ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં ભારે વરસાદ આફત બન્યો! જાણો કયા જિલ્લામાં કેવી છે સ્થિતિ?
ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા. તો અમદાવાદમાં સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તાર સરોવરમાં બદલાઈ ગયા.
Trending Photos
Gujarat Monsoon 2024: મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા. તો અમદાવાદમાં સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તાર સરોવરમાં બદલાઈ ગયા. ઉત્તર ગુજરાતમાં આફતનો આ વરસાદ તમે જુઓ...મેઘરાજાની વધુ એક ઈનિંગ એવી શરૂ થઈ ગઈ, ઉત્તરના અનેક શહેરો જળબંબાકાર થઈ ગયા.
સાબરકાંઠાની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ, વીજાપુરમાં 8 ઈંચ વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું. બનાસકાંઠાના પાલનપુરમાં ઠેર ઠેર પાણી ભરાતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી. તો મેઘરજમાં અનેક જગ્યાએ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા. ઊંઝા પણ સામાન્ય વરસાદમાં બંધ થઈ જતો અંડરપાસ ફરી એકવાર બંધ થઈ ગયો. તો અમદાવાદમાં પણ સતત બે દિવસથી પડી રહેલો વરસાદ અનેક વિસ્તાર માટે મુશ્કેલી લઈને આવ્યો છે. SG હાઈવે, પ્રહલાદનગર, સેટેલાઈટ, થલતેજ, ગોતા, પાંજરાપોળ, આંબાવાડી સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.
પાંજરાપોળ, આંબાવાડી, ગોતા, પ્રહલાદનગર અને CA સર્કલ પાસે પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. રોડ પર પાણી અને પાણીમાંથી પસાર થવામાં મુશ્કેલી. અમદાવાદમાં વરસેલો આ વરસાદ અમદાવાદ કોર્પોરેશનની પોલ ખોલી રહ્યો છે. નિંદ્રાધીન તંત્રને કારણે સી.એ.સર્કલ પાસે પાણી ભરાઈ જતાં લોકોએ હાલાકી વેઠવી પડી. આંબાવાડી વિસ્તારમાં મેઘરાજા સાંબેલાધાર વરસ્યા અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. શહેરનો સમૃદ્ધ કહેવાતો માણેકબાગ વિસ્તાર પણ જળમગ્ન થઈ ગયો. પાણી ભરાતાં લોકોને મહામુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.
આપણી રાજધાની ગાંધીનગરમાં સૌથી વિકસિત કહેવાતા આ શહેરમાં તંત્ર કેવું કામ કરે છે તેની પોલ વરસાદે ખોલી નાંખી. PDPU રોડ અને ભાઇજીપુરા સર્કલ પાસે પાણી ભરાતાં વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. એક તરફ બ્રિજનું કામ અને બીજી તરફ પાણી ભરાતાં લોકોને ભારે હાલાકી પડી. ગાંધીનગરના દહેગામમાં મેઘરાજા મનમુકીને શું વરસ્યા કે શહેર સમુદ્ર બની ગયું. દહેગામની બજાર અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને મહા મુસિબતનો સામનો કરવો પડ્યો.
અમદાવાદ અને ગાંધીનગરની સાથે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ જોવા મળ્યો. એક તરફ પાલનપુરના બસ સ્ટેશનમાં પાણી ઘૂસી જતાં મુસાફરો મુશ્કેલીમાં ફસાયા. તો મહેસાણાના વીજાપુરમાં ખાબકેલા 8 ઈંચ વરસાદથી શહેર સરોવરમાં ફેરવાઈ ગયું. મેઘરાજાની વધુ એક ઈનિંગ લોકો માટે આફત લઈને આવી તો હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યારે કેવી સ્થિતિ થાય છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે