close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર જ શા માટે ઉતરશે ચંદ્રયાન-2? કારણ છે મોટું...

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો) દ્વારા સોમવારે બપોરે 2.43 કલાકે ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લોન્ચ કરી દેવાયું હતું. આ ચંદ્રયાન 48 દિવસની સફર પૂરી કર્યા પછી ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરાણ કરશે. ઈસરો તેની મદદથી ચંદ્રની સપાટી અને ત્યાંના વાતાવરણનો અભ્યાસ કરશે. એક હોલિવૂડની ફિલ્મના બજેટ કરતાં પણ અત્યંત ઓછી કિંમત લગભગ રૂ.978 કરોડના ખર્ચે ચંદ્રયાન-2 તૈયાર કરવામાં આવ્યું છે  

Yunus Saiyed - | Updated: Jul 22, 2019, 09:27 PM IST
ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર જ શા માટે ઉતરશે ચંદ્રયાન-2? કારણ છે મોટું...

નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો) દ્વારા સોમવારે બપોરે 2.43 કલાકે ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લોન્ચ કરી દેવાયું હતું. આ ચંદ્રયાન 48 દિવસની સફર પૂરી કર્યા પછી ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરાણ કરશે. ઈસરો તેની મદદથી ચંદ્રની સપાટી અને ત્યાંના વાતાવરણનો અભ્યાસ કરશે. ચંદ્રયાન-2 ભારતના એન્જિનિયરોની અભૂતપૂર્વ સફળતા છે. આ લોન્ચિંગ સાથે જ ચંદ્ર પર પહોંચનારા અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. આ સફળતા પર ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. 

દક્ષિણ ધ્રુવ પર કરશે ઉતરાણ
ભારતનું આ બીજું ચંદ્ર મિશન છે. ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ભારતનું યાન ચંદ્રના એ ભાગ પર ઉતરાણ કરશે જ્યાં અત્યાર સુધી નહિંવત સંશોધન થયું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ચંદ્રના આ દક્ષિણ ધ્રુવ પર સંશોધન કરવાથી એ જાણવા મળશે કે ચંદ્રની ઉત્પત્તિ અને તેની સંરચના કેવી રીતે થઈ. આ ક્ષેત્રમાં મોટા-મોટા ખાડા છે અને ઉત્તર ધ્રુવની સરખામણીએ અહીં ઘણું ઓછું સંશોધન થયું છે. 

દક્ષિણ ધ્રુવ શા માટે?
ચંદ્રના દક્ષિણ ધ્રુવના ભાગમાં સૌર વ્યવસ્થાના પ્રારંભિકત દિવસોમાં જીવાષ્મ હોવાની સંભાવના છે. ચંદ્રયાન-2 ચંદ્રની સપાટીનું પણ મેપિંગ કરશે. સાથે જ તેનું એક વિશેષ યાન ચંદ્રની સપાટી પર રહેલી માટીના નમુના એક્ઠા કરીને તેનું વિશ્લેષણ કરશે. ઈસરોના અનુસાર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણીનું અસ્તિત્વ હોવાની પણ ભરપૂર સંભાવના છે. 

ચંદ્રયાન-2: સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી સજ્જ

3.8 ટન વજનનું છે ચંદ્રયાન-2
ભારતના ચંદ્રયાન-2નું કુલ વજન 3.8 ટન (3,850 કિગ્રા) છે. આ ચંદ્રયાન-2માં એક ઓર્બિટર, એક લેન્ડર અને એક રોવર એમ ત્રણ વસ્તુઓ ભારત ચંદ્રની સપાટી પર મોકલી રહ્યું છે. જેમના નામ અનુક્રમ ચંદ્રયાન-2 ઓર્બિટર, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર છે. 22 જુલાઈના રોજ લોન્ચ થયેલું ચંદ્રયાન-2 48 દિવસની મુસાફરી પછી ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. તેની સાથે રહેલું વિક્રમ લેન્ડર 7 સપ્ટેમ્બર, 2019ના રોજ ચંદ્રની સપાટી પર સૌથી પહેલા ઉતરાણ કરશે.  

ચંદ્રયાન-2 : 48 દિવસની સફર પછી ચંદ્ર પર કરશે ઉતરાણ, જાણો સંપૂર્ણ ટેક્નિકલ વિગતો 

ચંદ્રયાન-2 ઓર્બિટર
ચંદ્રયાન-2 ઓર્બિટરનું વજન 2,379 કિગ્રામ છે. તેની સાઈઝ 3.2X 5.8 X 2.1 મીટર છે અને 1 વર્ષનો કાર્યકાળ ધરાવે છે. સમગ્ર ચંદ્રયાન-2 મિશનમાં આ ઓર્બિટરની જ મુખ્ય ભૂમિકા છે. તેના દ્વારા ચંદ્રની સપાટી પર ઉતરનારા વિક્રમ લેન્ડર અને ધરતી પર રહેલા ઈસરોના વૈજ્ઞાનિકો વચ્ચે સંપર્ક રહેશે. તે ચંદ્રની સપાટી પર રહેલા વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન દ્વારા એક્ઠી કરવામાં આવેલી માહિતીને ધરતી પર વૈજ્ઞાનિકોને મોકલશે. 

ચંદ્રયાન-2 ઓર્બીટર

તેમાં ચંદ્રયાનની ધરતીને માપતો કેમેરો, ચંદ્રયાન-2 લાર્જ એરિયા સોફ્ટ એક્સરે સ્પેક્ટ્રોમીટર, સોલર એક્સરે મોનિટર, ઈમેજિંગ આઈઆર સ્પેક્ટ્રોમીટર, ડ્યુઅલ ફ્રિક્વન્સી સિન્થેટિક એપાર્ચર રડાર, ચંદ્રના હવામાનનો અભ્યાસ કરતું યંત્ર, ઓર્બીટર હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને ડ્યુઅલ ફ્રિક્વન્સી રેડિયો સાયન્સ એક્સપેરિમેન્ટ જેવા ઉપકરણો ફીટ કરવામાં આવેલા છે. 

ચંદ્રયાન-2: હોલિવૂડ ફિલ્મ અવેન્જર્સ કરતાં પણ ઘણા ઓછા બજેટમાં પૂર્ણ થયું સમગ્ર મિશન...!

વિક્રમ લેન્ડર 
ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના સ્થાપક ડો. વિક્રમ એ. સારાભાઈના નામના પર બનેલા વિક્રમ લેન્ડરનું કુલ વજન 1,471 છે. તેનો કાર્યકાળ એક ચંદ્ર દિવસ (પૃથ્વીના 14 દિવસ)નો છે. તે ચંદ્રના બે વિશાળ ખાડા મેજિનસ સી અને સિમ્પેલિયસ એનની વચ્ચે ઉતરાણ કરશે. વિક્રમ લેન્ડર બેંગલુરુની નજીકમાં આવેલા બયાલાલુ ખાતે આવેલા ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક(IDSN) સાથે અને તેના ઓર્બીટર તથા પ્રગ્યાન રોવર સાથે પણ સંપર્કમાં રહેશે. વિક્રમ લેન્ડરમાં ચંદ્રની સપાટી પર આવતા ધરતીકંપનો અભ્યાસ કરતું યંત્ર, ચંદ્રની સપાટીનું થર્મો-ફિઝિકલ અભ્યાસ કરતું યંત્ર અને લેન્ગમ્યુઈર પ્રોબ હશે.

ચંદ્રયાન-2: વિક્રમ લેન્ડર

ચંદ્રયાન-2 લોન્ચિંગ : સાત દિવસથી ઘરે ગઈ ન હતી ઈસરોની ટીમ

6 ટાયરનું પ્રજ્ઞાન રોવર 
ચંદ્રયાન-2 સાથે ગયેલું રોવર 6 પૈડાં ધરાવતું રોબોટિક વ્હિકલ છે, જેને 'પ્રજ્ઞાન' નામ આપવામાં આવ્યું છે, પ્રજ્ઞાનનો સંસ્કૃત અર્થ 'જ્ઞાન' થાય છે. તે લેન્ડર સાથે સતત સંપર્કમાં રહેશે. તેનું વજન 27 કિગ્રામ છે. તે ચંદ્રની સપાટી પર 500મી. સુધી એક સેમી પ્રતિ સેકન્ડની ઝડપે ચાલશે. સૌર ઊર્જાની મદદથી તે પોતાનું કામ કરશે. પ્રજ્ઞાન પેલોડમાં આલ્ફા પાર્ટિકલ એક્સરે સ્પેક્ટ્રોમીટર અને લેસર-ઈન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોમીટર ફીટ કરેલા છે.

ચંદ્રયાન-2નું રોવર પ્રજ્ઞાન

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....