જેટ એરવેઝને લાગ્યાં તાળાં: કંપનીએ બુધવાર રાતથી તમામ ઉડાન કરી રદ્દ

બેન્કો દ્વારા કંપનીને ઈમરજન્સી ફંડ તરીકે રૂ.400 કરોડ આપવાનો ઈનકાર કરી દેવાયા બાદ કંપનીએ લીધો નિર્ણય, કંપની બંધ થવાથી 20 હજાર કર્મચારીઓ થઈ જશે બેરોજગાર

જેટ એરવેઝને લાગ્યાં તાળાં: કંપનીએ બુધવાર રાતથી તમામ ઉડાન કરી રદ્દ

નવી દિલ્હીઃ જેટ એરવેઝ દ્વારા કટોકટી માટેની મદદ ન મળ્યા બાદ પોતાના તમામ ઓપરેશન્સ બુધવાર રાતથી અચોક્કસ મુદ્દત માટે અટકાવી દેવાયા છે. જેટ એરવેઝ દ્વારા આ નિર્ણય તેને લોન આપનારી બેન્કો દ્વારા વધારાના નાણા આપવાની વિનંતીનો અસ્વીકાર કરાયા બાદ લેવાયો છે. બેન્કોએ જેટ એરવેઝને ઈમરજન્સી ફંડ તરીકે રૂ.400 કરોડ આપવાનો ઈનકાર કરી દીધો હતો. 

જેટ એરવેઝની અંતિમ ફ્લાઈટ બુધવાર રાત્રે 10.20 કલાકે અમૃતસરથી મુંબઈની રહેશે. ત્યાર પછી તેની એક પણ લોકલ કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાન ભરશે નહીં. જેટના આ નિર્ણયને કારણે દેશ-વિદેશના અનેક મુસાફરો પણ મુસિબતમાં મુકાઈ જશે. 

ઉલ્લેખનીય છે કે, 25 વર્ષ જૂની આ એરલાઈન્સ કંપની પર રૂ.8,000 કરોડ કરતાં વધુનું દેવું છે. જો કંપની બંધ થશે તો 20 હજાર લોકોની નોકરકી જતી રહેશે. એરલાઈન્સે અગાઉ પણ 18 એપ્રિલ સુધી પોતાની તમામ આંતરરાષ્ટ્રીય ઉડાન રદ્દ કરી દીધી હતી. 

જેટ એરવેઝના સીઈઓએ જણાવ્યું કે, આ નિર્ણય લેવો અત્યંત કઠિન હતો. અમે ફંડ મેળવવા માટે દરેક શક્ય પ્રયાસ કર્યા હતા, પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં. તેમણે કહ્યું કે, અમે વચગાળાના ફંડ માટે વારંવાર બેન્કોને અપીલ કરી હતી, પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. સૂત્રો અનુસાર જેટના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવાયું છે. માત્ર HOD અને કેટલોક સ્ટાફ કે જે ક્રિટિકલ ઓપરેશન્સ સાથે સંકળાયેલો છે તેને જ ઓફિસ આવવા માટે કહેવાયું છે. 

જોકે, કંપની તરપથી અચોક્કસ મુદ્દત માટે વિમાનોનું સંચાલન બંધ કરવાની કોઈ આધિકારિક જાહેરાત કરાઈ નથી. મંગળવારે સમાચાર એજન્સી પીટીઆઈએ નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદીપ સિંહ ખોરાલાના હવાલાથી જણાવ્યું હતું કે, કંપની અત્યારે માત્ર પાંચ વિમાનોનું સંચાલન કરી રહી છે. 

ભારતમાં પાટિયા પાડનારી 7મી એરલાઈન્સ
મે, 2014 પછી પાટીયા પાડી દેનારી જેટ એરવેઝ ભારતની 7મી એરલાઈન્સ કંપની છે. પૂર્વ-પશ્ચિમ દેશોમાં તે 13મી કંપની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news