કોરોના મહામારી વચ્ચે રાજકોટ પોલીસે વધુ બે મુન્નાભાઈ MBBSને ઝડપ્યા
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજકોટ પોલીસે વધુ બે બોગસ તબીબને ઝડપી પાડ્યા છે. રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા મનોજ જોટંગિયાને બાતમીના આધારે SOG પોલીસે ઝડપી પડ્યો છે. જ્યારે રેલનગર વિસ્તારમાંથી શૈલેષ સૂચક નામના બોગસ તબીબને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રેડ કરી આરોપી બોગસ તબીબની ધરપકડ કરી દવા તેમજ બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ SOG પોલીસે બાતમીનાં આધારે રેડ કરી બોગસ તબીબને ઝડપી પડ્યો છે. એક તરફ કોરોના વાયરસની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે, બીજી તરફ રાજકોટ SOG પોલીસે ગંજીવાડા શેરી નંબર 77 માંથી બોગસ તબીબની ધરપકડ કરી છે. પોલીસને હકીકત બાતમી મળી હતી, જેના આધારે મહાનગર પાલિકાની હેલ્થ વિભાગને સાથે રાખી ગંજીવાડા શેરી નંબર 77માં દવાખાનામાં તપાસ કરતા મનોજ નામનો વ્યક્તિ, કે જેની પાસે કોઈ પણ જાતની તબીબી ડિગ્રી ન હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ પોલીસે તેની ધરપકડ કરી સ્થળ પરથી ઇન્જેક્શન , ગ્લુકોઝની બોટલો, એલોપેથીની દવા, બ્લડપ્રેશર માપવા મશીન સહિત 4000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ વર્ષ 2012 માં પણ આ જ આરોપી મનોજ જોટંગિયા બોગસ તબીબ તરીકે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, તેવામાં લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી છે. જે આધારે છેલ્લા 15 દિવસમાં રાજકોટ SOG પોલીસે 2 અને ક્રાઇમ બ્રાન્ચે 2 મળી કુલ 4 બોગસ તબીબને ઝડપી પાડ્યા છે. પકડાયેલ બોગસ તબીબ લોકોને એલોપેથી દવા આપી સારવાર આપતા હતા, જેમાં તે તમામ પ્રકારની સામાન્ય સારવાર દવા આપી તેમજ જરૂર જણાય તો ગ્લુકોઝની બોટલ ચડાવી દર્દીઓની સારવાર કરતા હોવાનું સામે આવ્યું છે. બોગસ તબીબ રૂપિયા 30 થી 50 માં દર્દીઓને સારવાર આપતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
હાલ પોલીસે રાજકોટમાંથી વધુ બે મુન્નાભાઈ MBBS ને ઝડપી પાડી કોઈ દર્દીને મેજર સારવાર આપી છે કે કેમ સહિતના અલગ અલગ મુદ્દાઓને લઇ તપાસ હાથ ધરી છે. આ અગાઉ રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય પોલીસે પણ શાપર ખાતેથી બોગસ તબીબને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં કોરોના નામની વૈશ્વિક મહામારી ચાલી રહી છે, જેને ડામવા માટે સમગ્ર વિશ્વનું આરોગ્ય વિભાગ મહેનત કરી રહ્યું છે. તેવામાં બોગસ તબીબ પોલીસ પકડમાં સામે આવતા અનેક લોકોના આરોગ્ય સાથે ચેડા થયા હોવાનું જાણી શકાય છે, ત્યારે પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ બીમારી હોય તો તેની સારવાર સરકારી દવાખાના અથવા યોગ્ય તબીબ દવાખાનામાં લેવી અને બોગસ તબીબ વિષે કોઈ માહિતી જણાય તો પોલીસને જાણ કરવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે