જે સ્ત્રી માટે હિન્દુમાંથી મુસ્લિમ બન્યો, તેના ત્રાસથી જ શખ્સે 2 માસુમ પુત્રો સાથે કરી આત્મહત્યા

 આપણા બદલાતા સમાજમાં પ્રેમલગ્નનું પ્રમાણ વધ્યું છે. ત્યારે વલસાડના એક પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો છે. વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડામાં એક ફોટો સ્ટુડિયોમાંથી પિતા અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી. 

Updated By: Dec 17, 2018, 07:53 AM IST
જે સ્ત્રી માટે હિન્દુમાંથી મુસ્લિમ બન્યો, તેના ત્રાસથી જ શખ્સે 2 માસુમ પુત્રો સાથે કરી આત્મહત્યા

જય પટેલ : આપણા બદલાતા સમાજમાં પ્રેમલગ્નનું પ્રમાણ વધ્યું છે. ત્યારે વલસાડના એક પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો છે. વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડામાં એક ફોટો સ્ટુડિયોમાંથી પિતા અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી. 

કપરાડાની મુખ્ય બજારમાં ટારઝન ફોટો સ્ટુડિયો ચલાવતા સોહિલ ખાન નામના ઈસમની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ફોટો સ્ટુડિયોમાં સોહિલના બે બાળકોના મૃતદેહો મળી આવતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.  ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પિતાનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તો બંને બાળકોના મૃતદેહ નીચે જોવા મળ્યા હતા. બંને બાળકોના મૃતદેહના ગળાના ભાગે ઈજાના નિશાન સાથે મોઢામાંથી ફીણ જેવું પ્રવાહી પર નીકળતું દેખાયું હતું. પિતાએ બંને બાળકોને કઈ પીવડાવી કે ખવડાવી પોતે પણ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોય તેવી પ્રાથમિક રીતે જોવા મળી રહ્યું હતું. જોકે ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી.

મૃતક શોહેલખાન મૂળ ચીખલીનો હતો, પરંતુ ધરમપુરથી તેમના નાનાપોંઢા અને કપરાડામાં આવેલ તેમના ફોટો સ્ટુડિયો સુધી અપડાઉંન કરતો હતો. તેની પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ત્યાર બાદ સવારે જ બાળકોને સાથે લઈ કપરાડા સ્ટુડિયો પર આવી ગયો હતો. ત્યાર બાદ સોહેલ ખાને તેની પત્નીને ફોન કરી જણાવ્યું હતું કે, હવે તે ઘરે પરત ફરવાનો નથી. સાથે બાળકોને પણ સાથે લઈ જશે. આથી પત્નીએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ક્યાંય નહીં મળતા આખરે પોલીસને જાણ કરાતા તેના મોબાઈલનું છેલ્લા લોકેશન શોધાયું હતું. આ લોકેશન સાથે પોલીસ સ્ટુડિયો પર પહોંચી હતી. પરંતુ સ્ટુડિયો અંદરથી બંધ હોવાથી પોલીસે સ્ટુડિયોનુ શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. પ્રથમ દ્રશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. 

મૃતક સોહેલ ખાન અને હિના ખાનના લગ્ન 2007માં કોર્ટમાં લવ મેરેજ થયા હતા. સોહેલ અને હિનાના લગ્ન પણ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછા ન હતા. સોહેલ ખાન મૂળ હિન્દુ હતો અને તેનું નામ હેમંત સોલંકી હતું. તેને મુસ્લિમ યુવતી હિના સાથે પ્રેમ થયો અને મૂળ હિન્દુ એવા  હેમંતે પ્રેમિકાને પામવા ધર્મ પરિવર્તન કરી સોહેલ ખાન બની ગયો હતો. જોકે 11 વર્ષના લગ્ન જીવનમાં પહેલા જે સંબંધોમાં માત્ર પ્રેમ અને કુરબાની હતી, ત્યાં હવે ખારાશ અને ઝઘડા જ બચ્યા હતા. જેના પરિણામે હિનાના પતિ સોહેલએ પહેલા બે બાળકોની હત્યા કરી પોતે જીવન ટૂંકાવી નાખ્યું હતું. 

નાનકડા કપરાડામાં એક સાથે બે  બાળકો અને એક પિતા એમ કુલ ત્રણના મોતની ઘટનાને કારણે ગમગીની અને સન્નાટો વ્યાપી ગયો છે. કપરાડા પોલીસે પણ એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે.