રાજ્યસભા ઉપસભાપતિ ચૂંટણી: PM મોદીનો એક ફોન, BJDએ છોડ્યો વિપક્ષનો સાથ

રાજ્યસભાના ઉપસભાપતિ માટે આજે થનારી ચૂંટણી માટે પોતાના પત્તા ખોલતા બીજુ જનતા દળના પ્રમુખ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે તેમની પાર્ટી એનડીએ ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહનું સમર્થન કરશે

રાજ્યસભા ઉપસભાપતિ ચૂંટણી: PM મોદીનો એક ફોન, BJDએ છોડ્યો વિપક્ષનો સાથ

નવી દિલ્હી: રાજ્યસભાના ઉપસભાપતિ માટે આજે થનારી ચૂંટણી માટે પોતાના પત્તા ખોલતા બીજુ જનતા દળના પ્રમુખ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે તેમની પાર્ટી એનડીએ ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહનું સમર્થન કરશે. મુંબઈથી પરત ફરીને પટનાયકે પત્રકારોને કહ્યું કે 'બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે મારી સાથે વાત કરી છે અને રાજ્યસભાના ઉપસભાપતિ પદની ચૂંટણીમાં અમે જેડીયુ ઉમેદવારનું સમર્થન કરીશું.'

પટનાયકે કહ્યું કે બીજેડી એટલા માટે જેડીયુનું સમર્થન કરશે કારણ કે બંને જયપ્રકાશ નારાયણ આંદોલનની ઉપજ છે. પરંતુ જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઓડિશાના પ્રભારી હતા ત્યારે તેમના નિવેદન હંમેશા બીજેડી માટે કટુતાપૂર્ણ રહેતા હતાં. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક નેતાઓ સાથે આ સંબંધે વાતચીત કરી છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બીજેડી અધ્યક્ષ નવીન પટનાયક સાથે વાતચીત કરીને રાજ્યસભાના ઉપસભાપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવારના પક્ષમાં બીજેડીનું સમર્થન માંગ્યુ હતું.

વાતચીત બાદ સૂત્રોએ કહ્યું કે પટનાયક મતદાનથી માત્ર એક કલાક પહેલા રાજ્યસભાના ઉપસભાપતિપદની ચૂંટણી પર બીજેડીના વલણની જાહેરાત કરી શકે છે. રાજ્યસભામાં બીજેડીના નેતા પ્રસન્ના આચાર્યે જણાવ્યું કે એનડીએના ઉમેદવાર સિંહ બુધવારે સંસદમાં બીજેડીના રાજ્યસભા સાંસદોને મળ્યાં અને તેમનું સમર્થન માંગ્યું હતું. 

જ્યારે આચાર્યને પૂછવામાં આવ્યું કે શું યુપીએ ઉમેદવાર બી કે હરિપ્રસાદે પણ બીજેડી સાંસદોની મુલાકાત કરી તો તેમણે જવાબમાં ના કહ્યું. આ અંગે સંપર્ક કરતા હરિપ્રસાદે કહ્યું કે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ અને અહેમદ પટેલે બીજેડી સાંસદોનું સમર્થન માંગતા પટનાયક સાથે વાત કરી હતી. રાજ્યસભામાં બીજેડીના 9 સભ્યો છે. 

NDAના ઉમેદવારને અડધા કરતા વધારે સભ્યોનું સમર્થન
રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે આજે થનારી ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર હરિવંશને ઉપલા ગૃહમાં સંખ્યા બળના આધારે અડધા કરતા વધુ સભ્યોનું સમર્થન મળવાની આશા જોતા વિપક્ષના ઉમેદવાર બી કે હરિપ્રસાદની સરખામણીમાં તેમનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. ઉપલા ગૃહમાં સભ્યોની હાલની સંખ્યા 244 છે. ભાજપના સૂત્રો મુજબ હરિવંશને તેમાંથી 126 સભ્યોનું સમર્થન મળવાની આશા છે. જ્યારે કોંગ્રેસના સૂત્રોએ હરિપ્રસાદને 111 સભ્યોનું સમર્થન મળવાની આશા વ્યક્ત કરી છે. 

ચૂંટણી મેનેજમેન્ટ સંલગ્ન ભાજપના રણનીતિકારોએ જણાવ્યું કે હરિવંશને 91 સભ્યો ઉપરાંત 3 નોમિનેટેડ સભ્યો અને અપક્ષ અમર સિંહનો મત મળવાનું નક્કી છે. આ ઉપરાંત તેમને એનડીએ સિવાયના પક્ષો અન્નામુદ્રકના 13, ટીઆરએસના 6, વાયએસઆર કોંગ્રેસના 2 અને ઈનેલોના એક સભ્યનું સમર્થન મળવાની આશા છે. 

બધુ મળીને હરિવંશના પક્ષમાં પડનારા મતોની સંખ્યા 117 સુધી પહોંચે છે. આ ઉપરાંત બીજેડીના 9 સભ્યોના મત પણ એનડીએ પોતાના ખાતામાં જોડીને ચાલી રહ્યો છે. જેના આધારે સંખ્યા 126 પહોંચે છે. બીજેડીના સૂત્રોએ હરિવંશ દ્વારા બુધવારે પાર્ટીના રાજ્યસભા સાંસદો સાથે સંસદભવનમાં મુલાકાત કરીને પોતાના પક્ષમાં સમર્થન માંગવાની જાણકારી આપતા કહ્યું કે હરિપ્રસાદ તરફથી હજુ સુધી તેમના સાંસદોનો સંપર્ક કરાયો નથી. સંસદીય કાર્ય રાજ્યમંત્રી વિજય ગોયલે જણાવ્યું કે અમારા પક્ષમાં સંખ્યા બળ જોતા હરિવંશજી સરળતાથી ચૂંટણી જીતશે. જો ઉપસભાપતિની પસંદગી સામાન્ય સહમતિથી થાત તો સારું થાત. 

સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે સામાન્ય સહમતિથી ઉમેદવારની પસંદગી માટે વિપક્ષના નેતા સાથે વિચારવિમર્શ કર્યું હતું પરંતુ કોઈ એક નામ પર સહમતિ બની શકી નહતી. બીજી બાજુ હરિપ્રસાદના પક્ષમાં યુપીએના સાથી પક્ષોમાં કોંગ્રેસના 61 સભ્યો ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસ અને સપાના 13-13 સભ્યો, ટીડીપીના 6, માકપાના 5, બસપા અને દ્રમુકના4-4 સભ્યો, ભાકપાના 2 અને જેડીએસના એક સભ્યનું સમર્થન મળવાની આશા છે. જેથી કરીને સંખ્યા 109 સુધી પહોંચે છે. 

આ બધા વચ્ચે દ્રમુક અધ્યક્ષ એમ કરુણાનિધિના નિધનના કારણે ઉપસભાપતિ પદ માટે થનારા મતદાનમાં દ્રમુક સભ્યોના સામેલ થવા પર શંકા છે. પીડીપીના બે સભ્યોએ મતદાનમાં ભાગ ન લેવાની જાહેરાત કરી દીધી છે. આ બાજુ આપના પણ 3 સભ્યો મતદાનમાં ભાગ લેશે નહીં. ઉલ્લેખનીય છે કે ઉપસભાપતિ પદ માટે આજે 11 વાગે ઉપલા ગૃહમાં મતદાન થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news