જામનગરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા સીએમે યોજી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

જામનગરમાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઈને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ સહિત અનેક લોકોએ બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. 

Updated By: Aug 8, 2020, 08:28 PM IST
 જામનગરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા સીએમે યોજી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

જામનગરઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ જામનગર જિલ્લાની કોરોના સંબંધિત સ્થિતિથી માહિતગાર થયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કલેકટર કચેરીના સભાખંડમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્ર સહિત તમામ સરકારી વિભાગોના પદાધિકારીઓ તથા જામનગર જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો સાથે તબક્કાવાર બેઠક યોજી હતી અને કોરોના અંગેની તમામ બાબતોની વિશદ છણાવટ કરી હતી. 

મુખ્યમંત્રીએ રાજયના નાગરિકોને હૈયાધારણા આપતા કહ્યું હતું કે, છેલ્લા પાંચેક માસથી રાજય સરકારનું સમગ્ર ધ્યાન કોરોનાને કાબુમાં રાખવા પર કેન્દ્રિત થયેલું છે અને આ માટે જિલ્લા વહિવટીતંત્રના સંકલનમાં રહીને આરોગ્ય વિભાગ દ્વારા રોગ અટકાયત અંગેની મહત્તમ કાર્યવાહી કરાઇ રહી છે. 
    
કોરોના અંગેની કોઇ પણ પ્રકારની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા અંગે રાજય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરતાં મુખ્યમંત્રી રૂપાણીએ તમામ ગંભીર પરિસ્થિતિને સુલઝાવવા માટે રાજ્ય સરકાર સક્ષમ હોવાની ખાત્રી ઉચ્ચારી હતી. 
    
કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મુખ્યમંત્રીએ લોકોના સહકારની અને જનજાગૃતિની કામના સેવી હતી અને આ માટે રાજય સરકાર તમામ શક્ય પ્રયત્નો કરી છુટશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. 

Gujarat Corona Update: નવા કેસ 1101, 1135 સાજા થયા, 23 લોકોનાં મોત નિપજ્યાં
    
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોરોના ટેસ્ટની WHOની ગાઇડલાઇન કરતાં વધુ ટેસ્ટ ગુજરાતમાં થાય છે અને ઉમેર્યું હતું કે, અત્યારે રોજના ૨૬૦૦૦ કોરોનાના ટેસ્ટ રાજયમાં થાય છે તે વધારીને ૩૦૦૦૦ કેસ પ્રતિદિન કરવાની રાજય સરકારની નેમ છે.
    
મુખ્યમંત્રીએ જામનગર જિલ્લાની કોરોના સંબંધિત પરિસ્થિતિમાં જિલ્લા વહિવટી તંત્રની ભૂમિકા બાબતે સંતોષ વ્યકત કર્યો હતો. જામનગર જિલ્લામાં રોજના ૧૨૦૦ ટેસ્ટ કરવા, ધનવંતરી રથની સંખ્યા વધારવા તથા ટોસિલીઝુમેબ ઇન્જેકશનનો જથ્થો વધારવા સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીએ સ્થળ પર જ સુચના આપી હતી અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાના આદેશો આપ્યા હતા. 
    
મુખ્યમંત્રીએ રાજયના મુખ્ય શહેરોની કોરોના સંબંધિત સ્થિતિનો તુલનાત્મક અહેવાલ રજુ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ખાનગી હોસ્પિટલ્સને કોવિડ હોસ્પિટલ્સમાં રૂપાંતરિત કરવાની અને ધનવંતરી રથના ભ્રમણ થકી કોરોના અટકાયતની કામગીરીની સુપ્રિમ કોર્ટે પણ સરાહના કરી છે. રાજયનો રિકવરી રેટ ૭૫%, મૃત્યુદર ૩.૫ ટકા અને પોઝીટીવીટી ૮ ટકા છે જેમાં પણ સમયાંતરે સુધારો કરવા રાજય સરકાર કટિબધ્ધ છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. 

મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમદાવાદની હોસ્પિટલમાં થયેલ દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્યભરની તમામ હોસ્પિટલમાં ફાયર સેફટીના નિયમોનું સંપૂર્ણ પાલન કરવા, જરૂરી ઇલેક્ટ્રિફિકેશન તાકીદે પૂર્ણ કરાવવા તથા કોવિડ હોસ્પિટલમાં તમામ સરકારી નિયમોનું પાલન કરવા તમામ જિલ્લાના કલેકટરો તથા મ્યુનિસિપલ કમિશનરોને સૂચના આપી દેવામાં આવી છે. આંતર જિલ્લા સરહદો પર કડક તબીબી પરીક્ષણ કરાવવા અને જરૂર જણાયે સ્થળ પર જ કોરોના સંબંધિત તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીએ જરૂરી સૂચનાઓ આપી દીધી હોવાનું ઉમેર્યું હતું.

અમદાવાદ શહેરમાં આજે 139 કેસ, 5 મૃત્યુ, 17 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર ઉમેરાયા  
      
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથેની આ સમીક્ષા બેઠકમાં  કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી  ધર્મેન્દ્રસિંહ જાડેજા,  સાંસદ  પૂનમબેન માડમ, ધારાસભ્ય  રાઘવજીભાઇ પટેલ, મેયર  હસમુખભાઇ જેઠવા, ડેપ્યુટી મેયર  કરશનભાઇ કરમુર,  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  સુભાષ જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ  ચંદ્રેશભાઇ પટેલ, શહેર ભાજપ  પ્રમુખ હસમુખભાઇ હિન્ડોચા ઉપસ્થિત રહ્યા હતા.

 રાજ્યના મુખ્ય સચિવ  અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ પણ આ  મુલાકાતમાં જોડાયા હતા. 
આ બેઠકમાં જામનગર જિલ્લા માટે કોરોના સારવાર, સંક્રમણ નિયંત્રણ અને માર્ગદર્શન માટે નિમાયેલ અધિક મુખ્ય સચિવ (પંચાયત) એ.કે.રાકેશ, જિલ્લા કલેકટર  રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube