સળગતા કાશ્મીર મુદ્દે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'જો PM મોદી ઈચ્છે તો...'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ફરી એકવાર કહ્યું છે કે આ મામલે તેઓ મધ્યસ્થતા માટે તૈયાર છે. ટ્રમ્પે કહ્યું કે મધ્યસ્થતાનો પ્રસ્તાવ સ્વીકારવો એ હવે સંપૂર્ણ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિર્ભર કરે છે.

સળગતા કાશ્મીર મુદ્દે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'જો PM મોદી ઈચ્છે તો...'

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ફરી એકવાર કહ્યું છે કે આ મામલે તેઓ મધ્યસ્થતા માટે તૈયાર છે. ટ્રમ્પે કહ્યું કે મધ્યસ્થતાનો પ્રસ્તાવ સ્વીકારવો એ હવે સંપૂર્ણ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિર્ભર કરે છે. તેમણે કહ્યું કે પીએમ મોદી અને ઈમરાન ખાન બંને ખુબ સારા વ્યક્તિ છે અને તેમણે બંને સાથે કાશ્મીર મુદ્દે ખુલીને વાત કરી છે. 

ગુરુવારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કાશ્મીર મામલે ઉકેલ લાવવા માટે કોઈની મદદ લેવી કે નહીં તે સંપૂર્ણપણે ભારત અને પાકિસ્તાન પર નિર્ભર કરે છે. તેમણે કહ્યું કે જો બંને દક્ષિણ એશિયાઈ દાયકાઓ જૂના મામલાનો ઉકેલ લાવવા માટે તેમની મદદ લેવા માંગતા હોય તો તેઓ તૈયાર છે. 

ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની ગત અઠવાડિયાની મુલાકાતનો હવાલો આપતા કહ્યું કે આ મામલે બંને દેશો વચ્ચે વાતચીત થઈ છે. જ્યાં પાકિસ્તાને ટ્રમ્પની આ રજુઆતનું સ્વાગત કર્યું ત્યાં ભારતે તેને ધરાર ફગાવી દીધી. 

મીડિયા સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે ભારત દ્વારા મધ્યસ્થતાના પ્રસ્તાવને ફગાવવા અંગે સવાલ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે તે સંપૂર્ણ રીતે પીએમ મોદીનો નિર્ણય છે (કાશ્મીર પર મધ્યસ્થતા સ્વીકરવી કે નહીં). તેમણે કહ્યું કે મને લાગે છે કે પીએમ મોદી અને પીએમ ઈમરાન શાનદાર વ્યક્તિ છે. હું ઈચ્છુ છું કે બંને એક સાથે સારું કામ કરશે. પરંતુ જો તેઓ પોતાની મદદ માટે કોઈની મધ્યસ્થતા ઈચ્છતા હોય તો....અને મેં પીએમ ઈમરાન સાથે આ અંગે વાત કરી છે. મેં ખુલીને ભારત સાથે પણ વાત કરી છે. 

જુઓ LIVE TV

નોંધનીય છે કે ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાને ફગાવી દીધો હતો જેમાં તેમણે દાવો કરતા કહ્યું હતું કે પીએમ મોદીએ કાશ્મીર મુદ્દે તેમની પાસેથી મદદ માંગી હતી. વિદેશ મંત્રાલયે ટ્રમ્પના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આવી કોઈ ભલામણ કરાઈ નથી. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે અમે અમેરિકી રાષ્ટ્રપતિના પ્રેસમાં અપાયેલા નિવેદનને જોયું છે જેમાં તેમણે કહ્યું છે કે તેઓ કાશ્મીર મુદ્દે હવે મધ્યસ્થતા માટે તૈયાર છે. જો ભારત અને પાકિસ્તાન દ્વારા ભલામણ કરવામાં આવે તો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિને આવી કોઈ ભલામણ કરી નહતી. તેમણે વધુમાં કહ્યું કે ભારત પોતાના વલણ પર કાયમ છે કે પાકિસ્તાન સાથે તમામ મુદ્દે ફક્ત દ્વિપક્ષીય વાતચીત જ થાય. પાકિસ્તાન પહેલા સરહદ પાર આતંકવાદ ખતમ કરે. સિમલા કરાર અને લાહોર ઘોષણા પત્ર હેઠળ જ મુદ્દાઓનું સમાધાન થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news