પીએમ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી 'નમામિ દેવી નર્મદે મહોત્સવ' ઉજવાશે

'નમામિ દેવી નર્મદે મહોત્સવ'નો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે ઉજવાશે, તેની સાથે જ સમગ્ર રાજ્યમાં 1000થી વધુ સ્થળોએ સાધુ-સંતો, સમાજસેવી સંસ્થાઓ, શ્રેષ્ઠીઓ અને નાગરિકોની ભાગીદારીમાં મહાનગરો, નગરો તેમજ જિલ્લા અને તાલુકા મથકોએ લોકમાતા નર્મદા મૈયાની મહત્તા અને ગુણગાન કરતો આ મહોત્સવ ઉમંગ-ઉલ્લાસથી ઉજવાશે   

Updated By: Sep 13, 2019, 10:10 PM IST
પીએમ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી 'નમામિ દેવી નર્મદે મહોત્સવ' ઉજવાશે

બ્રિજેશ દોષી/અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી અને સમૃદ્ધિના દરવાજા ખોલનારી બહુહેતુક નર્મદા યોજના માટે બનાવાયેલો નર્મદા ડેમ 17 સપ્ટેમ્બરના રોજ તેની પૂર્ણ સપાટી 138 મીટર વટાવી જશે. 17 સપ્ટેમ્બર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ પણ છે. આથી, રાજ્ય સરકારે આ દિવસે સમગ્ર રાજ્યમાં 'નમામિ દેવી નર્મદે મહોત્સવ' ઉજવવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવા માટે વડાપ્રધાન મોદીને પણ આમંત્રણ પાઠવ્યું છે.  

આ અંગેની જાહેરાત કરતા રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ સવારે 10.00 કલાકે કેવડીયા તથા સમગ્ર ગુજરાતમાં નર્મદા નીર વધામણા-મહાઆરતી કાર્યક્રમો યોજાશે. આ નિમિત્તે રાજ્યમાં 1000થી વધુ સ્થળોએ સાધુ-સંતો, સમાજસેવી સંસ્થાઓ, શ્રેષ્ઠીઓ અને નાગરિકોની ભાગીદારીમાં મહાનગરો, નગરો તેમજ જિલ્લા અને તાલુકા મથકોએ લોકમાતા નર્મદા મૈયાની મહત્તા અને ગુણગાન કરતો આ મહોત્સવ ઉમંગ-ઉલ્લાસથી ઉજવાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વધુ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને અપાઈ મંજુરી 

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસની ભૂતપૂર્વ સરકારોએ રાજકીય વેરભાવનાને કારણે ઈરાદાપૂર્વક સરદાર સરોવર ડેમ યોજનાને વર્ષોથી અટકાવી રાખી હતી. નરેન્દ્ર મોદીએ 2014માં વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળતાની સાથે જ નર્મદા ડેમના દરવાજા લગાવાને મંજુરી આપી દીધી હતી. ગુજરાત સરકારનું સુજલામ-સુફલામ જળ-સંચય અભિયાન લોક આંદોલનમાં પરિણમ્યું અને અનેક સ્થળોએ ભુગર્ભ જળના સ્તર ઉપર આવ્યા છે. 

જુઓ LIVE TV.....

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....