રૂપાલાથી લાગેલી આગ ગુજરાતને દઝાડશે : ગામડાઓમાં ભારેલો અગ્નિ, મંત્રીઓ પણ દાઝ્યા

Loksabha Election 2024: ક્ષત્રિયો અંગે રૂપાલાના નિવેદન બાદ એવો ભડકો થયો છેકે, એ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતની રાજનીતિમાં લાગેલી આ આગ શાંત નહીં થાય તે ભાજપને થઈ શકે છે મોટું નુકસાન...જાણો રાજનીતિમાં લાગેલી આગનું ગણિત....

રૂપાલાથી લાગેલી આગ ગુજરાતને દઝાડશે : ગામડાઓમાં ભારેલો અગ્નિ, મંત્રીઓ પણ દાઝ્યા

Rupala Controversy: ગુજરાતમાં રૂપાલાના કડવા વચનોથી લાગેલી આગ હવે ધીરે ધીરે ગુજરાતના ગામડાઓમાં ફેલાઈ રહી છે. ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં ભાજપનો પ્રવેશ બંધ છે તો કેટલાક ગામોમાં ભાજપના કાર્યક્રમનો રીતસરનો વિરોધ થઈ રહ્યો છે. હવે આ આંદોલન કાબૂ બહાર જતાં ભાજપ પણ ટેન્શન છે. મોદીની સભા પહેલાં ભાજપ કોઈ પણ સંજોગોમાં આ આંદોલનનું ફીડલું વાળી દેવાના મૂડમાં છે. ગુજરાતના રાજકોટમાં 14મી એપ્રિલે યોજાનાર ક્ષત્રિય સંમેલન બાદ એ ફાયનલ થશે કે આ આંદોલનની અસર કેટલી રહેશે. ભાજપે 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાના ટાર્ગેટ સાથે લોકસભાની ચૂંટણીનો પ્રચાર તો શરૂ કર્યો છે પણ આ આંદોલન વકર્યું તો કોંગ્રેસને સીધો ફાયદો થઈ જશે. 

વિવાદ નહીં શમે તો આગળ શું થશે?
ભલે હાલમાં આ આંદોલન હાલમાં ગરાશિયા રાજપૂતો સુધી સીમિત હોય પણ હવે ધીરેધીરે ક્ષત્રિય સમાજના તમામ વર્ગો એક થઈ રહ્યાં છે. રસ્તા પર ન ચાલતું આ આંદોલન સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે. ક્ષત્રિયો ગામે ગામ કુળદેવીના સોગંધ લઈ રહ્યાં છે. આ હવે વટનો સવાલ બની ગયો છે ભાજપ માટે પણ અને ક્ષત્રિઓ માટે પણ... રૂપાલાની આગ વધુ વકરી તો રૂપાલા તો જીતી જશે પણ આ આગ ભાવનગર, કચ્છ, સુરેન્દ્રનગર અને જામનગરના ઉમેદવારને દઝાડશે એમાં કોઈ નવાઈ નહીં.. આ સિવાય પેટા ચૂંટણીમાં પણ વિજાપુરના સી. જે ચાવડા અને વાઘોડિયાના અપક્ષ ઉમેદવારને ભારે પડશે. 

ગુજરાતના રાજકોટમાં 14મીએ ક્ષત્રિય સંમેલનને પગલે ગામે ગામ લોકોને આ સંમેલનમાં જોડાવવા માટે આહવાન થઈ રહ્યાં છે.  આ વિધાનસભાની ચૂંટણી નથી. લોકસભામાં ગામડાઓના મતોનું પણ એટલું જ પ્રભુત્વ છે. રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભાજપ સાથે જોડાયેલા કેટલાક નેતાઓ ક્ષત્રિયોના આ આંદોલનથી દૂર રહ્યા છે. રાજવી પરિવારમાં પણ 2 ભાગલા પડ્યા છે. જામનગર, દાંતા અને રાજકોટના રાજવીએ રૂપાલાને માફ કરી દેવાની અપીલ કરી છે જયારે  સુરન્દ્રનગર જિલ્લાના સાત રાજવીઓ ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા હતા. ત્યારે હવે વધુ એક રાજવી ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવ્યા છે. આમ રાજવી પરિવારો પણ 2 ભાગમાં વહેંચાયા છે. 

લોકસભાની ચૂંટણી સમયે જ ભાજપ ભેરવાયું છે. હવે ઉમેદવારના ફોર્મ ભરવાની ઘડી નજીક આવી છે ત્યારે હજુ આ મામલો થાળે પડી શક્યો નથી. જોકે, એવી વાત બહાર આવી છેકે, ક્ષત્રિય આંદોલનને પાછલા બારણે પ્રોત્સાહન આપનારાં અન્ય કોઇ નહી પણ ખુદ ભાજપના જ અસંતુષ્ટો અસલી ખેલાડી છે. આ આખાય પ્રકરણમાં એક પૂર્વ મંત્રી ઉપરાંત પાંચેક અન્ય નેતાઓની સંડોવણી હોવાની ચર્ચા છે. આ વાતની જાણ થતા જ ખુદ ભાજપનું મોવડીમંડળ પણ ચોંકી ઉઠ્ય છે. આમ, ઘર કા ભેદી લંકા ઢાર્ય જેવી સ્થિતી સર્જાઇ છે. 

સતત બદલાઈ રહી છે રાજકીય પરિસ્થિતિઃ
હવે આ આંદોલન ભાજપના હાથમાંથી સરકી ગયું છે. ખંભાળિયામાં પણ ભાજપ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતીમાં ખુરશીઓ ઉછળી હતી. એટલું જ નહી, પણ નારાજ ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જામનગર, કચ્છમાં હવે ભાજપના કાર્યક્રમોનો વિરોધ શરૂ થઈ રહ્યો છે. આ પહેલાં ભાજપના ધારાસભ્યોને પ્રચાર વિના પરત કરાયા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવો ય મુશ્કેલ બન્યો છે. વિરમગામ નજીક જખવાડા ગામમાં પ્રચાર કરવા જતા હાર્દિક પટેલને ગ્રામજનોએ ઘેરીને ધક્કે ચડાવ્યા હતાં. જેથી હાર્દિક પટેલે પ્રચાર કર્યા વિના ચાલતી પકડી લીધી હતી. આ જ અનુભવ રૂપાલા અને પ્રફૂલ પાનસેરિયાને થયો છે. 

પ્રચાર દરમિયાન જોવા મળી વિરોધની આગઃ
કામરેજના સેવણી ગામે ભાજપની બેઠકમાં પુરષોત્તમ રૂપાલા અને સ્થાનિક ધારાસભ્ય એવા પ્રફુલ પાનસેરિયાનો રાજપૂત યુવાનોએ હુરિયો બોલાવાયો હતો. આ બેઠકમાં ભાજપના અગ્રણી નેતાઓ હાજર હતા. જેને પગલે ગઈકાલની તમામ બેઠકો રદ કરવાની કામરેજ તાલુકા ભાજપે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવી પડી હતી. માંગરોલ તાલુકાના કુંવારદા, કંટવા, મોટી પારડી, લીબાડા અને તરસાડી સહિતના ગામોએ ભાજપના કાર્યકરો માટે પ્રવેશબંધીના બેનરો લગાવ્યા છે. કચ્છમાં મુંદરાના 40 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારને પ્રવેશ આપવામાં નહીં. ક્ષત્રિયોના આંદોલનની અસર રાજકોટ કરતાં કચ્છ, સુરેન્દ્રનગર અને જામનગરમાં વધારે છે. આ જ સ્થિતિ મહેસાણા જિલ્લામાં પણ છે.

ગામડાઓમાં થઈ રહ્યો છે ભાજપનો વિરોધઃ
મહેસાણાના રાજપૂત સમાજના પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં ભાજપનો સતત વિરોધ થઈ રહ્યો છે. હવે આગ ધીરેધીરે દરેક જિલ્લામાં પ્રસરી રહી છે. શહેરોમાં ભાજપનો પ્રચાર ટનાટન થાય છે પણ ગામડાઓમાં ટેન્શન જ ટેન્શન છે. ભાજપ આ મામલે સમાધાનનો રસ્તો ના કાઢી શક્યું તો આ વિરોધ મતબેંકમાં ફેરવાઈ શકે છે. રાજપૂત સમાજના નેતાઓ અને રાજવીઓના રૂપાલાને માફ કરોના નિવેદનો હવે વધુ આગ પકડી રહ્યાં છે. ભાજપે આ મામલે સુખદ સમાધાન કાઢવું પડશે નહીં તો કોંગ્રેસને બગાસુ ખાતા પતાસું મળે એમ ક્ષત્રિય સમાજના વોટ મળી જશે અને ભાજપને નુક્સાન કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news