'મુખ્યમંત્રી સાથે મોકળા મને' કાર્યક્રમમાં વિજય રૂપાણીએ કર્યો પ્રજા સાથે સીધો સંવાદ

આજે મુખ્યમંત્રીએ રાજ્યમાં ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે સીધી વાત કરીને પોતાના નવા કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. હવે દર મહિને આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી રાજ્યના અલગ-અલગ વિષય પર અને જુદા-જુદા સમુદાયો સાથે મોકળા મને વાતચીત કરશે. 

'મુખ્યમંત્રી સાથે મોકળા મને' કાર્યક્રમમાં વિજય રૂપાણીએ કર્યો પ્રજા સાથે સીધો સંવાદ

હીતલ પારેખ/ ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે 'મુખ્યમંત્રી સાથે મોકળા મને' કાર્યક્રમમાં પ્રજા સાથે સીધો સંવાદ કર્યો હતો. રાજ્યમાં ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે સીધી વાત કરીને પોતાના નવા કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. હવે દર મહિને આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી રાજ્યના અલગ-અલગ વિષય પર અને જુદા-જુદા સમુદાયો સાથે મોકળા મને વાતચીત કરશે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ગાંધીનગર-અમદાવાદ સહિત આઠ મહાનગરપાલિકાઓની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના પ્રતિનિધિ સાથે મોકળા મને વાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોને વાંચતા આવડતું નથી, ખુલ્લામાં શૌચાલયમાં જવું પડે છે, જેવા અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં આવેલા 80 ઝુંપડામાં લાઇટ-પાણીની સુવિધા ન હોવાનો પ્રશ્ન પણ પુછાયો હતો. 

અમદાવાદની મહિલાઓએ કરી દારૂના દુષણની ફરિયાદ
અમદાવાદથી આવેલી મહિલાઓએ શહેરમાં ખુલ્લેઆમ દારૂ મળતો હોવાની ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું કે, તેમના ઘરની આજુ-બાજુમાં જ ખુલ્લેઆમ દારૂ મળતો હોવાને કારણે તેમની તમામ કમાણી દારૂમાં જ જતી રહે છે. શહેરમાં દારૂ મળતો બંધ થાય તેવી મહિલાઓએ મુખ્યમંત્રીને વિનંતી કરી હતી. 

મહિલાઓના સવાલના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, "લોકો દારૂ પીતા બંધ થાય તેના માટે જ કડક કાયદો બનાવાયો છે. દારૂને સામાજિક પ્રશ્ન ગણીને વ્યસન છોડવું પડે. આખા ભારતમાં એકમાત્ર ગુજરાતમાં દારૂબંધી છે. નવી પેઢી દારૂના લતે લાગે નહીં તો જ આ બધું કડક કરી શકાશે અને તો જ સુધારો થઇ શકશે."

મુખ્યમંત્રી રૂપાણીએ દારૂબંધીના અમલ માટે કડક પગલાં લેવાની મહિલાઓને ખાતરી આપતા જણાવ્યું કે, "જ્યાં સુધી વ્યક્તિ વ્યસન નહીં છોડે ત્યાં સુધી આમાં કંઈ શક્ય નથી. કુટુંબને બરબાદ થતું બચાવવા માટે દારૂ જેવા વ્યસનો, તમાકુ પણ છોડાવું પડશે. મહિલાઓએ આગળ આવવું પડશે. ઘણી મહિલાઓએ દારૂના અડ્ડા ઉપર જઇને ધમાલ કરી છે. ઘરમાં પુરુષો દારૂ પિતા હોય એટલે ઘરમાં પૈસો બચે નહીં. પોલીસને કડક પણ કરીશું, પરંતુ લત નહીં છુટે ત્યાં સુધી કંઈ નહીં થાય."

આ સાથે જ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં ઝુપટ્ટી કે કાચા મકાનો હશે ત્યાં નળથી પાણી આપવામાં આવશે. ઝુંપડાવાસીઓ પાકા મકાનમાં રહેતા થાય એવી રાજ્ય સરકાર કામગીરી કરશે. રાજ્યમાંથી ઝુંપડા સંપૂર્ણ નાબૂદ થાય અને રાજ્ય 'ઝીરો સ્લમ' બને એવી પણ તેમણે નેમ વ્યક્ત કરી હતી. આ સાથે જ મુખ્યમંત્રીએ કોઈ પણ સંજોગોમાં સ્ત્રી ભૃણ હત્યા બંધ થવા પર ભાર મુક્યો હતો. 

જૂઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news