ભારતનો મોટો નિર્ણય, રશિયામાં થનારા યુદ્ધાભ્યાસમાં નહીં લે ભાગ, ખાસ જાણો કારણ
ભારતે શનિવારે જાહેરાત કરી છે કે તે આગામી મહિને રશિયામાં થનારા બહુપક્ષીય યુદ્ધાભ્યાસમાં ભાગ નહીં લે. એક સપ્તાહ પહેલા જ ભારતે સૈન્યાભ્યાસમાં ભાગ લેવાની પુષ્ટિ કરી હતી જેમાં ચીન અને પાકિસ્તાનના સૈનિકો પણ ભાગ લઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતે શનિવારે જાહેરાત કરી છે કે તે આગામી મહિને રશિયા (Russia) માં થનારા બહુપક્ષીય યુદ્ધાભ્યાસ ( military exercise) માં ભાગ નહીં લે. એક સપ્તાહ પહેલા જ ભારતે સૈન્યાભ્યાસમાં ભાગ લેવાની પુષ્ટિ કરી હતી જેમાં ચીન (China) અને પાકિસ્તાન (Pakistan) ના સૈનિકો પણ ભાગ લઈ શકે છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ મોડી રાતે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે ભારતે કોરોના વાયરસ મહામારી અને અન્ય પડકારોને ધ્યાનમાં રાખીને પોતાની ટુકડી નહીં મોકલવાનો નિર્ણય લીધો છે.
આ સમગ્ર મામલે જાણકારોનું કહેવું છે કે સૈન્યાભ્યાસમાં ચીનની ભાગીદારી ભારતના આ નિર્ણયનું મુખ્ય કારણ છે. ભારતે ગત અઠવાડિયે રશિયાને જણાવ્યું હતું કે તે 15થી 26 સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ રશિયાના અસ્ત્રાખાન વિસ્તારમાં થનારા રણનીતિક કમાન પોસ્ટ અભ્યાસમાં સામેલ થશે.
રક્ષા મંત્રાલયના પ્રવક્તા ભારત ભૂષણ બાબુએ કહ્યું કે "રશિયા અને ભારત નીકટના અને ગૌરવાન્વિત રણનીતિક ભાગીદાર છે. રશિયાના નિમંત્રણ પર ભારત અનેક આંતરરાષ્ટ્રીય આયોજનોમાં સામેલ થતું રહ્યું છે. જો કે મહામારી અને માલ સામાનના બંદોબસ્ત સહિત અનેક કપરા પડકારોને ધ્યાનમાં રાખીને ભારતે આ વખતે કવકાજ-2020માં પોતાની ટુકડી નહીં મોકલવાનું નક્કી કર્યું છે."
તેમણે કહ્યું કે રશિયાને આ નિર્ણયથી માહિતગાર કરી દેવાયું છે. કહેવાય છે કે સેના અને વિદેશ મંત્રાલયના ટોચના અધિકારીઓના વિચાર વિમર્શ બાદ આ નિર્ણય લેવાયો. ઉલ્લેખનીય છે કે પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે જોડાયેલા અનેક વિસ્તારોમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગતિરોધ બનેલો છે. બંને દેશો વિવાદને ઉકેલવા માટે સૈન્ય અને રાજનયિક સ્તરે વાતચીત કરી રહ્યાં છે.
ચીન અને પાકિસ્તાન સહિત શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના તમામ સભ્ય રાષ્ટ્રો સહિત લગભગ 20 દેશો આ યુદ્ધાભ્યાસમાં સામેલ થાય તેવી સંભાવના છે. ભારતીય અધિકારીઓએ મંગળનવારે વોલ્ગોગ્રાડમાં ભાગ લેનારા દેશોની પ્રતિનિધિઓની બેઠકમાં ભાગ લીધો હતો જેમા યુદ્ધાભ્યાસના અનેક પહેલુઓ પર ચર્ચા કરાઈ.
સૈન્યાભ્યાસમાં ભાગ ન લેવાનો ભારતનો નિર્ણય રક્ષામંત્રી રાજનાથ સિંહના આગામી સપ્તાહ રશિયાના પ્રસ્તાવિત પ્રવાસ પહેલા લેવાયો છે. તેઓ એસસીઓની એક મહત્વની બેઠકમાં ભાગ લેવા માટે રશિયા જવાના છે.
એસસીઓના સભ્ય દેશોના રક્ષામંત્રીઓની બેઠકમાં ક્ષેત્રીય સુરક્ષા પરિદૃશ્ય તથા ભૂરણનીતિક ઘટનાક્રમો પર વિચાર વિમર્શ કરવામાં આવી શકે છે. ભારતે આ અગાઉ યુદ્ધાભ્યાસમાં ભારતીય આર્મીના લગભગ 150 જવાનો, વાયુસેનાના 45 અને નેવીના કેટલાક અધિકારીઓને મોકલવાની યોજના ઘડી હતી. રશિયા રક્ષા ક્ષેત્રમાં ભારતનો મોટો ભાગીદાર રહ્યો છે અને બંને વચ્ચે સતત સહયોગ વધી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે