સંજય રાઉતના ઈન્દિરા ગાંધી પરના નિવેદનથી કોંગ્રેસ ભડકી, આખરે શિવસેના નેતાએ માંગવી પડી માફી

શિવસેના (Shivsena) ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે (Sanjay Raut)  અંડરવર્લ્ડના ડોન કરીમ લાલા (Karim Lala)  અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ની મુલાકાત અંગે નિવેદન આપતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે.

સંજય રાઉતના ઈન્દિરા ગાંધી પરના નિવેદનથી કોંગ્રેસ ભડકી, આખરે શિવસેના નેતાએ માંગવી પડી માફી

પુણે: શિવસેના (Shivsena) ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે (Sanjay Raut)  અંડરવર્લ્ડના ડોન કરીમ લાલા (Karim Lala)  અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ની મુલાકાત અંગે નિવેદન આપતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના નેતાઓએ પણ આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા હવે સંજય રાઉતે આખરે માફી માંગવી પડી. સંજય રાઉતે કહ્યું કે ઈન્દિરા ગાંધીનું અંડરવર્લ્ડ ડોન કરીમ લાલા સાથ મળવાની વાતથી અમારા મિત્ર કોંગ્રેસે દુ:ખી થવાની જરૂર નથી. જો કોઈને એમ લાગતુ હોય કે મારા નિવેદનથી ઈન્દિરા ગાંધીની છબીને ધક્કો લાગ્યો છે કે પછી કોઈની ભાવનાને ઠેસ પહોંચી છે તો હું મારું નિવેદન પાછું ખેચું છું. 

— ANI (@ANI) January 16, 2020

આ અગાઉ પણ સંજય રાઉતે પોતાના નિવેદન અંગે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેમણે આ વાતો ગાંધી પરિવારની છબી બગાડવા માટે નહતી કરી. તેમણે કહ્યું કે વિપક્ષમાં રહીને પણ મેં ઈન્દિરા ગાંધી, પંડિત નહેરુ, રાજીવ ગાંધી અને ગાંધી પરિવાર પ્રત્યે સન્માન જતાવ્યું છે. જ્યારે પણ લોકોએ ઈન્દિરા ગાંધી પર નિશાન સાધ્યું ત્યારે હું તેમના માટે ઊભો રહ્યો છું. અત્રે જણાવવાનું કે મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમ અને મિલિન્દ દેવડાએ રાઉતને નિવેદન પાછું ખેંચવાની માગણી કરી હતી.

સંજય રાઉતે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે નહેરુ અને ઈન્દિરા ગાંધી માટે હંમેશાથી મારા મનમાં સન્માન છે. તેમણે વધુમાં કહ્યું કે કરીમ લાલા સાથે અનેક નેતાઓ મુલાકાત કરતા હતાં. તેઓ પઠાણ સમુદાયના નેતા હતા, અફઘાનિસ્તાનથી આવ્યાં હતાં. આથી લોકો પઠાણ સમુદાયની સમસ્યાઓ જાણવા માટે તેમને મળતા હતાં. 

— Sanjay Raut (@rautsanjay61) January 16, 2020

અત્રે જણાવવાનું કે હાલ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર છે. આવામાં શિવસેનાના મોટા નેતા સંજય રાઉત તરફથી ઈન્દિરા ગાંધી જેવી હસ્તીનું અંડરવર્લ્ડના ડોન સાથેની મુલાકાતની વાત ઉજાગર કરવાથી કોંગ્રેસ પાર્ટી કાળઝાળ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપ રાઉતના નિવેદનને આધાર બનાવીને કોંગ્રેસ પર આક્રમક બની ગઈ છે. 

શું કહ્યું હતું સંજય રાઉતે? 
શિવસેના (Shivsena) ના વરિષ્ઠ નેતા સંજય રાઉતે (Sanjay Raut)  બુધવારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ને લઈને મોટો  ખુલાસો કર્યો હતો. પોતાના એક નિવેદનમાં તેમણે દાવો કર્યો છે કે ઈન્દિરા ગાંધી અંડરવર્લ્ડ ડોન કરીમ લાલા (Karim Lala) ને મળવા માટે મુંબઈ આવતા હતાં. રાઉતે મુંબઈમાં અંડરવર્લ્ડના સમય અંગેની વાત કરતા કહ્યું કે "એક સમય હતો જ્યારે દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ અને શરદ શેટ્ટી એ નક્કી કરતા હતાં કે મુંબઈમાં પોલીસ કમિશનર કોણ હશે અને સરકારના કયા મંત્રાલયમાં કોણ બેસશે? અમે અંડરવર્લ્ડનો એ સમય જોયો છે, પરંતુ હવે તેઓ અહીં ફક્ત ચિલ્લર છે." રાઉતે મુંબઈના તે સમયને યાદ કરતા કહ્યું કે "જ્યારે હાજી મસ્તાન મંત્રાલય આવતો હતો, ત્યારે મંત્રાલયના સમગ્ર કર્મચારીઓ તેને જોવા માટે નીચે આવતા હતાં."

જુઓ LIVE TV

સંજય રાઉતે પુણેમાં એક પુરસ્કાર સમારોહ દરમિયાન એક મીડિયાના સમૂહને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ઈન્દિરા ગાંધી પાઈધોની (દક્ષિણ મુંબઈમાં) કરીમ લાલાને મળવા માટે આવતા હતાં. શિવસેના સાંસદ રાઉતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ગેંગસ્ટર એજાઝ લાકડાવાલાએ મુંબઈ પોલીસની પૂછપરછમાં ડી કંપની અંગે મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ એજાઝ લાકડાવાલાએ જણાવ્યું છે કે દાઉદ ઈબ્રાહિમ હજુ પણ કરાચીમાં રહે છે. એજાઝ લાકડાવાલાએ પોલીસને દાઉદના કરાચીવાળા  ઘરનું એડ્રસ પણ આપ્યું છે. તેણે 6A, ખાયાબાન તંજીમ, ફેઝ-5, ડિફેન્સ હાઉસિંગ એરિયા, કરાચી અને D-13, બ્લોક-4, ક્લિફ્ટન, કરાંચી એમ પાકિસ્તાનના બે એડ્રસ આપ્યા છે. 

મુંબઈનો પહેલવહેલો માફિયા ડોન હતો કરીમ લાલા
હાજી મસ્તાનને ભલે મુંબઈ અંડરવર્લ્ડનો પહેલો ડોન કહેવામાં આવતો હતો પરંતુ સાચી રીતે જો કહીએ તો કરીમ લાલા જ મુંબઈનો પહેલો માફિયા ડોન હતો. કરીમ લાલાએ મુંબઈમાં 1960થી લઈને 1980 સુધી સમગ્ર મુંબઈમાં દારૂના અડ્ડા ચલાવ્યાં. દાણચોરી કરી. જ્યારે કરીમ લાલાનો મુંબઈમાં સિક્કો પડતો હતો ત્યારે હાજી મસ્તાન અને વરદારાજન મુદલિયાર પણ આ શહેરમાં સક્રિય હતાં. ત્રણેય લોકોએ મળીને વિસ્તારો વહેંચી લીધા હતાં જેથી કરીને લોહીયાળ જંગ ન થાય. 2002માં કરીમ લાલાનું મોત થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news