ખેડૂતનો સફળ પ્રયોગ, જામનગરની જમીન પર નવા પાકોનું કરી રહ્યા છે સંશોધન

જામનગરના કાલાવડ તાલુકાના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઈ વૈશ્વિક કક્ષાના એક્ઝોટિક વેજીટેબલ અને ફ્રુટની ખેતી કરી તેમાં સતત નવા પાકોનું જામનગરની જમીન પર સંશોધન કરી રહ્યા છે. 

ખેડૂતનો સફળ પ્રયોગ, જામનગરની જમીન પર નવા પાકોનું કરી રહ્યા છે સંશોધન

મુસ્તાક દલ/ જામનગર: જામનગર જિલ્લામાં પણ ખેડૂતો દ્વારા નવા-નવા બાગાયતી પાકોના પ્રયોગો કરી સમ્રુદ્ધ ખેતી તરફ કરવામાં આવી રહેલી સરકારની પહેલને સહકાર આપવામાં આવી રહ્યો છે. જામનગરના કાલાવડ તાલુકાના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઈ વૈશ્વિક કક્ષાના એક્ઝોટિક વેજીટેબલ અને ફ્રુટની ખેતી કરી તેમાં સતત નવા પાકોનું જામનગરની જમીન પર સંશોધન કરી રહ્યા છે. 

કાલાવડના આણંદપર ગામના વિશાલભાઈ જેસડીયાએ પોતાના અભ્યાસને અને પોતાની ખેતીને જોડીને આ વર્ષે સ્ટ્રોબેરી, ઝુકીની તેમજ બ્રોકલી જેવા નવા બાગાયતી પાકોનું પોતાની જમીનના એક વીઘા વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કર્યું હતું, જેમાં તેમને મોટી સફળતા મળી છે. વિશાલભાઈએ એક વીઘામાં 6 હજાર જેટલા સ્ટ્રોબેરીના છોડનું વાવેતર ડિસેમ્બર મહિનામાં કરેલ હતું. આ રોપામાંથી જાન્યુઆરી મહિના એટલે કે માત્ર એક મહિનામાં જ વિશાલભાઈને છોડ પર ફળનું ઉત્પાદન શરૂ થઇ ગયું.

આજે માત્ર એક વીઘાના વાવેતરમાંથી વિશાલભાઈએ 3 હજાર કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન મેળવ્યું છે. જેમાંથી તેમણે રાજકોટ અને જામનગર જિલ્લામાં વેચાણ કરી અંદાજીત રૂ. 2 લાખ 40 હજાર જેટલો નફો મેળવી માત્ર બે મહિનામાં પોતાની આવકમાં વધારો કર્યો છે, આ સાથે જ તેમણે પ્રાયોગિક ધોરણે ખૂબ નાના વિસ્તારમાં એક્ઝોટિક વેજીટેબલ ઝુકીની અને બ્રોકલીના વાવેતરનો પણ પ્રયોગ કરેલો હતો જેમાં પણ તેમણે સફળતા મેળવી છે.

બી.એસ.સી માઈક્રોબાયોલોજીનો અભ્યાસ કરેલ વિશાલભાઈએ ફર્ટિલાઇઝર કંપનીના રૂ.6 લાખ વાર્ષિક પેકેજની નોકરીને છોડીને અચાનક જ પારિવારિક ખેતીમાં નવીન પ્રયોગો કરવાનો નિર્ણય લીધો ત્યારે પરિવારે પણ તેમને ખૂબ સહકાર આપ્યો. બાગાયત વિભાગ દ્વારા જોડાયેલ ખેડૂતોને દર વર્ષે વિભાગ દ્વારા ખેતીલક્ષી પ્રવાસમાં લઇ જવામાં આવતા હોય છે. આવા જ એક પ્રવાસ દરમિયાન હિમાચલની વાય. એસ. પરમાર યુનિવર્સિટીમાં સ્ટ્રોબેરીની જાતો વિશે વિશાલભાઈને વધુ જાણવા મળ્યું.

વિશાલભાઈ જણાવે છે કે મને એમ જ ખ્યાલ હતો કે, “સ્ટ્રોબેરી મોટાભાગે ઠંડા પ્રદેશોમાં ઉત્પાદન કરી શકાય છે પરંતુ બાગાયત વિભાગના પ્રવાસ દ્વારા જાણવા મળ્યું કે, વધુ તાપમાન ધરાવતા વિસ્તારોમાં પણ શિયાળુ પાકમાં સ્ટ્રોબેરીનું વાવેતર કરી શકાય છે. વળી ન્યુટ્રીશન મેનેજમેન્ટ વિશે પણ વધુ ખ્યાલ હોવાથી આ પાકને જામનગરના અમારા ખેતરમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કરવાનો અમે નિર્ણય લીધો.

અમારા ખેતરમાં અમે વિન્ટર ડાઉન અને કેમેરોજા બે પ્રકારની સ્ટ્રોબેરીની જાતની વાવણી કરી છે, સાથે જ સ્ટ્રોબેરીએ માવજત માંગી લે તેવો પાક છે. જેમાં ફળોને જમીનનો સ્પર્શ ન થવા દેવો જોઈએ. આ સમયે અમે સ્ટ્રોબેરીમાં મલ્ચીંગનો ઉપયોગ કર્યો, જેના કારણે લેબર કોસ્ટ પણ ઘટી, નિંદામણનો પ્રશ્ન પણ અમારે હલ થયો અને સાથે સ્ટ્રોબેરીને જોઈતો ભેજ, હવા અને જમીનનો સ્પર્શ થતો અટકાવી શક્યા. કોઈપણ પાકમાં મલ્ચીંગ ખૂબ જ સારું પરિણામ આપે છે.

નિંદામણનો અટકાવ, જંતુનાશકોનો ખૂબ ઓછો વપરાશ, ઓછા પાણીનો ઉપયોગ મલ્ચીંગમાં થાય છે. પાકોમાં મલ્ચીંગનો પ્રયોગ ખૂબ ઓછા રોકાણમાં ગુણવત્તાલક્ષી ઉત્પાદનની ખાત્રી આપે છે. આમ, અન્ય ખેડૂતોને પણ પોતાના પાકમાં મલ્ચીંગનો ઉપયોગ કરવાની વિશાલભાઇ સલાહ આપે છે. વિશાલભાઈ અને તેના ભાઈ જયેશભાઈ જેસડીયા દ્વારા પારિવારિક ખેતીને નવા આયામો પર લઈ જવા માટે આગામી દિવસોમાં સંપૂર્ણ ખેતી નવા બાગાયતી પાકો અને એક્ઝોટિક વેજીટેબલ તરફ લઈ જવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

વિશાલભાઈના પિતા લવજીભાઈ જેસડીયાની ૩૨ વીઘા વિસ્તારમાં ખેતપ્રવૃતિ થકી અનેકવિધ પાકોની ખેતી કરવામાં આવે છે, જેમાં બાર વીઘા વિસ્તારમાં ડ્રેગન ફ્રુટની ખેતી પણ કરવામાં આવે છે.આ ઉપરાંત જેસડીયા પરિવારે નર્સરીનો પ્રયોગ પણ અપનાવેલ છે, જેમાં ડ્રેગન ફ્રૂટના 65000 જેટલા રોપાનું ઉત્પાદન કરી સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ આ રોપાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

બાગાયતી પાકો દ્વારા ખૂબ ઓછા સમયગાળામાં ખેડૂતો પોતાની આવક ખૂબ સારા પ્રમાણમાં વધારી શકે છે તેમ જણાવી વિશાલભાઈ અન્ય ખેડૂતોને પણ સંદેશ આપે છે કે, સરકાર ખેડૂતોને દરેક પગલે સહાય અને માર્ગદર્શન આપે છે તેનો લાભ લઈ અન્ય ખેડૂતો પણ માત્ર પરંપરાગત પાકોના બદલે નવા પાકોના પ્રયોગો હાથ ધરીને નવીન ખેતી તરફ વળે તો ખેતી દરેક ખેડૂતને અતિ સમૃદ્ધ બનાવવા સક્ષમ છે તેનો પુરાવો અમે છીએ. તો અન્ય પણ આમાંથી પ્રેરણા લઇ આગળ વધે અને રાજ્ય સરકારનું માર્ગદર્શન લે તો ગુજરાતના ખેડૂતને ક્યારે કોઇ અટકાવી શકે તેમ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news