કોણ છે ભાજપના ભાજપૂતો? જે સમાજને છોડીને રાજનીતિ માટે બની બેઠાં છે મૌની બાબા
Kshatriya Samaj controversy: ગુજરાતમાં ક્ષત્રિય સમાજ પર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ ગુજરાત સહિત દેશભરમાં રાજકારણ ગરમાયું છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાને બદલવાની માંગ સાથે ભાજપ સામે વિરોધ થઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજનો આક્ષેપ છેકે, ભાજપમાં જેટલાં પણ ક્ષત્રિયો છે તે ભાજપમાં જઈને રાજપૂત નહીં પણ ભાજપૂત થઈ ગયા છે.
Trending Photos
Parshottam Rupala Kshatriya Samaj controversy: મોદી સરકારના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા હાલ ભારે વિવાદમાં છે. લોકસભાની ચૂંટણી માટે ભાજપે રાજકોટથી ઉમેદવાર તરીકે રૂપાલાનું નામ જાહેર કર્યું એની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો. પહેલાં આંતરિક વિખવાદ સામે આવ્યો. ત્યાર બાદ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અંગે કરેલી નિવેદનથી માહોલ જબ્બર ગરમાયો. ગુજરાતમાં હાલ સૌથી વધુ ચર્ચાનો કોઈ વિષય હોય તો એ છે પરસોત્તમ રૂપાલાનાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં થઈ રહેલો વિરોધ. ક્ષત્રિય સમાજ એવો આક્ષપ કરી રહ્યો છેકે, ભાજપમાં જેટલાં પણ રાજપૂતો છે એ રાજપૂતો નહીં પણ ભાજપૂતો છે. સમાજને બદલે સરકાર અને રાજકીય પક્ષની પડખે ઉભા રહેનારા રાજપૂત નેતાઓ સામે અહીં સવાલ ઉઠી રહ્યાં છે.
ક્ષત્રિય સમાજના અપમાનના મુદ્દે મૌન
ત્યારે એ પણ જોઈએ કોણ છે એ રાજપૂતો જે બની ગયા છે ભાજપના ભાજપૂતો. અને ભાજપના ભાજપૂત બનીને પોતાની રાજનીતિ માટે મૌનીબાબા બનીને આખા ક્ષત્રિય સમાજના અપમાનના મુદ્દે મૌન સેવી રહ્યાં છે. ક્ષત્રિય સમાજના અગ્રણી એવા ભાવનગરના રાજવીએ સૌથી પહેલાં આક્ષેપ કર્યો હતોકે, ભાજપમાં જેટલાં પણ રાજપૂતો છે એ ભાજપૂતો થઈ ગયા છે.
- ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો, આ નેતાઓના પ્રયાસો સરાહનીય પણ સમાજમાં રોષ
- નેતાઓ જાણે છે કે આ રોષ શમી જશે પણ કારકીર્દી પતી જશે એટલે મૌન ધારણ કર્યું
- હવે આ વિવાદ બાદ ફરી સમાજ મહત્વ આપશે કે કેમ એ સૌથી મોટો સવાલ
- સરકારથી લઈને સંગઠનમાં ક્ષત્રિય સમાજના નેતાઓ ઉંચા પદ પર
- સરકારમાં રહીને કરી રહ્યાં છે વાટાઘાટો પણ સમાજ માટે ભાજપના ભાજપૂતો બન્યા
- ઉકેલ લાવવાના પ્રયાસોએ નેતાઓને સમાજમાં વિલન ચીતરી દીધા
બળવંતસિંહ રાજપૂત (ગુજરાત સરકારની કેબિનેટમાં સ્થાન ધરાવતા ઉદ્યોગ મંત્રી):
બળવંતતસિંહ રાજપૂત વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યાં. સિદ્ધપુરથી ચૂંટણી લડ્યા, પહેલાં હાર્યા પછી જીત્યાં. ધારાસભ્ય તરીકે રહ્યાં. રાજ્યસભા પણ લડ્યાં. જીઆઈડીસીના ચેરમેન રહ્યાં. હાલ ગુજરાત સરકારની કેબિનેટમાં ઉદ્યોગમંત્રી છે. એક સમયે ગુજરાતના તમામ ધારાસભ્યમાં સૌથી ધનાઢ્ય ધારાસભ્ય પણ રહ્યાં. ક્ષત્રિય સમાજના કાર્યક્રમોમાં મંચ પર દેખાતા આ નેતા શું હાલ ભાજપના થઈને રહી ગયા છે એવો આક્ષેપ ખુદ ક્ષત્રિયો કરી રહ્યાં છે.
પ્રદિપસિંહ જાડેજા (ગુજરાત સરકારના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી):
પ્રદિપસિંહ જાડેજા સંઘના જુના કાર્યકર રહ્યાં. ત્યાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પછી ગુજરાત સરકારમાં ધારાસભ્ય તરીકે વર્ષો સુધી રહ્યાં. વર્ષો સુધી ગુજરાત સરકારમાં મંત્રી પદ પર રહ્યાં છે. છેલ્લાં બે ટર્મ ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી તરીકે રહ્યાં. અમદાવાદની પહેલાં અસારવા અને બાદમાં વટવા બેઠકથી ધારાસભ્ય તરીકે ભાજપના પ્રતિનિધિ તરીકે ગૃહમાં પ્રવેશ મેળવ્યો. મોદી સરકારે નો રિપીટ ફોર્મ્યુલા અજમાવતા ઘરભેગા થવાનો વારો આવ્યો છે. હાલ સંગઠનમાં છે. પણ હજુ પણ મનમાં સત્તાની ઈચ્છા હોય એ સ્વભાવિક છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી):
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વર્ષોથી ગુજરાત સરકારમાં મંત્રી તરીકે રહ્યાં. નરેન્દ્ર મોદીથી લઈને આનંદીબેન અને રૂપાણીની સરકારમાં પણ તેઓ મંત્રી પદ પર રહ્યાં. છેલ્લે તેઓ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીના પદ પર હતાં. તેમની ચૂંટણીનો હાર-જીતનો મામલો પણ ભારે વિવાદમાં રહ્યો હતો. નોરિપિટ ફોરમ્યુલામાં એ પણ ઘરભેગા થયા હતાં. જોકે, તેઓ પણ સત્તાનું સ્થાન શોધી રહ્યાં હોય એ સ્વભાવિક છે. એવામાં સમાજની સાથે રહેવું કે સંગઠન એટલેકે, રાજકીય પક્ષની સાથે એ મુદ્દો અહીં પણ આવે છે.
આઈ.કે.જાડેજા (ગુજરાત સરકારના પૂર્વ મંત્રી):
આઈ.કે.જાડેજા ગુજરાતની ભાજપ સરકારમાં મંત્રી પણ રહ્યાં. લાંબા સમયથી સંગઠનમાં રહીને કામ કરી રહ્યાં છે. જોકે, મનમાં ચોક્કસ ઈચ્છા હોય સરકારમાં જવાની સત્તા સ્થાને બિરાજવાની. હવે આવી સ્થિતિમાં ધર્મ સંકટ એ છેકે, સરકાર સાથે રહેવું કે સમાજ સાથે. આ સવાલ તેમની સામે પણ તેમનો સમાજ કરી રહ્યો છે.
જયદ્રથસિંહ પરમાર (ગુજરાત સરકારના પૂર્વ મંત્રી):
જયદ્રથસિંહ પરમાર એ સૌરાષ્ટ્રનું એક મોટું માથું ગણાતા. ક્ષત્રિય સમાજના અગ્રણી એવા જયદ્રથસિંહ પણ ભાજપમાં ધારાસભ્ય રહ્યાં અને સરકારમાં મંત્રી પદ પણ ભોગવ્યું. તેઓ પાસે રાજ્યકક્ષાના મંત્રી પદનો હવાલો હતો. સવાલ એ થાય છેકે, તેઓ હવે સરકાર સાથે છે કે સમાજ સાથે. આ સવાલ અમે નહીં પણ ખુદ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે.
પ્રદિપસિંહ વાઘેલા (ભાજપ સંગઠનના પૂર્વ નેતા):
પ્રદિપસિંહ વાઘેલા એક યુવા નેતા તરીકે વર્ષો સુધી ભાજપમાં રહ્યાં. યુવા મોરચાના પ્રમુખ પણ રહ્યાં. છેલ્લે પ્રદેશ મહામંત્રીના પદનો પણ ભોગવટો કર્યો. જોકે, બાદમાં વિવાદોમાં આવ્યાં અને છેલ્લે તમામ પદ છોડવાનો વારો આવ્યો. તેમ છતાં તેઓ આજે સમાજના આ વિવાદમાં કોની સાથે છે રાજપૂતો સાથે કે ભાજપ સાથે?
ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) (ગુજરાત સરકારના પૂર્વ મંત્રી):
હકુભાના હુલામણાં નામે જાણીતા ધર્મેન્દ્રસિંહ જાડેજા ગુજરાતની ભાજપ સરકારમાં મંત્રી તરીકે રહ્યાં. જામનગર સહિત સૌરાષ્ટ્રમાં રાજપૂત સમાજમાં મોટું માથુ ગણાતા હકુભા હવે ભાજપ સરકારમાં મંત્રી કે ધારાસભ્ય રહ્યાં નથી. તેમના સ્થાને રિવાબા જાડેજાના પાર્ટીએ ટિકિટ આપતા હાલ હકુભા એક પ્રકારે ઘરભેગા જ થઈ ગયા છે. હવે ફરી પાછા સત્તા સ્થાને આવવા માટે તેમણે પણ ભાજપ સાથે રહેવું પડે. એવામાં સમાજની સાથે ઉભા રહેવું તેમને પોસાય ખરું? આવો સવાલ પણ તેમની સાથે થઈ રહ્યો છે. એ જ કારણ છેકે, તેઓ પણ રૂપાલાવાળા વિવાદમાં ક્ષત્રિયોની પડખે ઉભેલાં દેખાતા નથી.
સી.જે.ચાવડા (વિજાપુર વિધાનસભાથી ભાજપના ઉમેદવાર):
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં અને વિજાપુરથી ભાજપના વિધાનસભના ઉમેદવાર એવા સી.જે.ચાવડા હવે ભાજપના થઈ ગયા છે. તેમને પણ ઓપરેશન લોટસ મારફતે સરકાર મંત્રી બનાવવાની ઓફર આપીને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યાં છે. હવે મંત્રી પદ લેવું હોય તો પછી સરકાર સાથે જ રહેવું પડેને. સી.જે.ચાવડાને પણ હવે ભાજપની નારાજગી પોસાય એમ નથી, એ સમયે સમાજ નારાજ થાય તો વાંધો આવે એવો નથી. એટલે તો તેઓ પણ ક્ષત્રિય સમાજના અપમાન વાળા વિવાદમાં કોઈ જગ્યાએ પિક્ચરમાં આવવા તૈયાર નથી. તેથી તેઓ પણ આ ક્ષત્રિય વિવાદમાં મોની બાબા બનીને બેઠાં છે. ઉલ્લેખનીય છેકે, તેઓ અગાઉ લાંબા સમય સુધી કોંગ્રેસમાં ધારાસભ્ય રહ્યાં અને ગઈ લોકસભામાં ગાંધીનગર બેઠક પર ભાજપના હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડ્યાં હતાં. રાજકારણમાં આવતા પહેલાં તેઓ ગુજરાત સરકારમાં અધિકારી પણ હતા.
કેસરીદેવસિંહ (રાજ્યસભાના સભ્ય):
કેસરીદેવસિંહ હાલ ભાજપના રાજ્યસભાના સાંસદ છે. હવે રાજ્યસભામાં તેમની લોટરી લાગ્યા બાદ તેઓ પણ સરકારની સાથે રહીને ભાજપ દ્વારા મળેલા આ પદને ભોગવવા માંગતા હોય તે સ્વભાવિક છે. આવી સ્થિતિમાં ભાજપ સાથે રહેવું કે પછી રાજપૂત સમાજ સાથે રહેવું એ ધર્મસંકટ બની શકે છે. તેઓ તેઓ પણ ક્ષત્રિય સમાજવાળા વિવાદમાં મોનીબાબા બનીને બેઠાં છે.
જયરાજસિંહ પરમાર (પ્રવક્તા ભાજપ):
જયરાજસિંહ પરમાર વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યાં. કોંગ્રેસમાં એક ફાયરબ્રાન્ડ નેતા તરીકેની છબી ઉભી કરી. વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય કે મહિલાઓનો મુદ્દો હોય, બેરોજગારીની વાત હોય કે વિકાસની વાત દરેક મુદ્દે આ નેતા અગાઉ ભાજપ સરકારને ભાંડતા હતાં. ત્યાર બાદ મોકો જોઈને ભાજપના ખોળે બેસી ગયા. હવે તેમને ભાજપ સારું લાગે છે. હવે તેઓ ભાજપના પ્રદેશ કક્ષાના પ્રવક્તા છે. અર્જુન મોઢવાડિયા સહિતના કોંગ્રેસી નેતાઓને ભાજપમાં લાવવાનું ઓપરેશન લોટસનું કામ પણ તેમને સોંપવામાં આવ્યું છે. જે કામ એ બખુબી કરી રહ્યાં છે. પણ આ નેતાને હાલ પોતાના રાજપૂત સમાજની પડખે ઉભા રહેવું પોસાય તેમ નથી. કારણકે, તેમને રાજકીય મહેચ્છાઓ પુરી કરવા ભાજપ સરકાર સાથે રહેવું પડે એવું છે, એટલે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરતા સમાજ એટલેકે, ક્ષત્રિયોની સાથે આ નેતા હાલ મંચ પર દેખાતા નથી. શક્ય છેકે, જો આજ નેતા હાલ કોંગ્રેસમાં હોત તો બુમો પાડીને ભાજપનો અને રૂપાલાનો વિરોધ કરી રહ્યાં હોત. રાજનીતિમાં બધુ જ શક્ય છે.
આ ઉપરાંત પ્રદ્યુમનસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા (પૂર્વ ધારાસભ્ય), ધારાસભ્ય રિવાબા જાડેજા, ગીતાબા જાડેજા, કિરિટસિંહ રાણા (ભાજપના ધારાસભ્ય), ધર્મેન્દ્રસિંહ વાઘેલા (સંગઠનના નેતા), વાઘોડિયા અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સી.કે.રાઉલજી, ભીખુસિંહ પરમાર જેવા ભાજપના અનેક ક્ષત્રિય નેતાઓ હાલ આ રૂપાલાવાળા વિવાદ મુદ્દી મોનીબાબા બનીને ચુપકીદી સેવી રહ્યાં છે. ત્યારે એ સવાલ પણ થાય છેકે, શું ફરી હવે સમાજ આ નેતાઓને પોતાના મંચ પર બોલાવીને હાર તોરા કરશે ખરાં?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે