ગુજરાતના રસ્તે ચાલ્યું મેક્સિકોનું નાનકડું ગામ, આજે 400 પરિવાર ખાદી બનાવીને દુનિયાભરમાં વેચે છે

ગુજરાતના રસ્તે ચાલ્યું મેક્સિકોનું નાનકડું ગામ, આજે 400 પરિવાર ખાદી બનાવીને દુનિયાભરમાં વેચે છે
  • ગાંધીજીથી પ્રભાવિત થયેલો મેક્સિકન યુવક 12 વર્ષ ગુજરાત રહ્યો, ઘરે જઈને 400 પરિવારોને ખાદી કાંતતા શીખવાડ્યું.
  • આખુ ગામ આજે ખાદી બનાવટની વિવિધ વસ્તુઓ બનાવે છે, અને દુનિયાભરમાં વેચીને આવક કરે છે   

ઝી મીડિયા/બ્યૂરો :27 ઓક્ટોબર, નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનન સફળ બનાવવા માટે ભારતીય વિદેશ મંત્રાલય સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે. આ અભિયાન હેઠળ વિદેશ મંત્રાલય ભારતના સ્થાનિક ઉત્પાદનોનો પ્રચાર અને પ્રસાર વિશ્વના અન્ય દેશોમાં કરી રહ્યું છે. જેના પરિણામસ્વરૂપે દુનિયાના તમામ દેશોમાં ભારતીય ઉત્પાદનોની લોકપ્રિયતામાં વધારો થયો છે. આવી જ એક ખબર ઉત્તર અમેરિકાના દેશ મેક્સિકો (mexico) માંથી સામે આવી છે, જ્યાં ગ્રામીણ વિસ્તારોમાં લોકો ખાદી (khadi) સાથે સંકળાયેલા ઉત્પાદનો બનાવી રહ્યાં છે, જેને ફક્ત મેક્સિકના લોકો જ નહીં પરંતુ દુનિયાના અન્ય દેશોના લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. 

મળતી માહિતી મુજબ, મેક્સિકોના ઓહાકા રાજ્યના ઘણા ગામડાઓમાં સ્થાનિક લોકો ખાદી વણવાનું કામ કરી રહ્યા છે, જે હવે એક બ્રાન્ડ બની ચૂકી છે, જેને હવે દુનિયાના લોકો ‘ઓહાકા ખાદી’ ના નામે ઓળખે છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રયાસોને પરિણામે લાંબા સમય સુધી સાદગીની ઓળખ રહેલી ખાદી આજે ઇકો ફ્રેન્ડલી ફેબ્રિક તરીકે પ્રખ્યાત થઇ રહી છે. 

ઓહાકામાં કેવી રીતે પહોંચી ખાદી

મેક્સિકોના એક યુવક માર્ક બ્રાઉને મહાત્મા ગાંધી પર એક ફિલ્મ જોઈ. ગાંધીજીના વ્યક્તિત્વથી તે એટલો પ્રભાવિત થયો કે ભારત આવી ગયો અને 12 વર્ષો સુધી અહીંયા જ રહ્યો. આ દરમિયાન, 2 વર્ષ (1986-88) સુધીનો સમય તેમણે ગુજરાતના સાબરમતી આશ્રમમાં વિતાવ્યા, જ્યાં તેમણે ખાદી વિશે જ્ઞાન મેળવ્યું. બ્રાઉને ખાદીના કપડાં પહેરવાનું પણ શરૂ કરી દીધું, જે તેમણે પોતે કાંત્યાં હતાં. વર્ષ 1990ના દાયકામાં તે એક ચરખો લઇને મેક્સિકોના ઓહાકામાં ચાલ્યો ગયો. ત્યાંના સેન્ટ સેબેસ્ટિયન રિયો હોંડો ગામમાં તેણે સ્થાનિક પરિવારોને સૂતર કાંતતા શીખવાડ્યું અને આખરે વર્ષ 2010માં તેણે ‘ફાર્મ ટુ ગારમેન્ટ’ સમૂહમાં ‘ખાદી ઓહાકા’ શરૂ કર્યું. આ સમૂહમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લગભગ 400 પરિવારો સામેલ છે. 

khadi_mexico_zee.jpg
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મનકી બાત’ માં કર્યો હતો ઉલ્લેખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ માં પણ ઓહાકા ખાદીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે આપણા અનેક સ્થાનિક ઉત્પાદનોમાં વૈશ્વિક ઉત્પાદન બનવાની બહુ મોટી શક્તિ છે. તેમાં ખાદી બોડી ફ્રેન્ડલી ફેબ્રિક તરીકે દુનિયાના અનેક સ્થળોએ બનાવવામાં આવી રહી છે. મેક્સિકોમાં આવી જ એક જગ્યા છે ઓહાકા, જ્યાંના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ખાદી વણવાનું કામ કરી રહ્યા છે. આજે ઓહાકા ખાદી સમગ્ર દુનિયામાં બ્રાન્ડ બની ચૂકી છે. 

શું કહે છે અધિકારીઓ

આ વિશે માહિતી આપતા આપતા વિદેશ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવા માટે દુનિયાના તમામ દેશોમાં સ્થિત ભારતીય મિશનો પ્રયાસ કરી રહ્યાં છે. તે હેઠળ લોકોને ભારતીય ઉત્પાદનોનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે. તેમાં ખાદી સૌથી મહત્વપૂર્ણ છે. ખાદી ભારતની ગ્રામ્ય અર્થવ્યવસ્થા અને આત્મનિર્ભરતાની ઓળખ છે. ઓહાકા ખાદીના બ્રાન્ડ બનવાને કારણે ખાદીના કપડાં ઉપરાંત, ખાદી સાથે સંકળાયેલા અન્ય ઉત્પાદનોમાં પણ લોકોના રસરૂચિ વધ્યાં છે. 

ભારત અને મેક્સિકો વચ્ચેના સંબંધો

મેક્સિકો 1950માં ભારત સાથે રાજનૈતિક સંબંધો સ્થાપિત કરનાર લેટિન અમેરિકાનો પ્રથમ દેશ છે. આજે બંને દેશો વચ્ચે ઉષ્માપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો છે. મેક્સિકન લોકો ભારતની સંસ્કૃતિ, સામાજિક મૂલ્યો અને બહુમતવાદી લોકતંત્રમાં ઘણો રસ ધરાવે છે. આ ઉપરાંત, ત્યાંના લોકો મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને મધર ટેરેસાના વિચારોથી ઘણા પ્રભાવિત છે. મેક્સિકોના ચાર મોટાં શહેરોમાં ગાંધીજીની પ્રતિમાઓ સ્થાપિત છે. મેક્સિકોમાં ભારતીય સમુદાય નાનો છે, જેમાંથી દસ હજાર લોકો શહેરોમાં રહે છે અને બાકી ગુઆડલજારા, મોન્ટેરી, ક્યૂર્નવેકા, ક્વેરેટારો વગેરે વિસ્તારોમાં રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news