IPL 2020 Final: દુબઈમાં દિલ્હી મનાવશે દિવાળી કે મુંબઈ લગાવશે જીતનો 'પંચ'?

કોરોના વાયરસ મહામારીને કારણે એક સમય એવો પણ હતો, જ્યારે આ સીઝન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ના આયોજન પર ખતરાના વાદળો છવાયેલા હતા પરંતુ તેનું આયોજન સફળ રહ્યું. મુંબઈ અને દિલ્હી, બંન્ને ટીમોના લીગમાં પ્રદર્શન અને એકથી વધીને એક મેચ વિનર્સની હાજરીને જોતા આ મહામુકાબલો ખુબ રોમાંચક થવાની આશા છે.   

Updated By: Nov 10, 2020, 01:32 PM IST
IPL 2020 Final: દુબઈમાં દિલ્હી મનાવશે દિવાળી કે મુંબઈ લગાવશે જીતનો 'પંચ'?
ફોટો સાભાર ટ્વિટર (@IPL)

દુબઈઃ શેખો અને અમીરોના શહેરથી આજે એટલે કે મંગળવારે કોઈ એક માલામાલ થઈને પરત ફરશે. સતત 52 દિવસ કોઈ મુશ્કેલી વગર આયોજન થયા બાદ હવે તે દિવસ આવી ગયો છે જ્યારે દુબઈમાં તેની બાદશાહતની જંગ થશે. વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની પાસે પાંચમી વાર ટ્રોફી ઉઠાવવાની તક છે જ્યારે દિલ્હી કેપિટલ્સ પ્રથમ વખત ટાઇટલ જીતવા આતૂર હશે. 

કોરોના વાયરસ મહામારીને કારણે એક સમય એવો પણ હતો, જ્યારે આ સીઝન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ના આયોજન પર ખતરાના વાદળો છવાયેલા હતા પરંતુ તેનું આયોજન સફળ રહ્યું. મુંબઈ અને દિલ્હી, બંન્ને ટીમોના લીગમાં પ્રદર્શન અને એકથી વધીને એક મેચ વિનર્સની હાજરીને જોતા આ મહામુકાબલો ખુબ રોમાંચક થવાની આશા છે. 

ગતિનો હશે મુકાબલો
બંન્ને ટીમોની પાસે દુનિયાના ટોપ ક્લાસ તોફાની બોલર છે. ખાસ કરીને દિલ્હી માટે કગિસો રબાડા અને એનરિચ નોર્ત્જે સતત પોતાની ગતિથી વિપક્ષી બેટ્સમેનોને પરેશાન કરતા રહ્યા છે તો મુંબઈની પાસે પણ જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ છે જે સટીક લાઇન તથા લેન્થની સાથે મહત્વની તકે વિકેટ ઝડપે છે. આ સીઝનમાં વિકેટ ઝડપવાના મામલે આ ચારેયનો દબદબો રહ્યો છે. રબાડા 29 વિકેટ ઝડપી ટોપ પર છે તો બુમરાહ 27 વિકેટ ઝડપીને બીજા અને બોલ્ટ 22 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. નોર્ત્જે પણ 20 વિકેટ ઝડપી ચુક્યો છે. તેવામાં આ મેચમાં બંન્ને ટીમોનો દારોમદાર પોતાના તોફાની બોલરો પર હશે. 

IPL 2020 Final:  આઈપીએલના મહામુકાબલામાં મહારથી મુંબઈનો સામનો દિલેર દિલ્હી સામે  

ટોપ ઓર્ડર પર મોટી જવાબદારી
બંન્ને ટીમોની બેટિંગ પણ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક જેવી રહી છે. બંન્ને ટીમો આ સીઝનમાં યોગ્ય ઓપનિંગ જોડી ન શોધી શકી પરંતુ એકત્રિત પ્રયાસથી તે જીત હાસિલ કરવામાં સફળ થતી રહી. દિલ્હી માટે શિખર ધવને એકલા હાથે મોર્ચો સંભાળ્યો. કેપ્ટન અય્યર શરૂઆતી મેચોમાં મોટી ઈનિંગ રમ્યા બાદ તે લયથી ભટકી ગયો. બીજી તરફ મુંબઈ માટે ડિ કકો, ઈશાન કિશન અને સૂર્યકુમારની ત્રિપુટીમાંથી કોઈને કોઈએ દરેક મેચમાં ટીમને મજબૂતી આપી છે. ખાસ કરીને સૂર્યકુમારે મિડલ ઓર્ડરમાં ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી છે. 

આ હોઈ શકે છે ગેમ ચેન્જર
હાર્દિક પંડ્યાઃ
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આ સીઝનમાં બોલિંગ તો નથી કરી પરંતુ બોલરો માટે દુખદ સ્વપ્નથી ઓછો નથી.  અંતિમ ઓવરમાં તેની આક્રમક બેટિંગનું પરિણામ તે રહ્યું કે, મુંબઈની ટીમ મોટો સ્કોર બનાવવામાં સફળ થાય છે. તેણે 13 મેચોમાં 278 રન બનાવ્યા છે, જેમાં અણનમ 60 રન ટોપ સ્કોર છે. 

કાયરન પોલાર્ડઃ હાર્દિકની જેમ પોલાર્ડ પણ પોતાના અંદાજમાં ટીમ માટે આ સીઝનમાં તોફાની બેટિંગ કરવામાં સફળ રહ્યો. પોલાર્ડને બોલ જરૂર ઓછા રમવા મળતા હતા પરંતુ તે એટલા રન જરૂર બનાવી દેતો હતો કે ટીમ મેચમાં સુરક્ષિત થઈ જતી હતી. તક મળવા પર તેણે બોલથી પણ યોગદાન આપ્યું છે. પોલાર્ડે 15 મેચોમાં 259 રન બનાવ્યા છે. તેણે 4 મેચમાં ટીમની આગેવાની પણ કરી છે. 

શિખર ધવનઃ ઓપનર શિખરની શરૂઆત ધીમી રહી પરંતુ પછી એવી ગતિ પકડી કે ટીમને પાંખ મળી ગઈ. આ સીઝનમાં બે સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન શિખરને ઈનિંગનો પ્રારંભ કરતા ભલે બીજા છેડેથી સાથ ન મળ્યો પરંતુ તેણે પોતાના અનુભવથી જરૂર ટીમને મજબૂત કરી. તેણે 16 મેચોમાં 603 રન બનાવ્યા જેમાં 2 સદી સામેલ છે. 

માર્કસ સ્ટોયનિસઃ જો દિલ્હીની ટીમ આઈપીએલમાં પ્રથમવાર ફાઇનલમાં પહોંચી છે તો તેમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરનું મોટુ યોગદાન છે. જરૂર પડી તો બેટથી અને બાકી બોલથી, સ્ટોયનિસે મહત્વના સમયે ટીમ માટે પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને અંતિમ ઓવરોમાં. તેણે 16 મેચોમાં 352 રન બનાવ્યા અને 12 વિકેટ ઝડપી છે. 

હેડ ટૂ હેડ
મુંબઈ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધી કુલ 27 મેચ રમાઈ છે જેમાં મુંબઈએ 15 અને દિલ્હીએ 12 મેચ જીતી છે. દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની વાત કરીએ તો આ મેદાનમાં 13મી સીઝનમાં 23 મેચ યોજાઇ જેમાં કુલ 8377 રન બનાવ્યા. આ મેદાન પર કુલ 309 સિક્સ અને 683 ચોગ્ગા લાગ્યા. 

સંભવિત પ્લેઇંગ ઇલેવન
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડિ કોક, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, નાથન કુલ્ટર નાઇલ, રાહુલ ચાહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ. 

દિલ્હી કેપિટલ્સઃ શિખર ધવન, માર્કસ સ્ટોયનિસ, અંજ્કિય રહાણે, શ્રેયસ અય્યર, રિષભ પંત, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, આર. અશ્વિન, પ્રવિણ દુબે, કગિસો રબાડા, એનરિચ નોર્ત્જે.

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર