ગુજરાતનો દિલદાર ખેડૂત : 8 દિવસથી ભૂખી ગાયો માટે પોતાનુ બાજરીનું ખેતર ખુલ્લુ મૂક્યું
Trending Photos
અલ્કેશ રાવ/બનાસકાંઠા :હાલ એક વીડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં આઠ દિવસથી ભૂખી માલધારીઓની 300 ગાયોને પોતાના ખેતરોમાં ઉભેલા બાજરીના પાકમાં વાળી દેશે અને ભૂખી ગાયોને બાજરી ખવડાવીને માનવતાવાદી કાર્ય કરે છે. ત્યારે માલધારીઓ આ ખેડૂતનો આભાર માને છે. જોકે આ વીડિયો વાઇરલ થયા બાદ અનેક ખેડૂતો સામે આવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે, આ માનવતાવાદી ધર્મનું કામ તેઓએ કર્યું છે. જેથી આ વીડિયો ક્યાંનો છે તેની તપાસ ઝી 24 કલાક દ્વારા કરવામાં આવી હતી.
દિલદાર ખેડૂત શિવાભાઈ ચૌધરી
સોશિયલ મીડિયામાં ખેતરમાં ગાયો ચરાવવાનો વીડિયો વાઇરલ થયા બાદ આ દિલદાર ખેડૂતની ચારેકોરથી પ્રશંસા થઈ રહી છે. ત્યારે આ પુણ્યનું કામ તેઓએ કર્યું છે તેવો દાવો અનેક ખેડૂતો કરી રહ્યા છે. આ વીડિયો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખોડા ગામનો છે. ખોડા ગામના ખેડૂત શિવાભાઈ ચૌધરીના ખેતરમાં માલદારીઓની ગાયો ચરતા જોવા મળી. આ ધર્મનું કામ શિવાભાઈ પટેલે કર્યું હતું અને તેમને જ પોતાના ખેતરની ઉભેલી બાજરીમાં ગાયો ત્રણ દિવસ ચરાવી હતી.
આજના યુગમાં કોઈ વ્યક્તિ કોઈને મદદ કરે તેમ નથી. ત્યારે બનાસકાંઠામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોવા છતાં પોતાના અઢી વિઘા જેટલા ખેતરમાં ઉભેલી બાજરી ભૂખી ગાયોને ખવરાવી દેનાર ખેડૂતે કહ્યું કે, અહીંથી 300 જેટલી ગાયો માલધારીઓ લઈને જતા હતા અને તે આઠ દિવસથી ભૂખી હોવાની વાત મને ખબર પડી હતી. તરત મેં જ મારી સાથે રહેલા નારણને માલધારીઓને બોલાવવાનું કહ્યું અને નારણ માલધારીઓ અને ગાયોને ખેતરમાં લઈને આવ્યો હતો.
માલધારી સનાભાઈ ભરવાડ
વાઇરલ વીડિયોમાં દેખાતા અને ખેડૂત શિવાભાઈને આશીર્વાદ આપતા ગાયોના માલિક માલધારી સનાભાઈ ભરવાડે કહે છે કે, અમારી ભૂખી ગાયોને શિવાભાઈએ તેમના ખેતરમાં ચરાવી પુણ્યનું કામ કર્યું છે. અમે સમી પંથકના છીએ. અમારી ગાયો ભૂખી હતી એટલે ખોડાના શિવાભાઈએ તેમના ખેતરની ઉભી બાજરીમાં અમારી ગાયો ચરાવી. અમારી 300 ગાયો ભૂખી હતી એટલે અમારી ગાયો ઉપર દયા આવતા શિવાભાઈએ પોતાના ખેતરમાં અમને ગાયો ચરાવવા દીધી. ભગવાન તેમનું ભલું કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે