KXIPvsDC: પંજાબની સતત ત્રીજી જીત, દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે પરાજય આપ્યો


કિંગ્સ ઇલેવન પંજાબે પ્લેઓફની આશા જીવંત રાખતા દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં ચોથી જીત મેળવી છે. 

KXIPvsDC: પંજાબની સતત ત્રીજી જીત, દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે પરાજય આપ્યો

દુબઈઃ કિંગ્સ ઇલેવન પંજાબે શાનદાર પ્રદર્શન કરી સતત ત્રીજી જીત મેળવી છે. અહીં રમાયેલી આઈપીએલની 38મી મેચમાં પંજાબે પોઈન્ટ ટેબલની નંબર-1 ટીમ દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશા હજુ જીવંત છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 164 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 19 ઓવરમાં 5 વિકેટે 167 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી છે. આ જીતની સાથે પંજાબ પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગયું છે. તો દિલ્હી કેપિટલ્સની ટૂર્નામેન્ટમાં આ ત્રીજી હાર છે. તે 14 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર છે. 

પંજાબની ઓપનિંગ જોડી ફ્લોપ
આ સીઝનમાં ધમાકેદાર પ્રદર્શન કરનારી પંજાબની ઓપનિંગ જોડી કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ આજની મેચમાં નિષ્ફળ રહ્યા હતા. કેએલ રાહુલ (15) રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. રાહુલે 11 બોલમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. મયંક અગ્રવાલ 5 રન બનાવી રનઆઉટ થયો હતો. ક્રિસ ગેલે 13 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 29 રન બનાવ્યા હતા. તેને અશ્વિને બોલ્ડ કર્યો હતો. પંજાબે 56 બોલમાં 3 વિકેટ ગુમાવી હતી. 

પૂરન-મેક્સવેલ વચ્ચે 71 રનની ભાગીદારી
ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ગ્લેન મેક્સવેલ અને નિકોલસ પૂરને ઈનિંગને સંભાળી હતી. બંન્નેએ ચોથી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. નિકોલસ પૂરન 28 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 53 રન બનાવી આઉટ થયો હતો. મેક્સવેલ 24 બોલમાં 3 ચોગ્ગા સાથે 32 રન બનાવી આઉટ થયો હતો. આ બંન્ને બેટ્સમેનને રબાડાએ આઉટ કર્યા હતા. 

નીશમ 8 બોલમાં 10 રન અને દીપક હુડ્ડા 22 બોલમાં 15 રન બનાવી અણનમ રહ્યો હતો. દિલ્હી તરફથી કગિસો રબાડાએ બે, અશ્વિન અને અક્ષર પટેલે એક-એક વિકેટ ઝડપી હતી. 

શિખર ધવને બનાવ્યો નવો રેકોર્ડ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને ઈનિંગની ચોથી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. પૃથ્વી શો (7)ને નીશમે આઉટ કર્યો હતો. શિખર ધવને ફરી દમદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. ધવન સતત બે મેચમાં સદી ફટકારનાર આઈપીએલમાં પ્રથમ બેટ્સમેન બની ગયો છે. શિખર ધવને 61 બોલમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 106 રન બનાવ્યા હતા. ચેન્નઈ સામે આ પહેલાની મેચમાં ધવને અણનમ 101 રન બનાવ્યા હતા. 

આઈપીએલમાં પૂરા કર્યા 5 હજાર રન
શિખર ધવને સદી ફટકારવાની સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 5 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી છે. તે 5 હજાર રન પૂરા કરનાર ચોથો ભારતીય અને ઓવરઓલ પાંચમો ખેલાડી બની ગયો છે. આ પહેલા આઈપીએલમાં વિરાટ કોહલી, સુરેશ રૈના, રોહિત શર્મા અને ડેવિડ વોર્નર પાંચ હજાર રન ફટકારી ચુક્યા છે. 

દિલ્હીના અન્ય બેટ્સમેન મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ
શિખર ધવન સિવાય દિલ્હીના અન્ય બેટ્સમેન મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યાં હતા. કેપ્ટન શ્રેયસ અય્યર માત્ર 14 રન બનાવી મુરૂગન અશ્વિનનો શિકાર બન્યો હતો. રિષભ પંત (14)ને મેક્સવેલે આઉટ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. માર્કસ સ્ટોયનિસ માત્ર 10 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. શિમરોન હેટમાયર 10 રન બનાવી આઉટ થયો હતો. 

કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 28 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય ગ્લેન મેક્સવેલ, જિમી નીશમ અને મુરૂગન અશ્વિનને એક-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news