નવા વર્ષની ભેટ: PM મોદી કરશે ‘લાઈટ હાઉસ પ્રોજેક્ટ'નો શિલાન્યાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે ઈનોવેટીવ ગ્રીન કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીથી બનનારા ૧૧૪૪ આવાસ નો શિલાન્યાસ આજે શુક્રવાર ૧લી જાન્યુઆરી-૨૦૨૧ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરશે.

નવા વર્ષની ભેટ: PM મોદી કરશે ‘લાઈટ હાઉસ પ્રોજેક્ટ'નો શિલાન્યાસ

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે ઈનોવેટીવ ગ્રીન કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીથી બનનારા ૧૧૪૪ આવાસ નો શિલાન્યાસ આજે શુક્રવાર ૧લી જાન્યુઆરી-૨૦૨૧ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્રસંગે રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે. આ આવાસોનું નિર્માણ ભારત સરકારના ‘લાઈટ હાઉસ પ્રોજેક્ટ’ અંતર્ગત કરવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના શ્રેષ્ઠતમ અમલીકરણ માટે ગુજરાતને ત્રણ એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) એવોર્ડ-૨૦૧૯ અંતર્ગત સ્પેશ્યલ એવોર્ડ કેટેગરી અંતર્ગત ગુજરાતને ‘પોલિસી ઈનિશિયેટીવ્સ’, ‘બેસ્ટ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ ઓન પ્રાઈવેટ લેન્ડ’ અને ‘બેસ્ટ ઈન-સીચ્યુ સ્લમ રીહેબિલિટેશન પ્રોજેક્ટ’ માટે એવોર્ડ પ્રાપ્ત થયા છે. દેશના પ્રત્યેક પરિવારને વર્ષ ૨૦૨૨ સુધીમાં પોતાનું પાકુ ઘર મળે તેવા ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે ‘હાઉસિંગ ફોર ઓલ બાય ૨૦૨૨’ મિશન હાથ ધર્યું છે. જે અંતર્ગત, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સામાન્ય નાગરિકો માટે પરવડે તેવી કિંમતે આવાસોનું નિર્માણ કરવા પ્રોત્સાહન માટે પ્રતિવર્ષ આ એવોર્ડ આપવામાં આવે છે. 

ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ હોવાને કારણે ગુજરાતમાં PMAYના સુચારું આયોજન માટે રાજ્યમાં એફોર્ડેબલ હાઉસિંગ પોલીસીનું ઘડતર કરીને તેની અમલી પણ બનાવી છે. જેના માટે ગુજરાત રાજ્યને સ્પેશિયલ કેટેગરી અંતર્ગત ‘પોલિસી ઇનિસિએટિવ એવોર્ડ’ એનાયત કરાશે. તદ્ઉપરાંત અમદાવાદ મહાનગરમાં નિર્માણ પામેલા ૩૫૦૯૯ EWS આવાસોને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. જેના માટે પીએમએવાય અંતર્ગત બેસ્ટ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ ઓન પ્રાઇવેટ લેન્ડનો એવોર્ડ પણ ગુજરાતને મળી રહ્યો છે. ગુજરાતમાં ૪૨ હજારથી વધારે આવાસોની મંજૂરી આ પ્રોજેક્ટ અંતર્ગત મળી છે.

એટલું જ નહીં, શહેરી ક્ષેત્રમાં ઝુંપડપટ્ટીઓની જગ્યા પર ૩૦ સ્કેવર મીટર સુધી આવાસ ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન યોજના અંતર્ગત નિર્માણ થઇ રહ્યા છે. અંદાજિત ૬૦,૦૦૦ આવાસો મંજૂર કરી ગુજરાત ઇન-સીટુ રિહેબિલિટેશન ક્ષેત્રમાં અગ્રેસર રહ્યું છે.

આજના આધુનિક યુગમાં વૈશ્વિક સ્તરે શહેરીકરણનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે શહેરોમાં પર્યાવરણને સાનુકૂળ હોય તેવી ગ્રીન ટેક્નોલોજીથી આવાસોનું નિર્માણ થાય તે દિશામાં કેન્દ્ર અને ગુજરાત સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. આ માટે ભારત સરકારના હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા વિશ્વસ્તરે સફળ નિવડેલી છ ટેક્નોલોજીની પસંદગી કરવામાં આવી છે. આ ટેક્નોલોજીથી ‘લાઈટ હાઉસ પ્રોજેક્ટ’ હેઠળ ભારતના છ શહેરો - રાજકોટ, ઈંદોર, ચેન્નાઈ, રાંચી, અગરતાલા અને લખનઉ – પ્રત્યેકમાં ૧૦૦૦થી વધુ મકાનોનું નિર્માણ કરવામાં આવશે. જે પૈકી રાજકોટ ખાતે બનનાર ૧૧૪૪ આવાસોનો શિલાન્યાસ પ્રધાનમંત્રીના હસ્તે થશે.

આ આવાસોના નિર્માણમાં પ્રવર્તમાન કન્સ્ટ્રક્શન પદ્ધતિના બદલે આર્થિક રીતે પરવડે તેવી, હોનારતોમાં ટકી શકે તેવી મજબૂત અને પર્યાવરણને સાનુકૂળ એવી ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત આ મકાનો ઈનોવેટીવ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી ક્ષેત્રે રિસર્ચ, ટેસ્ટીંગ, ટેક્નોલોજી ટ્રાન્સફર અને જનજાગૃતિ માટેની એક ‘લાઈવ લેબોરેટરી’ સમાન બની રહેશે. આ આવાસના નિર્માણ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતી પ્રતિ આવાસ રૂ. ૧.૫ લાખની સહાય ઉપરાંત કેન્દ્રીય હાઉસિંગ મંત્રાલય દ્વારા વધારાની ગ્રાંટ પણ ફાળવવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ઉપયોગમાં લેવાતી જુદી-જુદી ગ્રીન ટેક્નોલોજી પૈકીની શ્રેષ્ઠ ટેક્નોલોજીની ઓળખ માટે ભારત સરકારે જાન્યુઆરી-2019 માં ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજે ચેલેન્જ ઈન્ડિયા (GHTC – India) લોન્ચ કરી હતી. જે પૈકી વિશ્વસ્તરે સફળ નીવડેલી ૫૪ ટેક્નોલોજીને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. જે પૈકીની છ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભારતના છ શહેરોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ આવાસ નિર્માણના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news