NCPના દિગ્ગજ નેતાના એક દાવાથી કોંગ્રેસમાં સન્નાટો, 'Darbar Politics' નો કર્યો ઉલ્લેખ
Trending Photos
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના પ્રમુખ શરદ પવાર(Sharad Pawar) પાસે એક નહીં પરંતુ બે વાર પ્રધાનમંત્રી બનવાની તક હતી, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં તેમના વિરોધીઓ દ્વારા ઈનકાર કરાયા બાદ એમ બની શક્યું નહીં. આ વાતનો ખુલાસો એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે (Praful Patel) કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની દરબાર પોલિટિક્સના કારણે શરદ પવાર પ્રધાનમંત્રી બની શક્યા નહીં.
પવાર આ 2 અવસરે પીએમ બની શક્યા નહીં
પ્રફુલ્લ પટેલે દાવો કર્યો છે કે 1990ના દાયકામાં જ્યારે શરદ પવાર કોંગ્રેસમાં હતા ત્યારે તેમના વિરુદ્ધ દરબાર પોલિટિક્સના કારણે તેઓ બે વાર પ્રધાનમંત્રી બની શક્યા નહીં. તેમણે કહ્યું કે, 'શરદ પવાર 1991 અને 1996માં પ્રધાનમંત્રીની ભૂમિકા માટે નિશ્ચિતપણે સ્વાભાવિક ઉમેદવાર હતા. પરંતુ દિલ્હીની દરબારી રાજનીતિ (ભાઈ-ભત્રીજાવાદ)એ તેમા અવરોધ પેદા કરવાની કોશિશ કરી.'
1991માં કોંગ્રેસ પ્રમુખના દાવેદાર હતા પવાર
એનસીપી નેતાએ શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રકાશિત લેખમાં લખ્યું કે, '1991માં રાજીવ ગાંધીના મૃત્યુ બાદ કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓ વચ્ચે મજબૂત ધારણા હતી કે પવારને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવે. પરંતુ દરબારી રાજનીતિના કારણે એક મજબૂત નેતાના વિચારનો વિરોધ કરાયો અને પીવી નરસિમ્હારાવને પાર્ટી પ્રમુખ બનાવવાની યોજના ઘડાઈ. તેમણે આગળ લખ્યું કે પીવી નરસિમ્હા રાવ બીમાર હતા અને લોકસભા ચૂંટણી પણ લડી નહતી. તેઓ રિટાયર થઈને હૈદરાબાદમાં રહેવાની યોજના ઘડી રહ્યા હતાં પરંતુ તેમને રાજી કરી લેવાયા અને ફક્ત પવારની ઉમેદવારની વિરોધ કરવા માટે તેમને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.'
1996માં આ કારણે પીએમ ન બની શક્યા પવાર
પ્રફુલ્લ પટેલે કહ્યું કે '1996માં પણ શરદ પાસે એકવાર ફરીથી પ્રધાનમંત્રી બનવાની તક હતી. 1996માં કોંગ્રેસને 145 બેઠકો મળી હતી અને એચડી દેવગૌડા, લાલુ પ્રસાદ યાદવ તથા મુલાયમ સિંહ યાદવ સાથે ડાબેરી નેતાઓએ કહ્યું કે જો પવારને પીએમ બનાવવામાં આવશે તો તેઓ કોંગ્રેસનું સમર્થન કરશે. પરંતુ પીવી નરસિમ્હા રાવ ડટી રહ્યા અને દેવગૌડાને બહારથી સમર્થન આપવા માટે મજબૂર થવું પડ્યું.' તેમણે વધુમાં લખ્યું કે, 'જ્યારે રાવે કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડ્યું તો તેમણે સીતારામ કેસરીના નામને પોતાના ઉત્તરાધિકારી તરીકે આગળ વધાર્યું.'
કોંગ્રેસે પ્રતિભાવ આપવાનો કર્યો ઈન્કાર
પ્રફુલ્લ પટેલની ટિપ્પણી પર કોંગ્રેસે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરી દીધો છે. પરંતુ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે પવાર વર્ષ 1996માં કોંગ્રેસમાં ફરીથી સામેલ થયા હતા અને દિલ્હીમાં તેમની એવી છબી હતી કે તેઓ એક નિષ્ઠાવાન કોંગ્રેસી નથી. તેમણે કહ્યું કે પવારે 1978માં પણ પાર્ટી વિરુદ્દ વિદ્રોહ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે