અમદાવાદીઓને અમિત શાહની 800 કરોડની દિવાળી ભેટ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. બીજા દિવસે અમદાવાદના સાઉથ બોપલ ખાતે અમિત શાહની સભાનું આયોજન કરવામાં આવ્યું. જ્યાંથી અમિત શાહે અમદાવાદમાં AMC અને ઔડા વિસ્તારમાં 800 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હત કર્યું હતું.
Trending Photos
અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. બીજા દિવસે અમદાવાદના સાઉથ બોપલ ખાતે અમિત શાહની સભાનું આયોજન કરવામાં આવ્યું. જ્યાંથી અમિત શાહે અમદાવાદમાં AMC અને ઔડા વિસ્તારમાં 800 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હત કર્યું હતું.
અમદાવાદીઓને મળી કઈ કઈ ભેટ
- પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફેઝ 5 ના 4 હજાર 439 આવસોના ડ્રો કરવામાં આવ્યા હતા.
- અંજલિ ચાર રસ્તા પરના ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું.
- ચિલ્ડ્રન પાર્કનું લોકાર્પણ કર્યું
- ચાંદલોડિયા વોર્ડમાં ઓફિસનું લોકાર્પણ, મલ્ટી લેવલ પાર્કિંગનું ખાતમુર્હુત
- દક્ષિણ પશ્ચિમ ઝોનની ઝોનલ ઓફિસનું ખાતમુહુર્ત
- જોધપુર, ગોતા, થલતેજ, સરખેજ વોર્ડમાં સ્વિમિંગ પુલ, જીમનેશિયમ અને ટેનિસ કોર્ટનું ખાતમુર્હુત
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ, મેયર સહિત ભાજપના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનની શરૂઆતમાં ગૃહમંત્રી અમિત શાહે સૌને દિવાળીના તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી. અમિત શાહના હસ્તે રિમોટ કન્ટ્રોલ દ્વારા ઇલેક્ટ્રોનિક તકતી પર વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, તમામને દિવાળીની શુભેચ્છાઓ આપું છું. તમામને ત્યાં સુખ સમૃદ્ધિ રહે એવી શુભકામનાઓ... સૌને રહેવા માટે ઘર મળે એવી વડાપ્રધાનની ઇચ્છા છે. તમામને પાયાની સુવિધાઓ મળે એવું મોદીજીનું સ્વપ્ન છે. અને આજે 4500 ઘરનો ડ્રો એ એનું પરિણામ છે. 2024 સુધીમાં દરેક ઘરે પાઇપલાઇન દ્વારા પીવાનું શુદ્ધ પાણી આપવાનું સ્વપ્ન છે. દેશની આઝાદીના 70 વર્ષ સુધી અગાઉની સરકારો આ અંગે કોઈ કામ કર્યું ન હતું. વિપક્ષ જ્યારે સરકારની ટીકા કરે છે, ત્યારે હું તેમનો સ્વીકાર કરું છું. પણ 55 વર્ષ થી એક જ પરિવાર શાસનમાં હતો, એમને કેમ આ કામ ન કર્યા ?? ફક્ત બોપલ જ નહીં, ઘુમા ગામને પણ પાણીની સુવિધા મળશે. વિશ્વને નોંધ લેવી પડે એવા કામ મોદીજીએ કર્યા છે. દેશભરમાં મેટ્રો પ્રોજેક્ટના કામ ચાલી રહ્યા છે. મોદીજી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી શહેરી વિકાસને વેગ આપવામાં આવ્યો છે. ચાંદીની ચમચી લઈને જન્મનારાને ગરીબોની મુશ્કેલીઓ અંગે સમજ ન હોય એ સ્વાભાવિક છે.
તેમણે કહ્યું કે, વિશ્વમાં મોદીજીની વાહવાહી કોંગ્રેસને પચતી નથી. આ વાહવાહી મોદજીની નહિ, પણ દેશના 135 કરોડ લોકોની થઈ રહી છે. મૌની બાબા મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા ત્યારે પાકિસ્તાનથી ગમે ત્યારે આતંકવાદી ઘૂસી જતા હતા. મોદીજીએ દેશની સૈન્યને કોઈપણ કાર્યવાહી કરવા છુટ્ટો દોર આપેલો છે. હાલમાં મોસાળમાં જમણ હોય અને પીરસનારી મા હોય એવો માહોલ રાજ્ય અને કેન્દ્રમાં છે. સરદાર પટેલ ને 70 વર્ષથી થતો અન્યાય સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા દૂર થયું છે. સરદારનું છેલ્લું સ્વપ્ન હતું એ કાશ્મીર પણ દેશમાં લાવી દીધુ છે. કાશ્મીરમાં હાલમાં સંપૂર્ણ શાંતિ છે. એકપણ ગોળી નથી ચલાવવી પડી. સાંસદ તરીકે એટલી ખાતરી આપું છું, કે 5 વર્ષ પછી ફરી આવીશ ત્યાં સુધીમાં મારા મતવિસ્તારને અલગ બનાવીશ.
બાળકો માટે ખાસ ફાઉન્ટેન બનાવાયો
અમદાવાદમાં અમિત શાહે આજે જે કામોનું લોકાર્પણ કર્યું તેમાં ચિલ્ડ્રન પાર્કમા બનાવાયેલો ફાઉન્ટેન પણ સામેલ છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રૂ.7.50 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ચિલ્ડ્રન પાર્કમાં 327 ચોરસમીટર જગ્યામાં લાઇટ સાથેનો ફાઉન્ટેન તૈયાર કરાયો છે. આ ઉપરાંત અહીં ગઝેબો તથા સીટિંગ એરેન્જમેન્ટ પણ ગોઠવવામાં આવી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે