ગુજરાતના લોકસાહિત્યને અસ્ખલિતપણે પીરસનાર ભીખુદાન ગઢવીનો આજે જન્મદિવસ

ગુજરાતના લોકસાહિત્યને અસ્ખલિતપણે પીરસનાર ભીખુદાન ગઢવીનો આજે જન્મદિવસ
  • ગુજરાતની સંસ્કૃતિ, લોકસાહિત્ય, પૌરાણિક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે.
  • આંતરરાષ્ટ્રીય સ્તરે એમણે ગુજરાતી સાહિત્યને પોતાના અવાજ દ્વારા ગુંજતો કરીને એક અનેરૂ પ્રદાન કર્યુ

રક્ષિત પંડ્યા/રાજકોટ :જેનો પ્રારંભ છે તેનો અંત નથી. જોકે કોઇના પણ વ્યક્તિત્વનું માપ ક્યારેય પણ પ્રારંભ કે અંત પરથી નથી નીકળતું, પણ સાચું માપ નીકળે છે તેના મધ્યભાગથી ! આવું જ લોકસાહિત્ય ક્ષેત્રનું ઉજળું ને રૂડું નામ એટલે ભીખુદાન ગઢવી (bhikhudan gadhvi).

પદ્મશ્રી ભીખુદાન ગઢવીનો આજે જન્મ દિવસ છે. 20 સપ્ટેમ્બર 1948 ના રોજ પદ્મશ્રી ભીખુદાન ગઢવીનો જન્મ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખીજદડ ગામે ખાતે થયો હતો. આજે તેઓ પોતાના જીવનના 72 વર્ષ પૂર્ણ કરી 73 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ભારત સરકાર દ્વારા ભીખુદાન ગઢવીને ભારતીય સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમને કાગ પુરસ્કાર પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોકડાયરો કહે છે. આ પ્રકારના કાર્યક્રમો માત્ર ગુજરાત રાજ્યમાં જ નહિ, પરંતુ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. આ કાર્યક્રમોમાં તેઓ ભારતીય અને તેમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, લોકસાહિત્ય, પૌરાણિક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે.

ગુજરાતી સાહિત્યમાં તો ખરું જ, પણ સાથે સાથે છેલ્લા વીસ વર્ષથી બોલિવૂડમાં તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એમણે ગુજરાતી સાહિત્યને પોતાના અવાજ દ્વારા ગુંજતો કરીને એક અનેરૂ પ્રદાન કર્યુ છે. ગુજરાતમાં લોક સંસ્કૃતિને લોક પ્રિય બનાવવામાં ગઢવી કોમનાં ભીખુદાન ગઢવીનું યોગદાન પણ ખૂબ છે. શ્રોતાગણ, સંગીતના વાદ્યો અને ભીખૂદાન ગઢવીના અનુભવી અને સુમધુર સ્વરના લહેકાનો સમન્વય ભલભલાના મનને એક વખત માટે ડોલાવી દે.

ગુજરાતના ગામડાઓમાં હજી પણ લોક ડાયરાઓ આનંદિત જીવનનો એક ભાગ છે. માત્ર ગુજરાતના ગામડાંઓ જ નહિ, શહેરોમાં અને વિદેશોમાં પણ ડાયરાના ચાહકોનો એક ખાસ વર્ગ છે. લોક સંસ્કૃતિને લોક હદયમાં ધબકતી રાખવા અનેક લોક કલાકારોએ પોતાના જીવનને જ સંસ્કૃતિમંત્ર બનાવી દીધો છે. આ લોકપ્રિય કલાકારે બી.એસ.સી. સુધી અભ્યાસ કર્યો છે. ગુજરાતની લોકસંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે ડાયરા અને અન્ય સાંસ્કૃતિક માધ્યમો દ્વારા રજૂ કરીને બહોળી પ્રસિદ્ધિ આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news