પોલીસ કમીશનર કચેરીની સુરક્ષામાં છીંડા, મહિલા નકલી IPS બની કન્ટ્રોલ રૂમ સુધી પહોંચી ગઈ

સામાન્ય રીતે પોલીસ કંટ્રોલરૂમમાં કોઇ પણ અજાણી વ્યક્તિએ પ્રવેશ કરતાં પહેલાં બહાર ચોપડામાં એન્ટ્રી કરવાનો નિયમ છે, જેમાં પોતાનું નામ, ક્યાંથી આવો છો?, કોને મળવાનું?, કયા કારણથી મળવાનું છે?.... જેવી વિગતો ભરવાની હોય છે, તેમ છતાં ગઈકાલે એક એવી ઘટના બની કે જેણે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીની સુરક્ષા પર સવાલો ઉભા કરી દીધા છે. 

પોલીસ કમીશનર કચેરીની સુરક્ષામાં છીંડા, મહિલા નકલી IPS બની કન્ટ્રોલ રૂમ સુધી પહોંચી ગઈ

મૌલિક ધામેચા/અમદાવાદઃ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં એક મહિલા સુટ-બૂટમાં સજ્જ થઈને પ્રવેશે છે. તે પોતાને IPS અધિકારી જણાવે છે અને બિન્ધાસ્ત રીતે સીધી જ કમિશનર કચેરીમાં આવેલા પોલીસ કન્ટ્રોલ રૂમ સુધી પહોંચી જાય છે. અહીં, જ્યારે તેને રોકવામાં આવે છે ત્યારે પણ પોતે 2002 બેચની IPS અધિકારી હોવાની ઓળખ આપીને રોફ જમાવે છે. વધુ રકઝક થયા પછી જ્યારે તેની પાસે ઓળખ પત્ર માગવામાં આવે છે ત્યારે પોતાની ખોટી ઓળખ આપવી મહિલાને ભારે પડે છે અને હવે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. 

સામાન્ય રીતે પોલીસ કંટ્રોલરૂમમાં કોઇ પણ અજાણી વ્યક્તિએ પ્રવેશ કરતાં પહેલાં બહાર ચોપડામાં એન્ટ્રી કરવાનો નિયમ છે, જેમાં પોતાનું નામ, ક્યાંથી આવો છો, કોને મળવાનું, કયા કારણથી મળવાનું જેવી વિગતો ભરવાની હોય છે, તેમ છતાં ગઈકાલે એક એવી ઘટના બની કે જેણે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીની સુરક્ષા પર સવાલો ઉભા કરી દીધા છે.

ગઈકાલે મિનાક્ષી પટેલ નામની એક મહિલા પોતે 2002ની IPS અધિકારી છે તેવી ઓળખ આપીને સીધી કંટ્રોલ રૂમ સુધી પહોંચી ગઈ હતી. અહીં તેણે ફરજ પર હાજર પોલીસ કર્મી પર રોફ જમાવ્યો હતો. મહિલા આટલેથી અટકતી નથી, પરંતુ શહેરના જોઈન્ટ કમિશનર અમિત વિશ્વકર્માની ઓફિસમાં પહોંચી પોતાની ચેમ્બર ક્યાં છે તેવો પણ દાવો રજુ કરે છે. જોકે, અધિકારીને એવું લાગ્યું કે, આ મહિલા ખોટું બોલી રહી છે ત્યારે તેની પાસે ઓળખપત્ર માગવામાં આવ્યું હતું. મહિલાએ પહેલા તો ઓળખપત્ર અંગે પણ ગલ્લાં-તલ્લાં કર્યાં. આથી, અધિકારીની શંકા મજબૂત થઈ ગઈ અને તેને પકડી લેવામાં આવી હતી. 

આ ઘટના અંગે માહિતી આપતા માધુપુરા પોલીસ સ્ટેશનના PSI એ.એન. દેસાઈએ જણાવ્યું કે, "આરોપી મિનાક્ષી પટેલ જ્યારે કંટ્રોલ રૂમમાં પહોંચી ત્યારે તે સુટ બુટમાં સજ્જ હતી. તેણે કંટ્રોલ રૂમમા પહોંચીને ઈન્ચાર્જને જણાવ્યું કે, રાજકોટથી તેની બદલી અમદાવાદ થઈ હોવાથી ચાર્જ લેવાનો છે. હાજર પોલીસ કર્મીએ જ્યારે તેની પાસે આઈકાર્ડ માંગ્યું ત્યારે મિનાક્ષી પટેલ ઉશ્કેરાઈ ગઈ હતી. તેણે પોલીસને કહ્યું કે, હું 2002 બેચની IPS  અધિકારી છું. તમે IPS અધિકારી પાસે આઇકાર્ડ માગી જ કેવી રીતે શકો? તમારી પાસે એવી કોઇ સત્તા જ નથી. આ અંગે જ્યારે બોલાચાલી વધુ ઉગ્ર બની ગઈ ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ સમજી ગયા કે, આ મહિલા ખોટું બોલી રહી છે. આથી તેને પકડીને પોલીસને સોંપવામાં આવી હતી."

પોલીસે નકલી આઈપીએસ અધિકારી બનનારી મિનાક્ષી પટેલ સામે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news