રાજકોટ કરુણાંતિકામાં પિતાની છત્રછાયા ગુમાવનારા પુત્રોએ કહ્યું, સરકાર આવી હોસ્પિટલો બંધ કરાવે

Updated By: Nov 27, 2020, 10:54 AM IST
રાજકોટ કરુણાંતિકામાં પિતાની છત્રછાયા ગુમાવનારા પુત્રોએ કહ્યું, સરકાર આવી હોસ્પિટલો બંધ કરાવે
  • પિતાના આકસ્મિક મોતથી તેમના માથા પર આભ તૂટી પડ્યું છે. ઝી 24 કલાકે બે મૃતકોના પુત્રો સાથે વાત કરી. 
  • નીતિન બદાણીના  પુત્રએ કહ્યું, મારી તંત્ર પાસેથી બે જ માંગણી છે કે, જે પણ ઘટના બની તેની મને લાઈવ ફૂટેજ આપે

ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલના આગકાંડમાં 5 દર્દીઓના મોત નિપજ્યા છે. ત્યારે ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગકાંડ (rajkot fire) મામલે રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે. ત્યારે હવે એફએસએલ અને અન્ય પૂરાવાઓના આધારે તપાસ થશે. તો બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મૃતકો માટે ચાર લાખની સહાયની જાહેરાત કરી છે. પરંતુ આ આગ્નિકાંડમાં પિતાની છત્રછાયા ગુમાવનારા પુત્રો નોંધારા બન્યા છે. પિતાના આકસ્મિક મોતથી તેમના માથા પર આભ તૂટી પડ્યું છે. ઝી 24 કલાકે બે મૃતકોના પુત્રો સાથે વાત કરી હતી. 

એક પુત્રએ કહ્યું, મને આખી ઘટનાના લાઈવ ફૂટેજ જોઈએ છે 
મૃતક નીતિન બદાણીના પુત્રએ જણાવ્યું કે, જે થયુ તે અમને જ ખબર પડે છે. મને રાત્રે સાડા ત્રણ વાગ્યે ફોન કરાયો હતો, અને ઘટના 12.30 વાગ્યે બની હતી. ત્યારે ઘટના બન્યાના આટલા મોડા કેમ જાણ કર્યું. મારી તંત્ર પાસેથી બે જ માંગણી છે કે, જે પણ ઘટના બની તેની મને લાઈવ ફૂટેજ આપે. મારા પિતા સાથે બનેલી ઘટનાનું મને લાઈવ ફૂટેજ જોઈએ છે. અમે મારા પિતાને પ્રાઈવેટ હોસ્પિટલમાં એટલા માટે લઈ ગયા કે તેઓ જલ્દી સાજા થઈને ઘરે આવે. પણ જો ખાનગી હોસ્પિટલોમાં આવુ જ થતુ હોય તો પછી સરકારી હોસ્પિટલોમાં જ ન જવાય.

આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડમાં સુપરહીરો બન્યો હોસ્પિટલનો કર્મચારી અજય વાઘેલા 

નીતિન બદાણીના પુત્રએ સરકારને સવાલ પૂછ્યો કે, શું સરકાર 4 લાખના બદલે મારા પિતા આપશે ખરી. મારા પિતા ગયા છે તે રીતે બીજા કોઈ આ રીતે પિતા ન ગુમાવવા જોઈએ. લાખો ખર્ચો કરીને પણ પરિવારજન ગુમાવવાનો વારો આવતો હોય છે. 

આવતીકાલે મારા પિતાને ડિસ્ચાર્જ કરવાના હતા, ને આજે મોત મળ્યું 
તો અન્ય એક મૃતક કેશુભાઈના પુત્ર પણ ભાંગી પડ્યા હતા. તેણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું કે, મારા પિતાની રાત્રે મારી સાથે વાત થઈ હતી. જેના બાદ અઢી વાગ્યે મને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. અમારા પરિવાર પર આ અણધારી આફત આવી છે તે તો અમને ભોગવવાની જ રહેશે. આવતીકાલે જ મારા પિતાને ડિસ્ચાર્જ કરવાના હતા, અને આજે મોત મળ્યું. માતબર ફી લઈને દર્દીઓના જીવ સાથે રમવામાં આવે છે. આવા લોકો સામે એક્શન લેવા જોઈ. કસૂરવારો સામે પગલા લેવા જોઈએ. આટલી ફી લઈને પણ જો વેન્ટિલેટર સળગી જાય, તો આવી હોસ્પિટલો બંધ કરવી જોઈએ. 

આ પણ વાંચો : રાજકોટ આગમાં હોમાયેલા સંજય રાઠોડના પરિવારે કહ્યું, ‘4 કરોડ આપે તો પણ ગયેલી વ્યક્તિ પાછી આવવાની નથી’

તો રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં આગની ઘટના બાદ હાલ PGVCL ના અધિકારીઓ હોસ્પિટલ ખાતે ચેકિંગ માટે પહોંચ્યા છે. કોવિડ હોસ્પિટલની PGVCL ના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી. સમમગ્ર ઘટના કઇ રીતે બની તે અંગે ચકાસણી કરવામાં આવી છે. જોકે, PGVCL ના અધિકારીઓએ મીડિયા સમક્ષ કંઈ બોલવાનો ઈન્કાર કર્યો હતો. આગની સમગ્ર ઘટના મામલે તંત્ર હજુ સુધી મૌનની સ્થિતિમાં છે. FSL ની ટીમ દ્વારા થોડી ક્ષણોમાં હોસ્પિટલની મુલાકાત લેવામાં આવશે.

આ પણ વાંચો : રાજકોટ હોસ્પિટલની આગમાં 3 દર્દીઓને બેડ પર જ દર્દનાક મોત મળ્યું