‘ટાર્ગેટ નેમ ગોરધન ઝડફિયા’ નામથી શાર્પશૂટરે કોઈને ફોટો મોકલ્યો હતો, લીધી હતી મોટી રકમની સોપારી

તપાસમાં ખૂલ્યું કે, પકડાયેલો શાર્પશૂટર મોહંમદ ઈરફાન ઇલ્યાસ ઉર્ફે કાલિયો (ઉ. વર્ષ 24)  મૂળ મુંબઈના ચેમ્બુરનો રહેવાસી છે. તેનુ પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. છોટા શકીલે બે શાર્પશૂટર્સને ગુજરાત મોકલ્યા હતા

‘ટાર્ગેટ નેમ ગોરધન ઝડફિયા’ નામથી શાર્પશૂટરે કોઈને ફોટો મોકલ્યો હતો, લીધી હતી મોટી રકમની સોપારી

મૌલિક ધામેચા/અમદાવાદ :ગેંગસ્ટર છોટા શકીલની ગેંગ ગુજરાતમાં ફરીથી એક્ટિવ થઈ છે. ગુજરાતમાં જે રીતે આજે ભાજપના નેતા ગોરધન ઝડફિયા (gordhan zadafia) ની હત્યા કરવા આવેલો શાર્પશૂટર પકડાયો, તે જોતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. કારણ કે, પાંચ દિવસથી ગુજરાતમાં રહીને રેકી કરતા આ શાર્પશૂટરના નિશાના પર અનેક રાજકીય નેતાઓ હતો. અમદવાદના રિલીફ રોડ પર આવેલી હોટલ વિનસમાંથી ગુજરાત એટીએસ (Gujarat ATS) ની ટીમ દ્વારા એક શાર્પશૂટર મોહંમદ ઈરફાન પકડાયો છે. જ્યાર કે, બીજો ભાગી છૂટવામાં સફળ રહ્યો છે. ત્યારે હાલ પાંચ દિવસ દરમિયાન આ બંને શખ્સોએ ગુજરાતમાં શું શું કર્યું તેની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા સામે આવી શકે છે. પરંતુ આ કિસ્સામાં વધુ એક ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે કે, ઇરફાનને આ હત્યા માટે અઢી લાખ રૂપિયા મળવાના હતા.

શાર્પશૂટરનું પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું 

તપાસમાં ખૂલ્યું કે, પકડાયેલો શાર્પશૂટર મોહંમદ ઈરફાન ઇલ્યાસ ઉર્ફે કાલિયો (ઉ. વર્ષ 24)  મૂળ મુંબઈના ચેમ્બુરનો રહેવાસી છે. તેનુ પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. છોટા શકીલે બે શાર્પશૂટર્સને ગુજરાત મોકલ્યા હતા. જેમાં મોહંમદ ઈરફાન મુંબઇથી અમદાવાદ બસમાં આવ્યો હતો. તો પોલીસ પકડથી ભાગી છૂટેલો બીજા શાર્પશૂટરનું નામ સલમાન હોવાનું ખૂલ્યું છે. તે ગઈ કાલે અમદાવાદમાં આવ્યો હતો અને બંને ECCO કાર ભાડે કરી કોબા ખાતે કમલમ ઓફિસ પહોંચ્યા હતા. બાદમાં વર્ચ્યુઅલ નંબરથી વોટ્સએપ ચલાવતા વ્યક્તિને ફોટા મોકલ્યા હતા. ‘ટાર્ગેટ નેમ ગોરધન ઝડફિયા’ નામથી ફોટો મોકલવામાં આવ્યો હતો, જે ATSને મોબાઈલ ફોનમાંથી મળ્યો છે. 

ગોરધન ઝડફિયાના હત્યાના ષડયંત્ર વિશે વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....

ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવાનું કાવતરું ગુજરાત ATSએ નિષ્ફળ બનાવ્યું

અનેક નેતાઓ ટાર્ગેટ પર હતા 

આ મામલે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, ગઈકાલે રાત્રે ATS ને મળેલ માહિતી અનુસાર અમદાવાદ શહેરના રિલીફ રોડ પર આવેલી વિનસ હોટલ પર મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન વિનસ હોટલમાં રોકાયેલ વ્યક્તિ કે જેના કમરના ભાગે લોડેડ ગન હતી અને પોલીસને જોતાં જ તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. પરંતુ પોલીસ અધિકારીઓએ તેનું નિશાન ચૂક કરાવીને તેને ઝબ્બે કરી લીધો છે. બીજો સાગરિત તેની સાથે હતો, એ હાલ ફરાર છે. તેને પણ ઝડપથી પકડી લેવામાં આવશે. એ માટે ATS દ્વારા પ્રયાસો જારી છે. એટીએસ દ્વારા છોટા શકીલની ગેંગનો જે શંકાસ્પદ વ્યક્તિ પકડી લેવાયો છે. તેની તપાસ કરતાં તેના મોબાઈલમાંથી જે વિગતો મળી છે એ મુજબ રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયા સહિત અનેક નેતાઓ ટાર્ગેટ પર હતા. વધુ તપાસ બાદ જ ક્લિયર થશે કે આ વ્યક્તિઓના મનસૂબા શું હતા. આ ષડયંત્રમાં કોઈ પણ વ્યક્તિ શંકાના દાયરામાં આવશે તો તેને રાજ્ય સરકાર છોડશે નહિ. આ બનાવને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધો છે અને રાજ્યના પોલીસ તંત્રને સરકાર દ્વારા સતર્ક કરી દેવાયું છે. 

ષડયંત્રને ઉકેલવામાં કેન્દ્રીય એજન્સીઓ પણ કામે લાગી 
ગોરધન ઝડફિયા પર હુમલાના નિષ્ફળ કાવતરાના ઘટનામાં કેન્દ્રીય એજન્સીઓ પણ સતર્ક બની છે. કેન્દ્રીય એજન્સીઓ સ્થાનિક એજન્સી સાથે સંપર્ક કરી પ્રાથમિક વિગતો મેળવી રહી છે. પકડાયેલ શાર્પશૂટરના મોબાઈલની સાયન્ટિફિક તપાસ કરવામાં આવશે. FSL દ્વારા મોબાઈલમા અત્યારસુધી ઉપયોગમાં લેવાયેલા સીમની પણ તપાસ કરવામાં આવશે. તેમજ મોબાઈલમાંથી ડિલીટ કરવામાં આવેલા ડેટા મેળવવા પણ પ્રયાસ કરાશે. આરોપી અમદાવાદ કઈ રીતે આવ્યો, હોટલ પાસેના સીસીટીવી ફૂટેજ અને અમદાવાદના સંપર્કોની પણ તપાસ શરૂ કરાઈ છે. આ ઉપરાંત આરોપીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પણ વિગતો મેળવવા ચક્રો ગતિમાન કરાયા છે. સાયન્ટિફિક તપાસ માટે વિશેષ ટીમ કામે લાગી છે. Ats અને ક્રાઈમ બ્રાન્ચે પણ વિશેષ ટુકડી બનાવી તપાસ આદરી છે. ગુજરાત બહાર તપાસનો ધમધમાટ શરૂ થશે. 

2002માં ગુજરાતના રમખાણો વેળાએ ગૃહરાજ્ય મંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા આ શાર્પશૂટરના નિશાના પર હતા.  ભાજપના અન્ય રાજકારણીઓને નિશાન બનાવવાના હતા. જો કે, આ શાર્પશૂટરો ત્રાટકે તે પહેલાં જ તેઓ ઝડપાઈ ગયા હતા. જો કે, આ ઘટનાક્રમ પરથી દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ ગણાતા છોટા શકીલની ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ થયાના મજબૂત સંકેતો મળ્યા છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news