પીએમ મોદી આજે દેશભરમાં કોરોના વિરુદ્ધ એક અનોખું 'જન આંદોલન' શરૂ કરશે
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવનારા તહેવારો, ઠંડીની ઋતુ અને અર્થવ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તથા કોરોના (Corona Virus) સામે બચાવના તમામ ઉપાયોનું પાલન કરીને દેશમાં આગળ કેવી રીતે વધી શકાય, તે અંગે આજથી એક જનઆંદોલન શરૂ કરશે. સૂચના અને પ્રસારણ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં કહેવાયું છે કે પ્રધાનમંત્રી મોદી એક ટ્વીટ દ્વારા આ અભિયાનની શરૂઆત કરશે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પત્રકારોને સંબોધતી વખતે કહ્યું કે કોરોનાથી બચાવનું એકમાત્ર હથિયાર માસ્ક પહેરવું, સામાજિક અંતરનું પાલન કરવું અને હાથ ધોવા છે. તેમણે કહ્યું કે આ સિદ્ધાંતનું પાલન કરતા સાર્વજનિક સ્થળો પર આ ઉપાયો અંગે જાગરૂકતા વધારવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં ડરવાનું નહીં, પણ સાવધાની વર્તવાની જરૂર છે. આ સંદેશ દરક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે જનચેતનાની મુહિમ ચલાવવામાં આવશે. દવા અને વેક્સિન વગર માસ્ક, બે ગજનું અંતર, હાથ ધોવા જ સુરક્ષા કવચ છે.
ઠંડીના દિવસોમાં શું સાવધાની રાખવી તેની અપાશે જાણકારી
તેમણે કહ્યું કે જનચેતનાની મુહિમ માટે લોકોના સંપર્કના તમામ ઠેકાણા પર બેનર અને પોસ્ટર્સ લગાવવામાં આવશે. જાવડેકરે કહ્યું કે, ઠંડી આવી રહી છે અને ઠંડીના દિવસોમાં લોકોએ ખાસ સાવધાની વર્તવી જોઈએ અને આ અંગે એક જન આંદોલન શરૂ કરાશે. તેમણે કહ્યું કે, લોકોના સંપર્કના તમામ ઠેકાણા પર પોસ્ટર્સ, બેનર્સ અને સ્ટીકર્સ લાગશે. ભલે તે એરપોર્ટ હોય કે પછી બસ સ્ટેશન. ઓટો રિક્ષા, મેટ્રો કે પછી પેટ્રોલંપપ. શાળા-કોલેજ, આંગણવાડી, બજાર કે પોલીસ સ્ટેશન, જ્યાં પણ લોકો કામ માટે જાય છે એવા તમામ સ્થળો પર એક જનચેતના મુહિમ ચલાવવામાં આવશે.
દેશમાં કોરોનાના 67 લાખથી વધુ કેસ
કોરોના (Corona virus) ના કેસમાં બુધવારે પાછો ઉછાળો જોવા મળ્યો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના (Corona) વાયરસના નવા 72,049 દર્દીઓ નોંધાયા. આ સાથે જ કુલ કેસનો આંકડો 67,57,132 પર પહોંચ્યો છે. જેમાંથી 9,07,883 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 57,44,694 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. દેશમાં એક જ દિવસમાં કોરોનાથી 986 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,04,555 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે