જિપ્સીમાં સવાર થઈને વહેલી સવારે સિંહ દર્શન કરવા નીકળ્યો આમિર ખાન, 3 કલાક જંગલમાં વિતાવશે
Trending Photos
- આમીરખાનને સિંહ દર્શન કરાવવા માટે વનવિભાગે 6 નવી નક્કોર જીપ્સી તૈનાત કરી
- વન વિભાગ અધિકારી મોહન રામ ખુદ આમીર સાથે જિપ્સીમાં બેસી સિંહ દર્શન કરાવવા નીકળ્યાં
ભાવિન ત્રિવેદી/જુનાગઢ :બોલિવુડ ફિલ્મ સ્ટાર આમીર ખાન (Aamir Khan) ગુજરાતની મુલાકાતે છે. પરિવાર સાથે તેઓ ગીરના જંગલમાં ફરવા પહોંચ્યા છે. ત્યારે આમિર ખાનનો પરિવાર આજે વહેલી સવારે 6.30 કલાકે સાસણમાં સિંહ દર્શન પર નીકળી પડ્યો હતો. જિપ્સીમાં બેસીને આખો પરિવાર સિંહ દર્શન (Gir Forest) કરવા રવાના થયો હતો. તેમની પત્ની કિરણ રાવ અને બાળકો પણ જિપ્સીમાં બેસીને નીકળી પડ્યા હતા. એશિયાટિક સિંહ દર્શન કરવાં રવાના થયેલ આમીર ખાન પહેલીવાર સાસણ ગીરમાં મુલાકાત કરી છે. ત્યારે વન વિભાગ અધિકારી મોહન રામ ખુદ આમીર ખાન સાથે જિપ્સીમાં બેસી તેઓને સિંહ દર્શન કરાવવા નીકળી પડ્યા છે.
વહેલી સવારે આમિર ખાનને નિહાળવા સિંહ સદનમાં મોટી સંખ્યામાં તેમના ચાહકો આવી પહોંચ્યા હતા. આમિર ખાન સાસણમાં હોઈ અહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે આમિરનો પરિવાર સિંહ દર્શન માટે નીકળ્યો હતો. બોલિવુડ સ્ટારનો પરિવાર ત્રણ કલાક દરમિયાન જંગલ સફારી કરશે. આમીરખાનની સાથે પત્ની કિરણ રાવ, પુત્ર આઝાદ, પુત્રી ઇરા અને ભત્રીજા ઇમરાન, આમીરની પ્રથમ પત્ની રીના દત્તા અને ઇમરાનની પુત્રી ઇમારા મલિક ખાન પણ જોવા મળી હતી.
કહેવાય છે કે, પોતાની લગ્ન એનિવર્સરી મનાવવા આમિર ખાન સાસણ ગીરની મુલાકાતે છે. ગીરના જંગલમાં તેઓ ત્રણ દિવસ વિતાવશે. આમિર ખાને ગીરના પ્રાઇવેટ રિસોર્ટ રોકાણ કર્યું છે. ત્યારે સ્થાનિક લોકોમાં આમિર ખાનને જોવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો.
આમીરખાનને સિંહ દર્શન કરાવવા માટે વનવિભાગે 6 નવી નક્કોર જીપ્સી તૈનાત કરી છે. તેમજ ગાઇડ સહિત 15 લોકોનો કાફલો પણ તૈનાત કર્યો છે. ટ્રેકરોને પણ આમીરખાનની મુલાકાતના સમયે સિંહ રૂટ પરજ જોવા મળે એવી સુચના આપી દેવાઇ છે. આજે સાંજે મોડેથી આ માટે સ્ટાફની ખાસ મીટીંગ પણ યોજાઇ હતી.
આમીરખાન ગઈકાલે સવારે મુંબઇથી ચાર્ટર પ્લેનમાં પોરબંદર આવવા રવાના થયા હતા. બપોરે તેઓ પરિવાર સાથે પોરબંદર એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે એરપોર્ટ ગેલેરીમાં મૂકાયેલા ગાંધીભૂમિ દર્શાવતા ફોટાને નિહાળ્યા હતા. એરપોર્ટ પર થોડા સમય વિતાવીને તેઓ સાસણ જવા રવાના થયા હતા. એરપોર્ટની બહાર ઉભેલા પત્રકારોને પણ પોઝ આપ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે