાને નુકસાન થયું છે પરંતુ તેમણે કોઈ વિવરણ આપ્યું નથી. અજરબૈજાનના પ્રોસિક્યુટર જનરલના કાર્યાલયે કહ્યું કે આર્મેનિયાના અલગતાવાદી દળોએ અજરબૈજાનના ગૈસહલ્ટી ગામ પર હુમલો કર્યો જેમાં નાગરિકો માર્યા ગયા. બંને દેશ એક બીજા પર યુદ્ધ થોપવાનો આરોપ લગાવી રહ્યા છે. આર્મેનિયાએ દાવો કર્યો છે કે તેણે અજરબૈજાનના ચાર હેલિકોપ્ટર તોડી પાડ્યા અને 33 ટેન્ક તથા યુદ્ધ વાહનો નષ્ટ કર્યા. જો કે અજરબૈજાને આર્મેનિયાના આ દાવાને ફગાવી દીધા છે.
ભારે સંખ્યામાં સૈનિકો તૈનાત
પૂર્વ સોવિયત સંઘના આ બંને દેશો વચ્ચે નાગોર્નો-કારબાખ વિસ્તાર મુદ્દે લાંબા સમયથી વિવાદ છે. અજરબૈજાન આ વિસ્તાર પોતાનો ગણે છે પરંતુ 1994ના યુદ્ધ બાદ આ વિસ્તાર અજરબૈજાનના નિયંત્રણમાં નથી. જેના પર આર્મેનિયાના જાતીય જૂથોનો કબજો છે. બંને દેશોના સૈનિકો ભારે સંખ્યામાં તૈનાત છે. લગભગ 330 કિલોમીટરમાં ફેલાયેલો નાર્ગોનો-કારબાખ મોટાભાગે પહાડી વિસ્તાર છે.
શાંતિની અપીલ
બંને દેશો વચ્ચે સ્થિતિ સામાન્ય કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયત્નો શરૂ થઈ ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલિયન પશિનિયન સાથે રવિવારે ફોન પર વાત કરી. રશિયા તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું કે બંને દશોએ સૈન્ય કાર્યવાહી અટકાવીને વાતચીતથી ઉકેલ શોધવો જોઈએ. જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યું કે અર્મેનિયાએ અજરબૈજાન સાથે દુશ્મનાવટ ભૂલી જવી જોઈએ. આ પ્રકારે ફ્રાન્સ અને અમેરિકાએ પણ બંને દેશોને વાતચીતથી ઉકેલ લાવવાની અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે