આખું ગુજરાત બન્યું વરસાદમય, મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો

નિસર્ગ વાવાઝોડું તો ફંટાઈ ગયું, પણ તેની અસર તળે સમગ્ર ગુજરાત વરસાદમય બની ગયું છે. ગઈકાલ સાંજથી ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ ખાબકી ગયો છે. ગુજરાતના વાતાવરણમાં વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ છે, જેને કારણે લોકો ગેલમાં આવી ગયા છે. ગઈકાલે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અમદવાદ શહેર, પોરબંદર, સાબરકાંઠા, બનાસકાંઠા, મોરબીમાં ભારે વરસાદ નોંધાયો છે.  
આખું ગુજરાત બન્યું વરસાદમય, મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો

ઝી મીડિયા/બ્યૂરો :નિસર્ગ વાવાઝોડું તો ફંટાઈ ગયું, પણ તેની અસર તળે સમગ્ર ગુજરાત વરસાદમય બની ગયું છે. ગઈકાલ સાંજથી ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ ખાબકી ગયો છે. ગુજરાતના વાતાવરણમાં વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ છે, જેને કારણે લોકો ગેલમાં આવી ગયા છે. ગઈકાલે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અમદવાદ શહેર, પોરબંદર, સાબરકાંઠા, બનાસકાંઠા, મોરબીમાં ભારે વરસાદ નોંધાયો છે.  

અમદાવાદમાં ધોધમાર વરસાદ 
ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે  ધોધમાર વરસાદ વરસ્યો હતો. ૩૦ મિનિટથી અવિરત વરસાદ પડ્યો હતો. મધરાતે સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં (સવારના 6 થી 6) સરેરાશ 44.52 મિમી વરસાદ નોંધાયો છે. હાલ વાસણા બેરેજના તમામ દરવાજા બંધ છે. તેમજ બેરેજની સપાટી 133.23 ફૂટ પર સ્થિર છે. ધોધમાર વરસાદને પગલે અમદાવાદના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, વરસાદ બંધ થતાં પાણી ઓસર્યા પણ હતા.

  • દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 41.50 મિમી
  • ઉત્તર પશ્ચિમ ઝોનમાં 11.25 મિમી
  • પૂર્વ ઝોનમાં 37 મિમી
  • પશ્ચિમ ઝોનમાં 28.25 મિમી
  • દક્ષિણ ઝોન- 34 મિમી
  • ઉત્તર ઝોન - 18.33 મિમી
  • મધ્ય ઝોન - 29.75 મિમી 

રવિવારે સવારે ક્યાં વરસાદ 
આજે વહેલી સવારે પોરબંદરના વાતાવરણમા પલ્ટો જોવા મળ્યો હતો. પોરબંદર શહેરમા વરસાદી ઝાપટું પડ્યુ હતું, આમ ભારે બફારા બાદ વરસાદની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તો સુરતમાં પણ વહેલી સવારે વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક ભાગોમાં વરસાદ નોંધાયો છે. પવન અને વિજળીના કડાકા સાથે ભારે વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. 

સાબરકાંઠાના વિજયનગરમાં 1 ઈંચ વરસાદ 
સાબરકાંઠા વિજયનગરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. વડાલીના વડગામડા, થેરાસણા, થુરાવાસમાં મન મૂકીને મેઘ વરસ્યો છે. તો વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં રાત્રિ દરમિયાન  વરસાદ તૂટી પડ્યો હતો. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નોધાયેલ વરસાદમાં વડાલી 2 મીમી, ખેડબ્રહ્મામાં 8 મીમી, વિજયનગરમાં 29 મીમી અને તલોદમાં 1 મીમી વરસાદ નોંધાયો છે.

મોરબીમાં ધોધમાર વરસ્યો 
મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ટંકારા, મોરબી અને વાંકાનેર તાલુકામાં વરસાદ ચાલુ છે. તો છેલ્લી એક કલાકથી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ચાલુ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદથી ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ છે. 

બનાસકાંઠાના અનેક જિલ્લામાં વરસાદ 

બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. થરાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. તો ડીસા, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા,પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. 
વરસાદ વરસતાં સમગ્ર જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news