World Cup 2019: ભારતે બનાવ્યો સૌથી વધુ ખેલાડી રમાડવાનો રેકોર્ડ, છતાં રહી ગયું પાછળ....
ભારતીય ટીમ શ્રીલંકા સામેની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર સાથે રમવા ઉતરી હતી, તેની સાથે જ તેણે વર્લ્ડ કપ 2019માં એક નવો રેકોર્ડ પણ બનાવી લીધો છે
Trending Photos
નવી દિલ્હીઃ ભારતે ICC World Cup 2019માં શનિવારે મેદાન પર ઉતરવાની સાથે જ એક નવો રેકોર્ડ બનાવી લીધો હતો. ભારતીય ટીમ શ્રીલંકા સામેની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર સાથે રમવા ઉતરી હતી. ભારતે યુજવેન્દ્ર ચહલના સ્થાને કુલદીપ યાદવ અને મોહમ્મદ શમીના સ્થાને રવિન્દ્ર જાડેજાને ટીમમાં લીધો હતો. રવિન્દ્ર જાડેજાએ આ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમી હતી. ભારતે વર્લ્ડ કપમાં જે નવો રેકોર્ડ બનાવ્યો છે, તેમાં જાડેજાનું ટીમમાં સામેલ થવું જ મુખ્ય કારણ છે.
ભારતે વર્તમાન વર્લ્ડ કપમાં આ મેચથી પહેલાં 15 ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા હતા. રવિન્દ્ર જાડેજા ભારતનો 16મો ખેલાડી બન્યો છે, જે આ વર્લ્ડ કપમાં રમ્યો છે. જાડેજાએ આ તકનો પુરો ફાયદો લીધો હતો અને તેણે 10 ઓવરમાં માત્ર 40 રન આપીને એક વિકેટ પણ લીધી હતી.
વર્લ્ડ કપના 44 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે, જ્યારે ભારતે આ ટૂર્નામેન્ટમાં કુલ 16 ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા છે. આ અગાઉ ભારતે 2011ના વર્લ્ડ કપમાં તમામ 15 ખેલાડીઓને રમવાની તક આપી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપની એક ટીમમાં મહત્તમ 15 ખેલાડી જ રમી શકે છે. ભારતના બે ખેલાડી શિખર ધવન અને વિજય શંકર આ ટૂર્નામેન્ટમાં ઘાયલ થવાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયા છે. આ બંનેના સ્થાને ક્રમશઃ ઋષભ પંત અને મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરાયા છે. મયંક અગ્રવાલ થોડા દિવસ પહેલા જ ઈંગ્લેન્ડ પહોંચ્યો છે અને તેને હજુ વર્લ્ડ કપમાં રમવાની તક મળી નથી.
વર્લ્ડ કપ 2019માં કઈ ટીમના કેટલા ખેલાડી રમ્યા જૂઓ ટેબલમાં...
દેશ | ખેલાડી |
અફઘાનિસ્તાન | 17 |
ભારત | 16 |
વેસ્ટઈન્ડીઝ | 16 |
શ્રીલંકા | 16 |
ઓસ્ટ્રેલિયા | 15 |
દે.આફ્રિકા | 15 |
બાંગ્લાદેશ | 14 |
ન્યૂઝીલેન્ડ | 14 |
પાકિસ્તાન | 14 |
ઈંગ્લેન્ડ | 13 |
વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી વધુ ખેલાડીઓને રમવાની તક અફઘાનિસ્તાને આપી છે. તેના તરફથી કુલ 17 ખેલાડી વર્લ્ડ કપની મેચો રમવા માટે મેદાનમાં ઉતર્યા છે. ભારત, વેસ્ટ ઈન્ડીઝ અને શ્રીલંકાની ટીમ ખેલાડીઓની બાબતે બીજા સ્થાને રહી અને ત્રણેય ટીમે 16-16 ખેલાડીને રમવાની તક આપી છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના 15-15 ખેલાડી વર્લ્ડ કપમાં રમ્યા છે. ઈંગ્લેન્ડે સૌથી ઓછા ખેલાડીને તક આપી છે અને તેના માત્ર 13 ખેલાડી જ આ વર્લ્ડ કપમાં હજુ સુધી રમ્યા છે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે