અમદાવાદની આ હોટલમાં રોકાયો હતો ગોરધન ઝડફિયાને મારવા આવેલો શાર્પશૂટર

મંગળવારની રાત્રે એટીએસની ટીમે હોટલને ચારેતરફથી ઘેરી લીધી હતી. જેના બાદ એટીએસએ પોતાનું ઓપરેશન શરૂ કર્યું હતું

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં મંગળવારની રાત્રે ગુજરાત એટીએસ (Gujarat ATS) એ મહત્વનું ઓપરેશન પાર પાડીને ભાજપના નેતા ગોરધન ઝડફિયા (gordhan zadafia) ને મારવામાં આવેલા શાર્પશૂટરને પકડી પાડ્યો હતો. સેન્ટ્રલ આઈબીએ ઈનપુટ આપ્યા હતા કે, છોટા શકીલ ભારતમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો છે. ત્યારે આઈબી દ્વારા પોતાના નેટવર્કને વધુ મજબૂત કરવામાં આવ્યું હતું. જેના આધારે ગુજરાત એટીએસને શાર્પશૂટર ગુજરાતમાં હોવાની બાતમી મળી હતી. બે શાર્પશૂટર અમદાવાદના રિલીફ રોડ વિસ્તારની વિનસ હોટલમાં રોકાયા હતા. તેઓ કોઈને ટાર્ગેટ બનાવે તે પહેલા જ ગુજરાત એટીએસના ઓફિસરોએ એકને દબોચી લીધો હતો, જ્યારે બીજો આરોપી ભાગી છૂટ્યો હતો. એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ ખુદ આ ઓપરેશનની કમાન્ડ પોતાના હાથમાં લીધી હતી. 

હોટલના 105 નંબરના રૂમમાં રોકાયો હતો

1/3
image

હોટલના સંચાલકે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, શાર્પ શૂટરે મહંમદ રફીકના નામથી હોટલમાં રૂમ લીધો હતો. તેણે પોતાનું આઈડી પ્રુફ આપીને એક દિવસ રોકવાનું કહ્યું હતું. સવારે તેની બેગ ચેક કરવામાં આવી હતી, પરંતુ તેમાં હથિયાર ન હતા. ત્યારે તે બહારથી હથિયાર લાવ્યો હોય તેવી શંકા છે. મહંમદ રફીક હોટલના રૂમ નંબર 105માં રોકાયો હતો. મહંમદ રફીકે માત્ર એક દિવસ માટે રૂમ જોઈએ છે તેવું કહ્યું હતું. સાથે જ તેના પરિવારમાં ઝઘડા ચાલતા હોવાથી તે અહી આવ્યો હતો તેવું જણાવ્યું હતું. પુરાવા બાદ હોટલના સંચાલક દ્વારા તેને અહી રોકાણ આપવામાં આવ્યું હતું. 

શાર્પશૂટર પાસેથી ઝડફિયાનો ફોટો મળ્યો

2/3
image

મંગળવારની રાત્રે એટીએસની ટીમે હોટલને ચારેતરફથી ઘેરી લીધી હતી. જેના બાદ એટીએસએ પોતાનું ઓપરેશન શરૂ કર્યું હતું. હોટલમાં સામસામા ફાયરિંગ થયા હતા. જેના પુરાવા પણ હોટલમાં હાલ જોવા મળી રહ્યાં છે. ગુજરાત એટીએસએ જે આરોપીને પકડ્યો છે, તે મુંબઈનો રહેવાસી છે. પોલીસની ટીમ રૂમમાં આવી જતા તેણે ફાયરિંગ કર્યું હતું. ત્યારે શાર્પ શૂટર પાસેથી ગોરધન ઝડફિયાનો ફોટો પણ મળી આવ્યો હોવાનું કહેવાય છે. 

ષડયંત્રને ઉકેલવામાં કેન્દ્રીય એજન્સીઓ પણ કામે લાગી

3/3
image

ગોરધન ઝડફિયા પર હુમલાના નિષ્ફળ કાવતરાના ઘટનામાં કેન્દ્રીય એજન્સીઓ પણ સતર્ક બની છે. કેન્દ્રીય એજન્સીઓ સ્થાનિક એજન્સી સાથે સંપર્ક કરી પ્રાથમિક વિગતો મેળવી રહી છે. પકડાયેલ શાર્પશૂટરના મોબાઈલની સાયન્ટિફિક તપાસ કરવામાં આવશે. FSL દ્વારા મોબાઈલમા અત્યારસુધી ઉપયોગમાં લેવાયેલા સીમની પણ તપાસ કરવામાં આવશે. તેમજ મોબાઈલમાંથી ડિલીટ કરવામાં આવેલા ડેટા મેળવવા પણ પ્રયાસ કરાશે. આરોપી અમદાવાદ કઈ રીતે આવ્યો, હોટલ પાસેના સીસીટીવી ફૂટેજ અને અમદાવાદના સંપર્કોની પણ તપાસ શરૂ કરાઈ છે. આ ઉપરાંત આરોપીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પણ વિગતો મેળવવા ચક્રો ગતિમાન કરાયા છે. સાયન્ટિફિક તપાસ માટે વિશેષ ટીમ કામે લાગી છે. Ats અને ક્રાઈમ બ્રાન્ચે પણ વિશેષ ટુકડી બનાવી તપાસ આદરી છે. ગુજરાત બહાર તપાસનો ધમધમાટ શરૂ થશે.