આજે ગુજરાતનું બજેટઃ ખેડૂતો, દિવ્યાંગો અને રોજગાર અંગે વિશેષ જાહેરાતની સંભાવના

કેન્દ્રના જળસંચય અભિયાનને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર પણ કોઈ મોટી જાહેરાત કરી શકે છે, સાથે જ રોજગારી અને કૌશલ્ય વર્ધન અંગે પણ સરકાર કોઈ નવી યોજના રજૂ કરે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે 
 

આજે ગુજરાતનું બજેટઃ ખેડૂતો, દિવ્યાંગો અને રોજગાર અંગે વિશેષ જાહેરાતની સંભાવના

હીતલ પારેખ/ અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચોમાસુ સત્ર 2 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. આ વખતે વિધાનસભા સત્રમાં બજેટ પણ રજુ થવાનું છે એટલે તેને બજેટ સત્ર પણ કહેવામાં આવી રહ્યું છે. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ નાણાંમંત્રી નીતિન પટેલ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરશે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા સુરત અગ્નિકાંડ, ખાતર-પાણી, દલિતોના મુદ્દે વિધાનસભામાં સરકાર પર પસ્તાળ પાડવાની તૈયારીમાં છે. આમ આ વિધાનસભામાં બજેટ સત્ર દરમ્યાન ભારે હંગામો અને હોબાળો જોવા મળે તેવી પૂરી શકયતા છે.

ભાજપ વિરોધ પક્ષની રણનીતિને નિષ્ફળ સાબિત કરવાનો ભરપૂર પ્રયાસ કરશે. લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા પછી રજૂ થનારા આ બજેટમાં કેન્દ્રની નવી મોદી સરકારના ૧૦૦ દિવસના એજન્ડા મુજબ રોજગારી અને જીડીપી પર વધુ ધ્યાન આપવામાં આવે તેવી સંભાવના છે. આ બજેટમાં ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોની સાથે કૃષિ અને પાણીને વધુ પ્રાધાન્ય અપાશે તેવુ મનાઇ રહ્યું છે. 

બજેટમાં થનારી સંભવિત જાહેરાતો

  • જીએસટી કાઉન્સિલની રચના બાદ કોઈ કરવેરા નહી હોય
  • રાજ્ય સરકાર ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરી શકે છે
  • નાના અને સીમાંત ખેડૂતો માટે સરકાર જાહેરાત કરે તેવી શક્યતા
  • દિવ્યાંગો માટે રાજ્ય સરકાર મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા
  • દિવ્યાંગો માટે નવુ દિવ્યાંગ નિગમની સરકાર રચના કરે તેવી શક્યતા
  • સુરતની ઘટનાને પગલે સ્કૂલ અને કોલેજોને નવા ફાયરના સાધનો માટે સરકાર જાહેરાત કરી શકે છે
  • જળ સંચય માટે પણ રાજ્ય સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે 
  • સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગાર લક્ષી યોજનાઓ 
  • રાજ્યમા દારુ બંધી હોવાના કારણે ગુજરાતને જતી ખોટને સરભર કરવા લીકર પર વધુ ટેક્સ ઝીંકાય
  • આદિજાતિ અને મહિલાઓ માટે કોઈ યોજના જાહેર કરે તેવી શક્યતા
  • અનુસુચિત જાતિ માટે આંબેડકર આવાસ યોજનામાં સરકાર વધારો કરી શકે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બજેટ અંગે જણાવ્યું કે, "પ્રધાનમંત્રીના જળસંચયના કાર્યક્રમને ગુજરાત અપનાવશે. ગુજરાતમાં જળસંચય યોજનાના પરિપ્રેક્ષ્યમાં વિશેષ કામગીરી કરવામાં આવશે. ગુજરાતની પ્રજાની આશા-અપેક્ષા પૂર્ણ થાય તેવું નાણામંત્રી બજેટ રજૂ કરશે તેવો મને વિશ્વાસ છે. ગુજરાતનું બજેટ ગુજરાતના વિકાસ માટે મહત્ત્વનું બનશે."

આવતીકાલથી શરૂ થનારા બજેટ-ચોમાસુ સત્ર દરમ્યાન સંસ્કૃત એજ્યુકેશન બોર્ડ, અશાંત ધારો,  સ્ટેમ્પ ડ્યુટી, રેવન્યુ એક્ટ અને ટાઉન પ્લાનિંગ સહિતના મહત્વના આઠ બીલો પણ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે. આગામી તા. ૨થી ૨૩ જુલાઈ સુધી ફરી એકવાર રૂપાણી સરકારની કસોટી થશે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીના કારણે ગુજરાત સરકારે ફેબ્રુઆરી માસમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવાને બદલે વોટ ઓન એકાઉન્ટ રજૂ કરીને આગામી છ મહિનાના ખર્ચની જોગવાઈ પસાર કરી હતી. બજેટ માટે ૬૪થી વધુ બજેટ પ્રકાશનો તૈયાર કરવામાં આવ્યા છે અને ઓગસ્ટ-૨૦૧૯થી માર્ચ-૨૦૨૦ સુધીના ખર્ચ માટેનું ફેરફાર કરેલું પૂર્ણ બજેટ રજૂ થશે. 

અગાઉ લેખાનુદાન સમયે બજેટનું કદ રૂ. ૧.૯૧ લાખ કરોડ નક્કી કરાયું હતું. જેમાંથી ચાર મહિનાના ખર્ચ પેટે રૂ. ૬૩૯.૩૯ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. હવે આ જુલાઈમાં રજૂ થનારા બજેટમાં સુધારેલા અંદાજ મુજબ, બજેટનું કદ રૂ. ૧.૯૧ લાખ કરોડથી વધીને રૂ.૨ લાખ કરોડ સુધી પહોંચી જવાની સંભાવના છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news