BIG Breaking : મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને અપાશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આ માહિતી શેર કરી હતી 

BIG Breaking : મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને અપાશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

નવી દિલ્હીઃ બોલિવૂડના બાદશાહ અને ભારત સહિત વિશ્વનાં અનેક લોકોનાં લોકલાડિલાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આ માહિતી શેર કરી હતી. 

— Prakash Javadekar (@PrakashJavdekar) September 24, 2019

પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરતા લખ્યું કે, "ભારતના મહાન અભિનેતા અમિતાભ બચ્ચન કે જેઓ બે પેઢીઓથી ભારતીય લોકોને સતત મનોરંજન કરાવી રહ્યા છે તેમની 'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. ભારત સહિત સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય આ બાબતથી ખુશ છે. શ્રીમાન અમિતાભ બચ્ચનને મારા હૃદયપૂર્વક અભિનંદન."

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચને ફિલ્મ 'સાત હિન્દોસ્તાની' સાથે બોલિવૂડમાં શરૂઆત કરી હતી. અનેક નિષ્ફળ ફિલ્મો પછી 'ઝંઝીર' ફિલ્મમાં તેમના એન્ગ્રી યંગમેનની ભૂમિકાએ તેમને સફળતા અપાવી હતી અને તેઓ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર બની ગયા હતા. ધર્મેન્દ્ર સાથેની તેમની ફિલ્મ 'શોલે'એ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને આજે પણ આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી સફળ ફિલ્મ કહેવામાં આવે છે. 

અમિતાભ બચ્ચન 70 વર્ષની વય વટાવી ચૂક્યા બાદ આજે પણ એટલા જ સક્રિય છે અને નવી પેઢીના કલાકારો સાથે પણ તેઓ સંપૂર્ણ નિષ્ઠા સાથે પોતાની અદાકારીના ઓજસ પાથરી રહ્યાં છે. અમિતાભે મોટા પડદાની સાથે-સાથે ટેલિવીઝનના નાના પડદે પણ ઝંપલાવ્યું હતું. તેમનો ક્વીઝ શો 'કૌન બનેગા કરોડપતિ' સૌથી સફળ રહ્યો છે અને આ શોમાં તેમના એન્કરિંગની સૌ કોઈ પ્રશંસા કરતું રહ્યું છે. 'ચહેરા' અને 'ગુલાબો સિતાબો' તેમની આગામી ફિલ્મો છે. આ સાથે જ તેમની પ્રથમ દક્ષિણ ભારતીય ફિલ્મ 'સે રા નરસિમ્હા રેડ્ડી' પણ 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે.  

ઉલ્લેખનીય છે કે, દાદા સાહેબ ફાળકે ભારતના પીઢ અને વૈશ્વિક ફલક પર નામના મેળવનારા જાણીતા દિગ્દર્શક હતા. તેમને ભારતીય સિનેમાના પિતામહ કહેવામાં આવે છે. વર્ષ 1969માં તેમના નામે આ એવોર્ડની શરૂઆત કરાઈ હતી. 

જુઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news