રાજસ્થાન HCએ સચિન પાયલટ અને સાથી ધારાસભ્યોને આપી મોટી રાહત

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં આજે હાઈકોર્ટે સચિન પાયલટ જૂથને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. 

રાજસ્થાન HCએ સચિન પાયલટ અને સાથી ધારાસભ્યોને આપી મોટી રાહત

જયપુર: રાજસ્થાન (Rajasthan) માં ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં આજે હાઈકોર્ટે સચિન પાયલટ જૂથને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. વિધાનસભા સ્પીકર દ્વારા અપાયેલી નોટિસ પર હાલ સ્ટે મૂક્યો છે. એટલે કે વિધાનસભા સ્પીકર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી શકશે નહીં. જો કે અન્ય મામલાઓને લઈને હજુ પણ હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે. આગળની સુનાવણીમાં આ મામલે કાયદા પર ચર્ચા કરવામાં આવશે. શુક્રવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પીકરના એક્શન પર સ્ટે મૂક્યો અને યથાસ્થિતિ જાળવવા જણાવ્યું. 

— ANI (@ANI) July 24, 2020

આ અગાઉ રાજસ્થાન હાઈકોર્ટે સચિન પાયલટ જૂથના ધારાસભ્ય પૃથ્વીરાજ મીણાની એ અરજીનો સ્વીકાર કર્યો હતો જેમાં તેમણે કેન્દ્રને પક્ષકાર બનાવવાની વાત કરી હતી. જેના પર રાજસ્થાન સ્પીકરે અરજી દાખલ કરીને કહ્યું હતું કે સચિન પાયલટ જૂથે કેન્દ્રને પક્ષકાર બનાવવાની જે અપીલ કરી છે તે ખોટી છે. આવા સંજોગોમાં આ અપીલને ફગાવવી જોઈએ. 

જેના જવાબમાં હાઈકોર્ટે કેન્દ્રને પક્ષકાર બનાવવાની અરજીને યોગ્ય ઠેરવી અને સુનાવણી શરૂ કરી હતી. વિધાનસભા અધ્યક્ષ તરફથી સચિન પાયલટ અને 18 અન્ય ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા સંબંધિત નોટિસને પડકારતી અરજી પર મુખ્ય ન્યાયાધીશ ઈન્દ્રજીત મહંતી અને ન્યાયમૂર્તિ પ્રકાશ ગુપ્તાની બેન્ચે ચુકાદો આપ્યો. હાઈકોર્ટ તરફથી આ મામલે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ અપાયો છે. આ અગાઉ અરજી પર કોર્ટે મંગળવારે 24 જુલાઈ સુધી ચુકાદો અનામત રાખ્યો હતો.

રાજસ્થાનના રાજકીય ઘમાસાણમાં 16 જુલાઈએ બળવાખોર બનેલા સચિન પાયલટ અને કોંગ્રેસના અન્ય બળવાખોર ધારાસભ્યોએ રાજસ્થાન હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં. તેમણે એક અરજી દાખલ કરીને સ્પીકર ડો. સીપી જોશીની અયોગ્યતા નોટિસને પડકારી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news