MamatavsCBI: સુપ્રીમ કોર્ટે CBI પાસે માંગ્યા પુરાવા, સુનાવણી આવતી કાલ પર ટળી

શારદા ચીટ ફંડ કૌભાંડ મામલે સીબીઆઈ દ્વારા કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછની કોશિશના વિરોધમાં ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રોષ સાથે કહ્યું છે કે તેઓ દેશ અને બંધારણને બચાવવા માટે સત્યાગ્રહ  ચાલુ રાખશે.

MamatavsCBI: સુપ્રીમ કોર્ટે CBI પાસે માંગ્યા પુરાવા, સુનાવણી આવતી કાલ પર ટળી

નવી દિલ્હી: સીબીઆઈએ મમતા બેનરજી અને રાજીવ કુમાર મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. આ અરજી પર સુનાવણી સુપ્રીમ કોર્ટે આવતી કાલ પર ટાળી છે. સીબીઆઈ  તરફથી એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની કોર્ટમાં દલીલ રજુ કરી. તુષાર મહેતાએ આ દરમિયાન કહ્યું કે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને ચાર વાર સમન જારી કરાયા હતાં. આ અંગે ડીજીપીને પણ જણાવવામાં આવ્યું હતું. રાજીવ કુમાર તરત સરન્ડર કરે જેથી કરીને પુરાવા નષ્ટ ન થઈ શકે. 

સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરી છે. એક કોર્ટની અવગણનાની અને બીજી કોર્ટ તરફથી નિર્દેશ મેળવવા માટેની. સુપ્રીમ કોર્ટે  કહ્યું કે આવતી કાલે આ મામલે ડીટેલમાં વિગતો સાંભળવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજીવ કુમારે જે પુરાવા નષ્ટ કર્યા છે, તેના પુરાવા સીબીઆઈ રજુ કરે. સુપ્રીમ કોર્ટમાં તુષાર મહેતાએ કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર પુરાવા નષ્ટ કરી નાખશે. આ મામલે સુપ્રીમ કોર્ટે  કહ્યું કે જો પશ્ચિમ બંગાળ સરકાર એવું કરશે તો તેમણે તે બદલ ભોગવવું પડશે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને કહ્યું કે પહેલા તમે પુરાવા તો આપો કે કોલકાતા પોલીસના ઓફિસર કયા દસ્તાવેજો નષ્ટ કરી રહ્યાં છે. 

— ANI (@ANI) February 4, 2019

સીબીઆઈએ રાજીવ કુમારની પૂછપરછની કોશિશ કરતા મમતા બેનરજી ભડક્યા, ધરણા પર બેઠા
અત્રે જણાવવાનું કે શારદા ચીટ ફંડ કૌભાંડ મામલે સીબીઆઈની ટીમ દ્વારા કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારને પૂછપરછની કોશિશ કરવામાં આવતા મોટો હોબાળો મચ્યો છે.  કોલકાતામાં રવિવારે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાઈ ગયો. સીબીઆઈની ટીમની અટકાયત થઈ અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી પોતે ધરણા પર બેસી ગયાં. 

શારદા ચીટ ફંડ કૌભાંડ મામલે સીબીઆઈ દ્વારા કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછની કોશિશના વિરોધમાં ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રોષ સાથે કહ્યું છે કે તેઓ દેશ અને બંધારણને બચાવવા માટે સત્યાગ્રહ  ચાલુ રાખશે. મમતા બેનરજીએ રવિવારે પણ કહ્યું હતું કે હું ખાતરી અપાવી શકું છું... હું મરવા માટે તૈયાર છું, પરંતુ મોદી સરકાર આગળ નમવા માટે તૈયાર નથી. અમે ઈમરજન્સી લાગુ નહીં થવા દઈએ. કૃપા કરીને ભારતને બચાવો, લોકતંત્ર બચાવો, બંધારણ બચાવો. આ બાજુ મમતા બેનરજીને અન્ય વિપક્ષી દળોનું પણ સમર્થન મળી રહ્યું છે. 

— ANI (@ANI) February 4, 2019

સીબીઆઈ જશે સુપ્રીમ
સીબીઆઈ પણ થોડીવારમાં જ મમતા સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે. આ બાજુ સીબીઆઈની કાર્યવાહી વિરુદ્ધ પશ્ચિમ બંગાળની મમતા સરકાર પણ સુપ્રીમમાં જશે. આ બાજુ ભાજપે મમતા બેનરજી પર પલટવાર કરતા કહ્યું કે મમતાએ સીબીઆઈને પુરાવા કેમ ન આપ્યાં. તેમણે સીબીઆઈને તપાસ કરતા કેમ રોકી. ભાજપનું એક ઉચ્ચસ્તરનું પ્રતિનિધિમંડળ આજે મમતા બેનરજીના ધરણા વિરુદ્ધ બપોરે 12.30 કલાકે ચૂંટણી પંચને મળશે. જેમને લઈને બબાલ મચી છે તે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર પણ હવે ધરણાસ્થળેથી જતા રહ્યાં છે. 

ધરણા LIVE: મમતા બેનરજીને મળ્યું વિપક્ષી દળોનું સમર્થન, થોડીવારમાં સુપ્રીમમાં અરજી આપશે CBI

અત્રે જણાવવાનું કે સીબીઆઈએ દાવો કર્યો છે કે પૌંજી કૌભાંડોમાં તેમની તપાસમાં પશ્ચિમ બંગાળ સરકાર અને રાજ્ય પોલીસ વિધ્નો નાખી રહી છે. આ બાજુ મુખ્યમંત્રી મમતા બેનરજી કેટલાક વરિષ્ઠ મંત્રીઓ અને પાર્ટીના સભ્યો સાથે કઈ પણ ખાધા પીધા વગર અસ્થાયી મંચ પર ધરણા પર બેસી રહ્યાં.  સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈનો પક્ષ તુષાર મહેતા રજુ કરશે. પશ્ચિમ બંગાળ સરકારનો પક્ષ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી રજુ કરશે. પશ્ચિમ બંગાળના સૂત્રોનું માનીએ તો મમતા બેનરજી આજે ફોનના માધ્યમથી વિધાનસભાને સંબોધિત કરશે. આ બાજુ બંગાળ પ્રશાસનના અધિકારીઓએ રાજ્યપાલને મળીને રાજ્યના હાલાત અંગે જાણકારી આપી. આ અગાઉ સીબીઆઈના અધિકારીઓએ પણ રાજ્યપાલને મળવાનો સમય માંગ્યો હતો. 

ખાધાપીધા વગર ધરણા પર બેસી રહ્યાં આખી રાત
સીબીઆઈ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના ધરણા આજે પણ ચાલુ જ છે. તેમણે કહ્યું કે આ ધરણા દેશ અને બંધારણને બચાવવા માટે ચાલુ રહેશે. મમતા બેનરજી આખી રાત જાગતા બેસી રહ્યાં. આ દરમિયાન તેમણે ભોજન કરવાની પણ ના પાડી દીધી. તેમની સાથે તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ જાગતા બેસી રહ્યાં. મમતા બેનરજીએ પોતાના ધરણાને સત્યાગ્રહ નામ આપ્યું. 

વિપક્ષના નેતા આવવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે-મમતા
મમતા બેનરજીએ કહ્યું કે આ એક સત્યાગ્રહ છે અને જ્યાં સુધી દેશ સુરક્ષિત ન થાય ત્યાં સુધી હું તેને ચાલુ રાખીશ. તેમણે કહ્યું કે તેમને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને ગુજરાતના ધારાસભ્ય તથા દલિત નેતા જિજ્ઞેશ મેવાણી સહિત અનેક નેતાઓના ફોન આવી રહ્યાં છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે કોઈ નેતા તેમને મળવા આવશે તો તેમણે કહ્યું કે મને આ અંગે કોઈ જાણકારી નથી  પરંતુ જો કોઈ આવવા માંગતા હશે તો અમે તેમનું સ્વાગત કરીશું. આ લડાઈ મારી પાર્ટીની નથી. મારી સરકાર માટે છે. આ દરમિયાન અનેક જિલ્લાઓમાંથી પાર્ટી સમર્થકો કોલકાતા પહોંચ્યા અને તેમણે મમતા બેનરજીના સમર્થનમાં નારા લગાવ્યાં. 

— ANI (@ANI) February 3, 2019

મમતાએ કેન્દ્ર પર સાધ્યું નિશાન
કોલકાતામાં ઉભા થયેલા સંકટ બાદ મમતા બેનરજીએ  પોલીસ કમિશનરના ઘરની બહાર આવીને મોદી સરકાર અને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે આ બધા પાછળ કેન્દ્ર સરકાર જવાબદાર છે. ત્યારબાદ મમતા ધરણા પર  બેસી ગયાં. આ મુદ્દે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનો પણ તેમને સાથ મળ્યો છે. કેજરીવાલ આજે તેમના સમર્થનમાં કોલકાતા જઈ શકે છે. આ બાજુ રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. તૃણમૂલ કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ છે. 

મમતા બેનરજીએ ભારપૂર્વક કહ્યું કે મોદી સરકારે બંધારણ અને સંઘીય માળખાની ભાવનાનું ગળું ઘોંટી દીધુ છે. આ બધા વચ્ચે કોંગ્રેસ સહિત અન્ય પક્ષો  પણ મમતાના સમર્થનમાં આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહને આડે હાથ લેતા આ અપમાનના વિરોધમાં સ્થાનિક મેટ્રો સિનેમા સામે મમતા ધરણા પર બેસી ગયા છે. 

આ અગાઉ પોલીસે કોલકાતામાં સીબીઆઈની ઓફિસ પર કબ્જો જમાવી લીધો હતો. જ્યારે આ હાઈપ્રોફાઈલ ડ્રામા ચાલી રહ્યો હતો ત્યારે જ મુખ્યમંત્રી મમતા બેનરજી પોલીસ કમિશનરને મળવા પહોંચી ગયાં. જ્યારે સીબીઆઈના અધિકારીઓ રાજીવકુમારની પૂછપરછ કરવા ગયા તો પોલીસકર્મીઓ સાથે  તેમને માથાકૂટ પણ  થઈ. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ સરકારે સૌથી પહેલા એવો નિર્ણય જાહેર કર્યો હતો કે સીબીઆઈ પશ્ચિમ બંગાળમાં તેમની પરવાનગી વગર કોઈ એક્શન લેશે નહી. હવે ભાજપ એવા સવાલ ઉઠાવી રહ્યો છે કે મમતા બેનરજી આખરે સીબીઆઈથી આટલા કેમ ડરે છે. 

— ANI (@ANI) February 3, 2019

મીડિયા રિપોર્ટ મુજબ પૂછપરછ માટે આવેલા અધિકારીઓના ડ્રાઈવરને સૌથી પહેલા હટાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ પોલીસે એક બાદ એક અન્ય અધિકારીઓને ઉઠાવીને પોલીસ સ્ટેશને મોકલી દીધા.

— ANI (@ANI) February 3, 2019

ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ લોકેટ ચેટરજીએ કહ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક શરૂ થઈ ગઈ છે. હવે તેમનું કાટઉન્ટ ડાઉન શરૂ  થઈ ગયું છે. આ બાજુ મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે રાજીવ કુમાર એક સારા અધિકારી છે અને તેમની પ્રામાણિકતા સવાલોથી ઉપર છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news