મિત્રએ કહ્યું, અહમદ પટેલ ક્રિકેટર બનવા ઈચ્છતા હતા, અનાયાસે રાજકારણમાં પ્રવેશ્યા
અહમદ પટેલના વડોદરાના ચાહક મિત્રએ સાચવ્યા છે તેમના 3000થી વધુ photos
હાર્દિક દિક્ષીત/વડોદરા :કોંગ્રેસના દિગ્ગજ નેતા તેમજ રાજનીતિના ચાણક્ય કહેવાતા અહમદ પટેલ (Ahmed Patel) નું કોરોનાની સારવાર દરમિયાન આજે નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાત તથા દિલ્હીના રાજકારણીઓ સહિત તેમના ચાહકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. વડોદરા શહેરમાં રહેતા પ્રવીણ સ્વામી અહમદ પટેલના ખૂબ જ અંગત મિત્ર હતા. પ્રવીણ સ્વામી પાસે અહમદ પટેલની કારકિર્દીના 3000 થી પણ વધુ ફોટોઝનું કલેક્શન છે.
ઝી 24 કલાક સાથે કરેલી ખાસ વાતચીત માં પ્રવીણ સ્વામી એ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી અહમદ પટેલના ખૂબ જ અંગત તેમજ વિશ્વાસુ મિત્ર બન્યા હતા. સ્થાનિક રાજકારણની પળેપળની માહિતી તેઓ અહેમદ પટેલ સુધી પહોંચાડતા હતા.
જૂની વાતો વાગોળતા પ્રવીણ સ્વામીએ જણાવ્યું હતું કે, અહમદ પટેલ ક્રિકેટના ખૂબ જ શોખીન હતા. તેમજ ભરૂચ ક્રિકેટ ટીમના તેઓ કેપ્ટન પણ રહી ચૂક્યા હતા. અસલમાં અહમદ પટેલ પોતે ક્રિકેટર બનવા માંગતા હતા. પરંતુ અનાયાસે તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા.
તેઓએ કહ્યું કે, અહમદ પટેલને પોતાની કામગીરીને સમાજ સુધી પહોંચાડવા માટે એક લાઈબ્રેરીની સ્થાપના કરવાની તીવ્ર ઈચ્છા હતી. પરંતુ તેમના આકસ્મિક અવસાન થવાના કારણે તેમની આ ઈચ્છા આ અધૂરી રહી ગઈ હતી.
Trending Photos